રાજ્યભરમાં છેલ્લા સાત દિવસથી રેસિડેન્ટ તબીબો બોન્ડની શરતમાં ફેરફારને લઈ હડતાલ પર ઉતર્યા છે, ત્યારે રાજ્ય સરકાર આ હડતાલને ગેરવાજબી ગણાવી રહી છે. આજે રેસિડેન્ટ તબીબોની માગણીઓ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડીકલ કોલેજ- હોસ્પીટલમાં ડીન, સુપ્રિન્ટેન્ડન્ટ સહિત ઉચ્ચ અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી, જેમાં રેસિડેન્ટ તબીબો તેમની હડતાળ બિનશરતી પાછી ખેંચે છે તો તેમના વ્યાજબી પ્રશ્નો માટે ડીન તથા અન્ય નિષ્ણાંત તબીબી શિક્ષકો અધિકારીઓની પાંચ સભ્યોની કમિટી રચવાનો નિર્ણય કરાયો છે. આ કમિટી સમક્ષ તબીબો પ્રશ્ન રજૂ કરી શકશે, અને કમિટી યોગ્ય ચર્ચા વિચારણા બાદ તેનો અહેવાલ રાજ્ય સરકારને રજુ કરશે. આ પ્રશ્નો જે વ્યાજબી હશે, તે માટે રાજ્ય સરકાર તેનો નિકાલ માટે ચોક્કસ વિચારણા કરવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રેસિડેન્ટ તબીબોને સી.એચ.સી અને જિલ્લા- તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં સેવા માટે જે હુકમો કરાયા છે, ત્યાં સેવાઓમાં જોડાઈ જવું જોઈએ, અથવા ચોથા વર્ષ માટે સીનીયર રેસિડેન્ટ તરીકે જે તે કોલેજમાં જોડાઇ શકે છે. રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલા બોન્ડની શરતો મુજબ એક વર્ષ – ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે, એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી નથી.
નીતિન પટેલ વધુમાં કહ્યું હતું કે, તાજેતરમાં કોવિડની પરિસ્થિતિમાં જે રેસિડેન્ટ તબીબોએ પોતાની સેવાઓ આપેલી છે, તેમના બોન્ડમાં રાજ્ય સરકારની જે નીતિ છે, તે મુજબ જેટલો સમયગાળો કોવિડમાં ફરજો બજાવી હશે તેટલો સમયગાળો બોન્ડમાંથી મુક્તિ આપવાની જે નીતિ છે. તે મુજબ પણ મોટાભાગના તબીબોને લાભ આપી કોરોનામાં કરેલી સેવાઓને બિરદાવી છે. આ હડતાળ ગેરકાયદેસર તથા કોઇપણ પ્રકારના કારણો સિવાયની છે. ત્યારે આ રેસિડેન્ટ તબીબો પોતાની નૈતિક ફરજ સમજીને ગુજરાતની પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ આપી તેમના સરકારે નિયત કરેલા ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જાય તેવી અપીલ નીતિન પટેલે કરી હતી.