વિશ્વમાં એકસો ચાળીસ કરોડ નાગરિકો ધરાવતો વિરાટ ભારત દેશ પ્રજાસત્તાક રાજતંત્ર તરીકે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ભાષાવાર રાજય રચના સાથે તમામ રાજયોની ભિન્ન ભાષાઓ, પરંપરા, સંસ્કૃતિ, પ્રાદેશિકતા જળવાઇ છે, છતાં રાજયો સ્વાયત્ત નથી, તેનું કારણ રાષ્ટ્રીય એકતા, એક સંવિધાન, એક રાષ્ટ્રધ્વજ, એક રાષ્ટ્રગીત જળવાય તેની આવશ્યકતા છે. અલબત્ત રાજયોને મર્યાદિત સત્તા અને અધિકારો સાથે વિધાનસભા, વિધાન પરિષદ છે. કેન્દ્રમાં સંસદીય વ્યવસ્થા હેઠળ લોકસભા અને તેનું ઉપલું ગૃહ રાજસભા છે. તમામ રાજયોના મત સાથે રાષ્ટ્રપતિ પાંચ વર્ષ માટે ચૂંટાય છે પણ રાજયો માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજયપાલ, ઉપરાજયપાલ નિયુકત થાય છે. ગૃહ ખાતું અને શિક્ષણ ખાતું રાજયના વિષયમાં આવે છે. રાજયો તેમની નિયત સંખ્યામાં પોતાના પ્રતિનિધિ સભ્યને કેન્દ્રની રાજયસભામાં મોકલવા ચૂંટણી યોજે છે. દુર્ભાગ્યે રાજસભાની પવિત્રતા ખરડાઇ છે, તેની યોજાતી ચૂંટણીની પ્રક્રિયા સુધારો માગે છે.
રાજકીય પક્ષો સભ્યોને વોટીંગ માટે મેન્ડેટ આપી શકતા નથી. ધારાસભ્યોને સલામત સ્થળે ખસેડીને જાપ્તો રાખવા છતાં ક્રોસ વોટીંગ થઇને જ રહે છે. રાજસભાનો મૂળ હેતુ આદર્શ અને સુંદર હતો. દશને ઉપયોગી ચોક્કસ પ્રકારના રાજકારણીઓ, મીડિયા માલિકો, રમતગમતના વહીવટદારો, કલાકારો, પ્રતિભાઓને સ્થાન આપવાનો ઇરાદો હતો. જુદા જુદા ક્ષેત્રની પ્રખર હસ્તીઓને સ્થાન આપવા વિચારાયું હતું. દેશની સમવાય બહુલતાને મજબૂત કરવા લોકસભા કરતાં અલગ હેતુથી રાજસભા વિચારાઇ હતી તેની ભૂમિકા સેફટી વાલ્વ તરીકે વિચારાઇ હતી, ઘાતકી બહુમતીવાળી કેન્દ્ર સરકાર પર ધારા ઘડવાની કામગીરીમાં તેને આપખુદ બનતી અટકાવવા વિચારાયું હતું.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.