સુરત(Surat): રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) સુરતની એક સહકારી બેન્ક (CoOperativeBank) સામે કડક કાર્યવાહી કરી છે. નિયમોના ઉલ્લંઘન બદલ બેન્ક સામે રૂપિયા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સહકારી બેન્ક સામે રિઝર્વ બેન્કે કડક કાર્યવાહી કરતા બેન્કિંગ ક્ષેત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પંચશીલ મર્કન્ટાઈલ કો.ઓપરેટિવ બેન્કને (Panchsheel Mercantile Co. Operative Bank) દંડ (Penalty) ફટકાર્યો છે. આરબીઆઈએ નિયમોના ઉલ્લંઘન બદલ 50 હજારની માતબર રકમનો દંડ કરાયો છે. બેન્કે વર્ષ 2022માં નિયમોનું ઉલ્લંઘન કરતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2020થી 2022 દરમિયાન બેન્ક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયાનું સપાટી પર આવ્યું છે.
બેન્કના સૂત્રોએ કહ્યું કે આ ટેક્નિકલ મુદ્દો છે. દરેક બેન્ક સાથે આવું બનતું હોય છે. બે વર્ષના 25 દિવસો ભેગા કરી વાયલોશન ગણવામાં આવ્યું છે. આ રીતના નિયમોના ઉલ્લંઘનના કેસમાં 1 કરોડ સુધીનો દંડ થતો હોય છે. અમારી રજૂઆતના પગલે રિઝર્વ બેન્કે અમને 50 હજારનો લઘુત્તમ દંડ કર્યો છે. હવે નિયમોનું ઉલ્લંઘન ન થાય તેની વ્યવસ્થા બેન્કમાં ગોઠવવામાં આવી છે.
આ નિયમ હેઠળ દંડ ફટકારાયો
આરબીઆઈએ શહેરી સહકારી બેંકો દ્વારા અન્ય બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ પર જારી કરાયેલા નિર્દેશોનું પાલન નહીં કરવા બદલ પંચશીલ મર્કન્ટાઈલ બેંકને દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૪૬(૪)(i) અને ૫૬ સાથે વાંચવામાં આવેલી કલમ ૧૭A(૧)(c) હેઠળ કરવામાં આવ્યો છે. નોટિસનો બેંક દ્વારા અપાયેલો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન મૌખિક રજૂઆતો બાદ આ દંડ કરવામાં આવ્યો હતો.
બેન્કના ચેરમેને શું કહ્યું..?
આ અંગે ધ પંચશીલ મર્કન્ટાઈલ કો- ઓપરટીવ બેંકના ચેરમેન મયુર ચૌહાણે જણાવ્યું હતું કે, આ એક પ્રકારનો ટેકનિકલ ઇસ્યુ છે. આ પ્રકરણ વર્ષ 2020-22 દરમિયાનનું છે. બેંકની કુલ ડિપોઝીટના 5 ટકા સિંગલ બેંકમાં અને ગૃપ બેંકમાં 20 ટકા રકમ રાખી શકાય છે. ત્યારે રોજે રોજની ક્રેડિટ ફેવરમાં આવવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે. સિંગલ બેંક તથા ગૃપ બેંકમાં લીમીટ બ્રિસ (ઉલ્લંઘન) થતા આવા સંજોગ બને છે.
ગુજરાતની 44 બેન્કોએ નિયમનું ઉલ્લંઘન કર્યું
મયુર ચૌહાણે વધુમાં કહ્યું કે, ફક્ત પંચશીલ મર્કન્ટાઈલ બેંકમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોય એમ નથી. રાજ્યની બીજી 44 બેંકમાં આવું થયું છે. અપીલમાં આરબીઆઈના અધિકારીઓ દ્વારા અમારી રજૂઆત અને પરિસ્થિતિ સમજી ઓછામાં ઓછો રૂ. 50 હજારનો દંડ કર્યો છે. આવા કેસમાં એક કરોડ સુધીનો પણ દંડ થઈ શકે છે. આ પ્રકરણ બાદ બેંકમાં રોજે-રોજની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.