વડોદરા: હાલમાં અરબી સમુદ્રમાં ઉભા થયેલા લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયો હોવાથી વાદળછાયા વાતાવરણ સામે વડોદરા જિલ્લાના ખેડૂતોને કાળજી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અનુરોધ કર્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી, વડોદરાના જણાવ્યાનુસાર હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય ગુજરાતનાં વડોદરા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ રહેલી છે. આવા સજોગોમાં વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, ચણા, ઘઉં, મકાઇ, શાકભાજી વગેરે પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.ઉક્ત પાકોમાં પાક-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયત્રંણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધ્તિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
આ ઉપરાંત કસોમસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થાય તો ઉભા પાકમા પિયત ટાળવુ,ખેતરમા રહેલ ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે ઢાંકવા,ફળ પાકો/શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમા સુરક્ષિત પહોચાડવા,ખેતરમા પાણી ભરાયેલ હોય તો તુરંત નિકાલ કરવો,કાપણી કરેલ પાક તૈયાર હોય તો પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી,ખેત સામગ્રી જેવી કે ખાતર,બિયારણ, દવા ભીંજાય નહી કે ભેજ ના લાગે તે મુજબ સુરક્ષીત ગોડાઉનમા રાખવા જેવા તકેદારીના પગલાં લેવા જણાવ્યું છે.વધુ માહિતી માટે ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતી, પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે.