National

પ્રજાસત્તાક દિવસ માટે પીએમ મોદીએ આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિને ખાસ આમંત્રણ આપ્યું

નવી દિલ્હી: 26મી જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક દિવસ (Republic Day) તરીકે ઉજવાય છે. આ દિવસ ભારત માટે ખૂબ જ ખાસ હોય છે. આ વર્ષે આ દિવસે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસીને અતિથિ તરીકે ભારત પઘારવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. જાણકારી મુજબ ઈજીપ્ત હાલના દિવસોમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અરબ દેશો પણ તેની મદદ માટે આગળ આવી રહ્યા નથી. જો કે ભારતે બનતી તમામ મદદ આ દેશને કરી છે. જાણકારી મુજબ જ્યારે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે પણ ઘણા ટન ઘઉં ઇજિપ્ત મોકલવામાં આવ્યા હતા.

સિસીને ઇજિપ્તમાં એક પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે જેણે દેશમાં રાજકીય સ્થિરતા લાવી છે. કહેવાય છે કે ઇજિપ્તની સત્તા પર સીસીની પકડ લોઢા જેટલી મજબૂત છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા સિસી ઇજિપ્તના આર્મી ચીફ હતા જેમણે જુલાઈ 2013 માં રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીનું સ્થાન લીધું હતું. એક વર્ષ પછી તેઓ પોતે ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા હતા.

જાણકારી મુજબ સિસીએ 2011 માં ઇજિપ્તના રાજકીય દ્રશ્ય પર ઉભરી આવવાનું શરૂ કર્યું જ્યારે તેમને સશસ્ત્ર દળોની સુપ્રીમ કાઉન્સિલ (SCAF) ના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જો કે તે સમયે પણ તેઓ સેનામાં જનરલ હતા. તે જ વર્ષે ઇજિપ્તમાં અરબ સ્પ્રિંગ ચળવળ પણ શરૂ થઈ અને લોકો તત્કાલીન રાષ્ટ્રપતિ હોસ્ની મુબારક વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતાં. જેના કારણે મુબારકે રાજીનામું આપવું પડ્યું અને SCAFનું શાસન શરૂ થયું. શાસક મિલિટરી કાઉન્સિલ પાસેથી પહેલા કરતાં વધુ સત્તાઓ લીધી . તે દરમિયાન ઇજિપ્તમાં મુસ્લિમ બ્રધરહુડનો પ્રભાવ વધ્યો હતો. બ્રધરહુડની રાજકીય પકડ પણ ઘણી સારી હતી. જનરલ સીસીને કટ્ટર મુસ્લિમ માનવામાં આવતા હતા અને તેથી જ સેનાએ તેમને મુસ્લિમ બ્રધરહુડ સાથે સંપર્કમાં રહેવાનું માધ્યમ બનાવ્યું હતું. મુસ્લિમ બ્રધરહુડ ઇજિપ્તમાં ઇસ્લામિક ચળવળને પ્રોત્સાહન આપતું સંગઠન હતું, જેના પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જૂન 2012માં મુસ્લિમ બ્રધરહુડના અગ્રણી વ્યક્તિ મુહમ્મદ મોર્સી, ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા હતાં. સીસીને જાન્યુઆરી 2014માં ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા. આ રેન્ક ઇજિપ્તની સેનામાં સર્વોચ્ચ રેન્ક છે. બે મહિના પછી, સીસીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી હતી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કથિત રીતે સીસીને સરમુખત્યાર કહ્યા હતા. વર્ષ 2019માં જ્યારે તત્કાલિન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીસીને મળવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું, ‘મારો પ્રિય સરમુખત્યાર ક્યાં છે.’ જાણકારી મુજબ સિસી 2030 સુધી ઇજિપ્તમાં પોતાનું શાસન ચલાવી શકે છે, જેના માટે તેમણે બંધારણમાં પણ ફેરફાર કર્યા છે. ઈજિપ્તમાં વર્ષ 2024માં ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં સીસી ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તેવી પૂરી સંભાવના છે.

Most Popular

To Top