ખેડા ખેડા નગરના વોર્ડ નં 1 માં ભાઠા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં અંદાજે 400 જેટલાં પરિવારો વસવાટ કરે છે. આ રહીશો નિયમીતપણે પાલિકામાં વેરો ભરે છે. તેમછતાં પાલિકાનું તંત્ર આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યું છે. જેને પગલે આ વિસ્તારના રહીશો નર્કાગાર જેવી હાલતમાં રહેવા મજબુર બન્યાં છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ વિસ્તારને જોડતા માર્ગો પર કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ જાય છે. જેને પગલે આ વિસ્તારના રહીશોને અવરજવર કરવામાં હાલાકી પડે છે. આ મામલે સ્થાનિકોએ અનેકોવાર રજુઆતો કરી છે. પરંતુ, પાલિકાના ભ્રષ્ટ અને નઘરોળતંત્ર આ રજુઆતો ધ્યાને લેતાં નથી. જેને પગલે સમસ્યાઓ બાબતે વડાપ્રધાનને પત્ર લખવાનું નક્કી કરાયું છે.
ખેડા ભાઠા વિસ્તારના મહેરૂપુરા થી ભોઈવાસ તરફ, રાવળ વાસ, આંબલીયા ભાઠા વિસ્તારના રહીશોને ચોમાસામાં વરસાદના કારણે 1 ફૂટ જેટલા કાદવ કીચડના માટીના થર જામી જવાના કારણે બાળકોને સ્કૂલે જવા, ખેડૂતોને ખેતરમા કરેલી શાકભાજી બહાર માર્કેટમાં વેચવા માટે, અને કોઈ બીમાર હોય તો તેમને ખુબ તકલીફ પડે છે. અત્યાર સુધીમાં નેતાઓએ ફક્ત ખોટા વચનો અને વાયદા જ કર્યા. અગાઉ એક મુખ્ય માર્ગ બનાવ્યો હતો. પરંતુ, ઓ.એન.જી.સી કંપનીના કામ અર્થે આ રોડ તોડી નાંખવામાં આવ્યો હતો.
જે બદલ ઓ.એન.જી.સી કંપનીએ પાલિકામાં રૂપિયા પણ ભર્યા હતા. ઓ.એન.જી.સીનું કામ પૂર્ણ થયાં બાદ પાલિકાએ તૂટેલા રોડનું નવિનીકરણ કર્યું હતું. વર્ષો બાદ બનેલાં આ રોડનું કામ હલકી ગુણવતાનું કરવામાં આવ્યું હોવાથી આ રોડ પણ તુટી ગયો હતો અને સ્થાનિકોની મુશ્કેલી યથાવત રહી હતી. જે બાદ 8 મહિના અગાઉ આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ, આ રોડ પહેલાં જ વરસાદમા ધોવાઈ ગયો હતો અને રોડ ઉપર કપચી દેખાવા લાગી છે. આ ઉપરાંત ભાઠા વિસ્તારના રહીશો સ્ટ્રીટલાઈટ વેરો અને સફાઈ વેરો ભરવા છતાં આજદીન સુધી તેમના વિસ્તારમા સ્ટ્રીટ લાઈટ નથી અને કોઈ દિવસ સફાઈ પણ થતી નથી.
ખેડા વોર્ડ નંબર 1 ભાઠા વિસ્તારના રહીશોને છેલ્લા 40 વર્ષ કરતા પણ વધુ સમયથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં ખેડા પાલિકા અને સ્થાનિક નેતા તથા ચૂંટાયેલા નેતાઓ ઉણા ઉતર્યા છે. આ બાબતે સ્થાનિકો વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે. પણ નેતાઓ તરફથી ફક્ત ને ફક્ત ખોટા આશ્વાશન જ મળે છે. જેથી ત્રસ્ત સ્થાનિકો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાના વિસ્તારની સમસ્યાઓ જણાવવા માટે તૈયાર થયાં છે. એક તરફ હાલ ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલી રહ્યું છે. ભાજપી નેતાઓ, હોદ્દેદારો આગેવાનો તેમજ કાર્યકરો ઘેર-ઘેર જઈને પ્રજાને મળી રહ્યાં છે. ત્યારે, ભાજપના નેતાઓ કાદવ ખુંદીને ખેડાના ભાઠા વિસ્તારના રહીશોને મળવા જશે ખરાં…? તે પ્રશ્ન પણ મહત્વનો બન્યો છે.
અત્રે નોંધનીય છે કે, ખેડા શહેરમાં દર 5 કે 6 વર્ષમા નવા-નવા રોડ બને છે. પરંતુ ખેડાના ભાઠા વિસ્તારમાં અત્યાર સુધીમાં અમુક વિસ્તારમાં જ રોડ બન્યા છે. ભાઠા વિસ્તારમા જવા માટેના મુખ્ય માર્ગ મહેરૂપુરાનું ઘણા વર્ષો બાદ કામ શરુ થયું હતું. જોકે, કોઈ કારણસર છેલ્લા ત્રણ મહિનાથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે ખેડા ચીફ ઓફિસર સાથે વાત કરતાં, ગ્રાન્ટ નહીં હોવાના કારણે કોન્ટ્રાકટરને પેમેન્ટ નહી થવાથી હાલમાં કોન્ટ્રાકટરે કામ બંધ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.