Business

રિઝર્વ બેન્કે SBIને ફટકાર્યો કરોડોનો દંડ, ગ્રાહકો પર શું અસર પડશે? જાણો…

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. બેંકના શેર્સ માર્કેટમાં સતત રોકેટની જેમ ઝડપથી દોડી રહ્યા હતા અને તેના લીધે બેન્કની માર્કેટ મૂડીમાં જોરદાર વધારો થયો હતો. પરંતુ હવે ફરી એકવાર સ્ટેટ બેંક હેડલાઇન્સમાં છે અને તેનું કારણ કંઈક બીજું છે. હકીકતમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એસબીઆઈને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચાલો જાણીએ તેની પાછળનું કારણ…

ભારતીય રિઝર્વ બેંકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 2 કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે અને સોમવારે તા. 27 ફેબ્રુઆરીએ તેની માહિતી શેર કરી છે. નિયમોના ભંગ બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર આ મામલે રિઝર્વ બેન્કે કહ્યું છે કે એસબીઆઈએ ડિપોઝિટર અવેરનેસ ફંડ સ્કીમ 2014ના કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે બેંક પર દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઈને જાણવા મળ્યું છે કે સ્ટેટ બેંકે કેટલીક કંપનીઓની પેઇડ-અપ શેર મૂડીના 30 ટકાથી વધુ રકમ ગીરવે તરીકે લીધી હતી, પરંતુ તે રકમ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળની નિર્ધારિત સમય મર્યાદામાં ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવી ન હતી. તે માટે સેન્ટ્રલ બેંકે એસબીઆઈને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી. આ નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં બેંક પર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ગ્રાહકો પર શું અસર પડશે?
હવે મોટો સવાલ એ છે કે શું આરબીઆઈ દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ વિરુદ્ધ કરાયેલી આ કાર્યવાહીની ગ્રાહકો પર શું અસર પડશે. તો તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા આ સંબંધમાં ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે આ દંડ SBI પર નિયમોના ભંગ બદલ લાદવામાં આવ્યો છે અને તેને બેંક અને ગ્રાહકો વચ્ચેના વ્યવહાર અથવા કોઈપણ પ્રકારના કરાર સાથે કોઈ લેવાદેવા નથી.

તેનો અર્થ એ છે કે આરબીઆઈના આ પગલાની બેંકના ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય અને તેઓને બધી સેવાઓ સરળતાથી મળતી રહેશે. હાલમાં આરબીઆઈ બેંકો પર લાદવામાં આવેલા દંડના નિયમોનું ઉલ્લંઘન કરતી નાણાકીય સંસ્થાઓ સામે સંપૂર્ણ કાર્યવાહીના મૂડમાં હોવાનું જણાય છે. માત્ર SBI જ નહીં પરંતુ કેન્દ્રીય બેંકે વધુ બે બેંકો પર દંડ ફટકાર્યો છે. આમાં પહેલું નામ સિટી યુનિયન બેંકનું છે, જેના પર એનપીએ એકાઉન્ટ્સ સંબંધિત આવકની ઓળખના વિવેકપૂર્ણ નિયમોનો ભંગ કરવાનો આરોપ છે અને તેના માટે બેંક પર 66 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ સિવાય આરબીઆઈની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવું પણ કેનેરા બેંકને મોંઘુ સાબિત થયું છે અને તેના પર 32.30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Most Popular

To Top