નડિયાદ: નડિયાદ શહેરમાં એક માથાભારે શખ્સે સોસાયટીના જાહેર રસ્તા ઉપર ફાયરીંગ કરી પોતાની પત્નિની હત્યા કરતાં ચકચાર મચી છે. આ શખ્સ પોતાની ઓળખ છુપાવવા માટે હેલ્મેટ પહેરીને આવ્યો હતો. પરંતુ, ભાગતી વખતે હેલ્મેટ પડી જતાં તેની ઓળખ છતી થઈ હતી. આ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધી, તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશીપ બુધવારના રોજ બપોરના સમયે સુમસામ ભાસી રહી હતી. દરમિયાન ત્યાં જ રહેતાં 47 વર્ષીય નીમીષાબેન પરમાર સોસાયટીના રસ્તા પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. બરાબર તે જ વખતે માથે હેલ્મેટ પહેરીને એક શખ્સ એક્ટિવા લઈને ત્યાં આવી ચડ્યો હતો.
આ શખ્સે એકાએક એક્ટિવા ઉભી રાખીને, ખિસ્સામાંથી બંદુક કાઢી, નીમીષાબેન સામે ધરી દીધી હતી. નીમીષાબેન કંઈ સમજે તે પહેલાં જ હેલ્મેટધારી શખ્સે ફાયરીંગ કરી દીધું હતું. બંદુકમાંથી નીકળેલી ગોળી નીમીષાબેનના શરીરમાં ઘુસી ગઈ હતી. જેથી લોહીલુહાણ બનેલાં નીમીષાબેન જમીન પર ઢળી પડ્યાં હતાં અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યાં હતાં. બીજી બાજુ ધડાકાનો અવાજ સાંભળી સ્થાનિકો ઘર બહાર દોડી આવ્યાં હતાં. જેથી હત્યારો શખ્સ એક્ટિવા લઈને ભાગવા લાગ્યો હતો. જોકે, તે વખતે શખ્સે માથામાં પહેરેલું હેલ્મેટ પડી ગયું હતું.
આ શખ્સનો ચહેરો જોઈને સ્થાનિકો અચંબિત થઈ ગયા હતાં. કેમ કે હત્યારો શખ્સ બીજો કોઈ નહીં પરંતુ મૃતક મનીષાબેનનો પતિ રસિક પરમાર જ હતો. સ્થાનિકોએ દોડીને તેને પકડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં નડિયાદ પશ્ચિમ પોલીસની ટીમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને તપાસ શરૂ કરી હતી. આ મામલે મૃતક નીમીષાબેનની માતાની ફરીયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે રસિક પરમાર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી, તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. હત્યારો રસિક પરમાર વનવિભાગમાં ફરજ પૂર્ણ કરી નિવૃત્ત જીવન ગુજારતો હોવાનું જાણવા મળેલ છે.
નીમીષાબેને પતિ વિરૂધ્ધ મારામારી, ઘરેલુ હિંસા અને ભરણપોષણના કેસ મુક્યાં હતાં
રસિક પરમાર પોતાની પત્નિ નીમીષાબેન ઉપર ત્રાસ ગુજારતો હતો. આ ત્રાસ અસહ્ય બનતાં નીમીષાબેને પોતાના પતિ રસિક વિરૂધ્ધ મારામારીની ફરીયાદ નોંધાવી હતી. જે બાદ ઘરેલુ હિંસા તેમજ ભરણપોષણની ફરીયાદ પણ નોંધાવી હતી. આ ત્રણેય કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે.
કોર્ટની મુદ્દત બાદ ખુની ખેલ ખેલાયો
નીમીષાબેને પોતાના પતિ વિરૂધ્ધ કરેલાં મારમારી, ઘરેલુ હિંસા તેમજ ભરણપોષણના કેસ પૈકી એક કેસમાં બુધવારના રોજ સવારે કોર્ટમાં મુદ્દત હતી. આ મુદ્દતમાં નીમીષાબેન હાજર પણ રહ્યાં હતાં. ત્યારે, આ કેસોની ખાર રાખીને જ રસિક પરમારે ફાયરીંગ કરી પોતાની પત્નિ નીમીષાબેનનું ઢીમ ઢાળી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ગોળી માર્યાં બાદ પત્નિ પર એક્ટિવા ચડાવ્યું
રસિક પરમારે બુધવારના રોજ બપોરના સમયે ફાયરીંગ કરી પોતાની પત્નિ નીમીષાબેનને ગોળી મારી દીધી હતી. જેથી નીમીષાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યાં હતાં. તેઓ ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં હતાં. દરમિયાન દર્દથી કણસતાં નીમીષાબેન ઉપર રસિક પરમારે એક્ટિવા ચઢાવી દઈ ક્રુર હત્યા કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.