ગાંધીનગર : પૂરના પાણી ઓસર્યા બાદ કચ્છ અને વડોદરામાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. કચ્છ જિલ્લામાં 366 જેટલી સગર્ભા બહેનોમાંથી 52 સગર્ભા બહેનોની પ્રસૂતિ તારીખ નજીક હોવાથી યોગ્ય કાળજી લઇ શકાય તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી છે. વડોદરા શહેર-જિલ્લામાંથી પૂરના પાણી ઓસરતા જ સફાઈ અભિયાન અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાથમિકતા અપાઈ છે.
વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા ૨૨૪ મેટ્રીક ટન વેટ મિક્સથી ખાડા પૂરાયા છે. શહેરભરના રસ્તાઓ રિપેર કરવા ૩૮ ટેક્ટરો, ૪૨ ડમ્પરો સાથે ૧૫૦ કર્મયોગીઓ દ્વારા થતી પૂરજોશમાં કામગીરી કરી રહ્યાં છે. જ્યારે કચ્છ જિલ્લાના માંડવી, અબડાસા, મુન્દ્રા અને ભુજ તાલુકામાં નીચાણવાળા તથા કાચા મકાન ધરાવતા ૮૦૦ નાગરીકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે.
આ તમામ નાગરિકો માટે સામાજિક સંસ્થાઓની સહાયથી ફૂડ પેકેટ વિતરણ કરવા ઉપરાંત આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે. કચ્છના માંડવી તાલુકામાં ભારે વરસાદના પગલે દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે મરીન સોલ્ટ વર્કસમાં કામ કરતા બે મજૂરો ફસાયા હતા. વહીવટી તંત્ર તેમજ NDRFની ટીમે ૩ કિ.મી દળદળમાં ચાલીને આ બંને મજૂરોને રેસ્કયુ કર્યા હતા.
કચ્છમાં ભુજ માંડવી રોડ, મુંદરા-કાંડાગરા રોડ, ભુજ-લખપત રોડ, નાના કપાયા, મુંદરા, ચિરઇ – લુણવા રોડ, માતાના મઢ રોડ, માંડવી, દયાપર રોડ, કોડાય જંકશન સહિતના રોડ પર વૃક્ષો ધરાશયી થતા તેમજ રોડને નુકશાન પહોંચતા તાત્કાલિક અસરથી વૃક્ષ દૂર કરાયા હતા તેમજ રોડ સમારકામ હાથ ધરીને વાહન વ્યવહાર પુન: શરૂ કરવામાં આવી રહ્યો છે.
જામનગર શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બે સગર્ભા મહિલા સહિત 290થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તેમજ 1550 નાગરિકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડવામાં આવ્યું છે. સ્થળાંતરિત કરાયેલા નાગરીકોમાં ૧.૪૦ લાખ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા છે.