રાજાશાહી અને લોકશાહી આમ તો પરસ્પર વિરોધાભાસી શાસનવ્યવસ્થાઓ છે, પણ બ્રિટનમાં ઉચ્ચ સ્થાને રાજા કે રાણીને બેસાડાય છે અને શાસનમાં વડા પ્રધાન, કેબિનેટ પ્રધાનો સહિત ગણતંત્ર સુપેરે ચાલે છે, ત્યાંનું પોલીસ તંત્ર તો વિશ્વમાં પ્રશંસા પામી ‘‘બોબી પોલીસ’’ તરીકે માન પામ્યું છે. બ્રિટનમાં રાજવી લેબલ સાથેનું ગણતંત્ર ચાલે છે. હજારેક વર્ષો પહેલાં ઈગ્લેન્ડની પ્રજામાં લોકશાહીની ભાવનાનો પ્રચંડ વિસ્ફોટ થયો અને ત્યારના રાજાને ગણતંત્ર માટે ફરજ પાડી ત્યારથી એક ચક્રી, સર્વસત્તાધીશ રાજા કે રાણી નામના જ પદાધિકારી બની રહ્યા, ઔપચારિક વિધિઓ માટેનાં રબર સ્ટેમ્પ રૂપ થઈ ગયાં, છતાં માનમરતબો જળવાઈ રહ્યો. ભારતમાં તો બાદશાહ જહાંગીર પાસેથી માત્ર વેપાર માટેનો પરવાનો અંગ્રેજોની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મેળવેલો અને તે પછી ભારતનાં રજવાડાંની કમજોરી પારખી, કાવાદાવા કરી અંગ્રેજોએ ભારતને ગુલામ દેશ બનાવી દીધો અને ત્યારે દેશપ્રેમી આગેવાનોએ તત્કાલીન બાદશાહ બહાદુરશાહ ઝફરના નેતૃત્વમાં વિદ્રોહ કર્યો જે ભારે ખુવારી, બલિદાનો બાદ પણ અમુક સ્વાર્થી ગદ્દાર દેશી રજવાડાંને કારણે સફળ થયો નહીં પણ પ્રત્યાઘાત રૂપે ઈંગ્લેન્ડની ત્યારની મહારાણી વિકટોરિયાએ ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી તમામ સત્તા ઝૂંટવી લઈ ભારતમાં બ્રિટિશ હકૂમત સ્થાપી.
અંગ્રેજોએ ભારતનું ભારે શોષણ કર્યું, કોહિનુર હીરો પડાવી લીધો, તાજમહાલની સંગેમરમરની દિવાલો પરનાં જડેલાં રત્નો ઉખેડીને લઈ ગયાં. અખંડ હિન્દમાં હિંસક વિદ્રોહ થતા રહ્યા, અનેક શહીદોએ હસતા મુખે કુરબાની આપી, રાષ્ટ્રપિતા ગાંધીજીએ અહિંસક આંદોલનો, સત્યાગ્રહ ચલાવ્યાં. આજે પણ વિશ્વમાં ચુમ્માળીસ દેશો મોનાર્કીઝ વ્યવસ્થામાં રહી રાજા કે રાણીને ઉચ્ચ આદર સાથે સ્થાન આપે છે, પણ તે માત્ર લેબલવાળું ટેબલ જ બની રહે છે. સરમુખત્યારશાહી કે સામ્યવાદી શાસન અલગ બાબત રહી છે. ભારતે બ્રિટનની રાજવ્યવસ્થા રાજા કે રાણીની જોગવાઈ સિવાય સ્વીકારી છે અને સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્રપતિ બિરાજે છે અને સંવિધાન અનુસાર ગણતંત્ર ચાલે છે.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.