સુરત: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના સંગઠનમાં પાયાગત ફેરફાર કરી ચૂંટણી લડવા માટે કમર કસી રહ્યાં છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે. ભરૂચમાં કોંગ્રેસે પ્રમુખ બદલતા રોષ ફાટી નીકળ્યો હોવાના સમાચાર બાદ હવે સુરતની હાલત પણ એવી જ થઈ છે. સુરતમાં કોંગ્રેસે પ્રમુખ બદલાતા કાર્યકરો નારાજ થયા છે.
સુરત કોંગ્રેસમાં નવ નિયુક્ત શહેર પ્રમુખ નિયુક્તિ સામે શહેર કોંગ્રેસમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. 25 વર્ષ જુના શહેર ઉપ પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ મંત્રી રઘુભાઈ રબારીએ નારાજગી વ્યક્ત કરી છે. નિર્ણય બદલવા માંગ કરી છે. કાર્યકરોને વિશ્વાસમા લીધા વિના ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણૂક કરતા નારાજગી સામે આવી છે. આ રીતે જો પાયાના કાર્યકરોની ઉપેક્ષા થતી રહશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવવા તૈયાર રહે એવી ચિમકી આપવામાં આવી છે.
રઘુ રબારીએ કહ્યું કે, સુરત કોંગ્રેસમાં અનેક સ્થાનિક નેતાઓ છે. તેમ છતાં ગુજરાતીઓની જગ્યાએ પરપ્રાંતિયને પ્રમુખ બનાવ્યા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે. તેના નેતાઓ છે. પરંતુ કોંગ્રેસમાં ચાલતાં જુથવાદનું આ વરવું રૂપ છે. જેમાં મોવડી મંડળ પાયાના કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જ મનફાવે તેવા નિર્ણયો લઈ રહ્યાં છે. જેના કારણે કોંગ્રેસ ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહી છે. કાર્યકરો ગુમાવી રહી છે. આગામી સમયમાં પણ કોંગ્રેસને વધુ નુકસાન આ પ્રકારના નિર્ણયોથી થઈ શકે તેમ છે.