વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાંથી એક આરોપી સટ્ટો રમતા પીસીબી દ્વારા ઝડપાયા બાદ પુરે પુરા સટ્ટાનું નેટવર્ક ખુલ્લુ પડી ગયું હતું. જેમાં જાણવા મળ્યુ હતું કે આ સટ્ટો રૂ.7 કરોડની માસ્ટર આઈડી સાથે સંકળાયેલો છે. અને તેના છેડા અનેક રાજ્ય સુધી અડે છે. સમગ્ર મામલે 110 જેટલા આરોપી સંડોવાયેલા હોવાનું જે તે સમયે પોલીસે જાહેર કર્યુ હતું. કરોડોના સટ્ટાકાંડનો મુખ્ય સુત્રધાર નામચીન સલમાન ગોલાવાલાનું નામ બહાર આવ્યુ હતું. શરૂઆતથી જ સલમાન ગોલાવાલા ફરાર થઈ ગયો હતો. પરંતુ હવે કેસ થયાના 26 દિવસ બાદ સલમાન ગોલાવાલા પકડાઈ ગયો છે. પોલીસે એવી જાહેરાત કરી દીધી છે કે સલમાન ગોલાવાલા હાલોલ ખાતેની દર્શન હોટલ ખાતેથી પકડાઈ ગયો છે. જોકે, જે રીતે હોટલના સીસીટીવી ફુટેજ છે તે કંઈક અલગ જ હકીકત બયાન કરતાં હોવાની શંકા ઉઠી રહી છે. જેને કારણે સલમાન ગોલાવાલા હાજર થયો હોવાની પણ ચર્ચા છે.
હોટલ દર્શનના સીસીટીવી ફુટેજમાં એવું દેખાઈરહ્યું છે કે ગત તા.17 મેં ના રોજ સલમાન સહિત તેનો ભાઈ સિદ્દીક ગોલાવાલા બંને હાલોલ રોડ પર આવેલી દર્શન હોટલે પહોંચે છે. અને પોલીસ બંનેને શાંતિથી હોટલમાંથી પકડી લે છે. સામાન્ય રીતે આરોપીઓને પકડતી વખતે પોલીસ તેમને બોચીથી પકડે કે પછી હથકડી લગાવી દે પરંતુ સીસીટીવી ફુટેજ પ્રમાણે પોલીસ અને આરોપી એકબીજાના મિત્રો હોય તેવી રીતે હોટલમાંથી જઈ રહ્યા છે. જેને પગલે એવી પણ શંકાઓ ઉઠી છે કે પોલીસે માત્ર દેખાવ પુરતી જ તેમને પકડવાની કામગીરી બતાવી હતી કે શું? ચર્ચા એવી પણ છે કે હકીકતમાં આરોપી હાજર થઈ ગયો છે પરંતુ પોલીસે પોતાની કામગીરી બતાવવા માટે તેની ધરપકડ કરી હોય તેવું બતાવ્યું છે. જેને પગલે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
સટ્ટાકાંડમાં લાખોના વહિવટની ચર્ચા, ઉચ્ચ અધિકારી હવે શું કરે તેના પર આધાર
સટ્ટાનું નેટવર્ક પકડાઈ ગયા બાદ 110 જેટલા આરોપીના નામ સપાટી પર આવ્યા હતા. પરંતુ હકીકતમાં આ કેસમાં 140થી પણ વધુ આરોપી છે. જેથી આ સટ્ટાકાંડમાં લાખોનો વહીવટ થયો હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. જોકે, આ કેસમાં અનેક શંકાઓને પગલે હવે કેસનું સુપરવિઝન ડીસીપી ક્રાઈમને સોંપી દેવામાં આવ્યું છે.
તપાસનો મુખ્ય મુદ્દો મુન્ના અને સંજય સુધી પહોંચવાનો છે: પીઆઈ જેજે પટેલ
આ અંગે પીસીબીના પીઆઈ જેજે પટેલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓને મને જણાવ્યું હતું કે, આરોપીઓને હાલોલથી પકડીને લાવવામાં આવ્યા છે. આ સટ્ટાનો કેસ સામાન્ય છે અને તેમાં પોલીસ સ્ટેશનમાં જ જામીન થઈ જતાં હોય છે. મારો મુખ્ય મુદ્દો મુન્નો અને સંજય સુધી પહોંચવાનો છે.
જે સાચુ હશે તે કરાશે: ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા
પોલીસ દ્વારા આરોપીઓને હાજર કરવામાં આવ્યા તેવી ચર્ચા અંગે ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જે સાચુ હશે તે કરાશે, આમા કશું પણ વાંધાજનક જણાશે તો કાર્યવાહી કરાશે.
CCTV ફૂટેજનો ઘટનાક્રમ
1:45 am આરોપીઓ પ્રાપ્ત થયેલા ફુટેજમાં દર્શન હોટલમાં દેખાય છે
1:45 am પોલીસ દર્શન હોટલમાં ખાનગી કારમાં આવે છે
1:49 am ચા પીવાના ભાગથી, આરોપીઓને પોલીસ વાત કરતા સાથે લઈ જાય છે
1:51 am પોલીસની ખાનગી કાર દર્શન હોટલથી નીકળી જાય છે
કેમ પોલીસના ઓપરેશન સામે શંકાઓ ઉપજી રહી છે
: આરોપીઓને જે પ્રકારે લઈ જવાય છે, તે જોઈ કોણ આરોપી કે કોણ પોલીસ તે જાણી શકાતું નથી.
: 26 દિવસથી ફરાર આરોપીઓને પોલીસે દબોચ્યા પણ નહીં, વાત કરતા કરતા સાથે લઈ જાય છે.
: આરોપીઓ વાંધો વિરોધ પણ કરતા નથી, પોલીસની સાથે જાણે પોલીસ તેઓને ત્યાં લેવા જ આવી હોય તેમ સાથે જાય છે.
: આરોપીઓને પકડવા પોલીસ ટીમ બનાવતી હોય છે, પરંતુ 26 દિવસથી ફરાર આરોપીને પકડવા ત્રણ જ જણા ખાનગી કારમાં જાય છે.