એક શેઠજી હતા.ખૂબ જ શ્રીમંત અને જેટલા પૈસા વધતા જતા હતા એટલો તેમનો પૈસાનો મોહ વધતો જતો હતો.વધુ ને વધુ પૈસા કમાવાની લાલચ સામે તેમને બીજું કંઈ જ દેખાતું ન હતું અને સમજાતું ન હતું.તેઓ ખોટું બોલી, કપટ કરીને,અન્યને નુકસાન પહોંચાડી, ઝઘડો કરીને પણ પોતાનો સ્વાર્થ સાધતા અને વેપારમાં ફાયદો કમાઈ લેતા.પૈસા સિવાય જીવનમાં બધી જ વસ્તુઓને તેઓ તુચ્છ ગણતા હતા.પરિવાર, બાળકો, સંબંધો , સેવા વગેરેનું તેમને મન કોઈ મૂલ્ય ન હતું.તેમની પાસે પૈસા હતા, પણ લાગણી અને પ્રેમ ન હતાં.પૈસા દિવસે દિવસે વધતા જતા હતા સાથે સાથે તે જાળવવાની અને સાચવવાની ચિંતા વધતી હતી અને હજી વધુ પૈસા મેળવવાનો મોહ પણ સતત વધતો જતો હતો એટલે તેમને જીવનમાં ક્યારેય બે ઘડીની શાંતિ અનુભવાતી ન હતી. હંમેશા મનમાં ઉચાટ જ રહેતો.
પોતાના મનનો ઉચાટ દૂર કરવા શેઠજી સંત પાસે ગયા અને બધી વાત કરી.પછી મનનો પ્રશ્ન સંતને પૂછ્યો, ‘મારી પાસે બધું જ છે, છતાં જીવનમાં શાંતિ નથી, ચિંતા અને ઉચાટ જ રહે છે અને તમે એક ઝૂંપડીમાં રહીને પણ શાંત અને નિશ્ચલ કઈ રીતે છો?’ સંત બોલ્યા, ‘અરે શેઠજી, આ બધા મનના પ્રશ્નો છોડો. મને તો તમારા કપાળ પર દસ દિવસમાં મોત દેખાઈ રહ્યું છે.આ જગ છોડી જવાની તૈયારી શરૂ કરી દો.’ સંતની વાત સાંભળી બિચારા શેઠના મનમાં સન્નાટો છવાઈ ગયો.મૃત્યુને આટલું નજીક સાંભળી તેઓ ડરી ગયા.બધું અહીં જ છોડીને દસ દિવસ બાદ જતાં રહેવું પડશે તે જાણીને તેમનો લોભ અને લાલચ ગાયબ થઈ ગયાં.
જે અગણિત સંપત્તિ ભેગી કરવા પોતે અસંખ્ય પાપ કર્યાં તેની પરનો મોહ તૂટવા લાગ્યો અને પોતાનાં પાપ યાદ આવ્યાં, તેથી જાત પર જ ઘૃણા થવા લાગી અને સંતની એક વાત સાંભળીને શેઠ બદલાઈ ગયા.શાંત થઈ ગયા.બધા સાથે પ્રેમપૂર્વક બોલવા લાગ્યા.દસ દિવસની બાકી જિંદગીમાં કરેલાં પાપોમાંથી થોડી મુક્તિ મેળવવા તેમણે પ્રભુભજન શરૂ કરી દીધું.પોતે જેની જેની જોડે છલકપટ કર્યાં હતાં તે યાદ કરી કરીને લખવા લાગ્યા અને પ્રભુની માફી માંગવા લાગ્યા.દસ દિવસ તો પળવારમાં પસાર થઈ ગયા.મૃત્યુની શેઠ રાહ જોતા હતા ત્યાં મૃત્યુ નહિ, પણ સંત આવ્યા અને શેઠને કહેવા લાગ્યા, ‘શેઠજી, હવે તમને સમજાયું કે હું આટલો શાંત અને નિશ્ચલ કેમ રહું છું? હું તમારું મૃત્યુ ક્યારે છે તે નથી જાણતો, પણ એટલું જાણું છું કે આપણા બધાના જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને બધું અહીં છોડીને જવાનું છે તો મોહ, માયા, લાલચ અને લોભનો કોઈ અર્થ રહેતો નથી.તારે જીવનમાં શાંતિ અને પ્રેમ જોઈતાં હોય તો લોભ, લાલચ,કપટ છોડ અને કરેલાં પાપોને સુધારવાની કોશિશ કર.તો થોડી શાંતિનો અનુભવ કરી શકીશ. દસ દિવસ જેવું જીવ્યો તેવું જ જીવન જીવો.’ સંતે શેઠને તેમની ભૂલ સમજાવી દીધી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.