Columns

અંદર અંદર વેર

પંચતંત્રની એક વાર્તા છે.એક જંગલમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં.જંગલની વચ્ચે એક મોટું તળાવ હતું. આખા જંગલમાં આ એક જ તળાવ હતું અને એટલે જંગલનાં બધાં પ્રાણીઓ અહીં જ પાણી પીવા આવતાં.જંગલ હતું અને જાનવરો રહેતાં હતાં છતાં નક્કી કરેલ વ્યવસ્થા બહુ સરસ હતી.સવારે જંગલમાં રહેતાં નાનાં પ્રાણીઓ પાણી પીવા આવતાં.મોડી સાંજે મોટાં પ્રાણીઓ હાથી, રીંછ,ગેંડા વગેરે અને બરાબર બપોરે ભોજનની વેળા બાદ જંગલનો રાજા વનરાજ સિંહ પાણી પીવા આવતો અને એટલે તે સમયે કોઈ અન્ય જાનવર પાણી પીવા તળાવ પાસે આવતું નહિ.

જંગલમાં એક રીંછ દંપતીનું બચ્ચું જન્મથી જ બહુ બળવાન હતું અને તે મોટું થતાં એકદમ કદાવર અને બળવાન થઈ ગયું હતું.એક દિવસ નાદાન તાકાતવર યુવાન રીંછ યુવાનીના જોશમાં બપોરે તરસ લાગતાં તળાવ પાસે પાણી પીવા પહોંચી ગયો.બરાબર તે જ સમયે વનરાજ સિંહ પણ પાણી પીવા આવ્યો.રીંછને જોઇને વનરાજ સિંહ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, ‘અત્યારે મારો પાણી પીવાનો સમય છે.તું શું કામ આવ્યો છે અહીં, ચલ જા, તારા સમયે આવજે, નહીં તો હમણાં જ તારો શિકાર કરી તને મારી નાખીશ.’

યુવાનીના જોશમાં નાદાન કદાવર રીંછ બોલ્યું, ‘તાકાત તો મારામાં પણ ઘણી છે.મને ડરાવો નહિ. હું તો ઝાડ પર ચઢીને પણ શિકાર કરી શકું છું અને જમીન પર પણ. તમે તો માત્ર જમીન પર જ શિકાર કરી શકો છો.હું કંઈ તમારાથી ડરતો નથી, મને તરસ લાગી છે એટલે હું હમણાં જ પાણી પીશ.’ સિંહને પોતાનું અપમાન લાગ્યું, તેણે કહ્યું, ‘હવે તો હું પહેલાં તારો શિકાર કરીશ, તને મારીશ, પછી જ પાણી પીશ.’

આટલું બોલી સિંહ અને રીંછ સામસામે આવી ગયાં અને એક બીજા પર હુમલો કરવાની તક શોધવા લાગ્યાં.બંનેએ એકબીજાને ઘાયલ કરી નાખ્યા.બંને લોહીલુહાણ થયા પણ કોઈ હારવાનું નામ લેતું ન હતું.તેમની લડાઈ ચાલુ હતી અને ત્યારે આકાશમાં ગીધોનાં ટોળાં મંડરાવા લાગ્યાં.સિંહની નજર ઉપર ઊડતાં ગીધો પર ગઈ અને તે તરત સમજી ગયો કે આ ગીધ અમારા બે ની લડાઈ પૂરી થાય અને અમે મરી જઈએ પછી અમને ખાવા આવી ગયા છે.

તેણે યુવાન રીંછને ગીધ દેખાડ્યાં અને કહ્યું, ‘જો આમ લડવાનું ચાલુ રાખીશું તો બન્ને મરી જઈશું અને આ ગીધનો ખોરાક બની જઈશું, માટે લડવાનું બંધ કરી સાથે પાણી પી લઈએ અને અહીંથી જઈએ.’ રીંછ સમજી ગયું.સિંહ અને રીંછ પાણી પી ત્યાંથી ચાલ્યાં ગયાં. સિંહ અને રીંછ સમજી ગયાં, પરંતુ આપણે સમજતાં નથી; નજીકનાં સ્વજનો સાથે સમજ્યા વિના નાની નાની બાબતોમાં વેર વાળી લડીએ છીએ જેનો ફાયદો ગીધ જેવાં સ્વાર્થી લોકો લઇ લે છે.અંદર અંદર એકબીજા સાથે વેર રાખી લડવાને બદલે સમજણ રાખી સમસ્યામાંથી શાંતિથી માર્ગ કાઢવો જોઈએ.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top