ડાકોર: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં 1 ના રહીશો છેલ્લાં ચાર મહિનાથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આ મામલે સ્થાનિકોની અવારનવાર રજુઆતો બાદ પણ ભ્રષ્ટ અને નઘરોળ તંત્ર આ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકો પાલિકા કમ્પાઉન્ડમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં 1 માં આવેલ નવીનગરી સહિતના કેટલાક વિસ્તારોના 500 જેટલા પરિવારોને છેલ્લાં ચાર મહિનાથી પીવાના પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે.
આ વિસ્તારમાં દિવસ દરમિયાન માત્ર 5 થી 10 મિનીટ જ પાણી આપવામાં આવે છે અને તે પણ દૂષિત હોવાથી સ્થાનિકો આ પાણી ઉપયોગમાં લઈ શકતાં નથી. જેથી સ્થાનિકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે. ઉનાળામાં આ વિસ્તારના રહીશોને પાણી વિના ભારે હાલાકી વેઠવી પડે છે. આ મામલે સ્થાનિકો દ્વારા અનેકોવાર પાલિકાતંત્ર સમક્ષ રજુઆતો કરવામાં આવી છે. પરંતુ, પાલિકાનું નઘરોળ તંત્ર આ રજુઆતો ધ્યાને લેતું ન હતું.
જેથી રોષે ભરાયેલાં સ્થાનિકોએ આ મામલે કલેક્ટર, ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તા.1-5-23 સુધીમાં આ વિસ્તારમાં નિયમીતપણે શુધ્ધ પીવાનું પાણી આપવા અલ્ટીમેટમ આપ્યું હતું અને જો પાણી આપવામાં નહીં આવે તો તા.2-5-23 થી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જેથી રોષે ભરાયેલાં સ્થાનિકો તારીખ 2-5-23 ના રોજ સવારે ડાકોર નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યાં હતાં અને પાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. તેઓએ જ્યાં સુધી માંગણી પુરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાનું જણાવતાં પાલિકા હરકતમાં આવ્યું છે.