Business

પસ્તાવો કરવાથી બધાં પાપ ધોવાઇ જાય છે?

માનવી પાપ કરે છે, ભૂલો કરે છે અને પસ્તાવો પણ કરે છે. આપણા લોકપ્રિય કવિ કલાપીએ કહ્યું છે: હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે. આપણને પ્રશ્ન એ થાય છે કે પસ્તાવો કરવાથી બધાં પાપ ધોવાઇ જાય છે? આપણી એક લોકપ્રિય કવિતામાં જેસલ – તોરલની વાત આવે છે, જેસલે અનેક પાપ કર્યા હતા તોરલ તેને પાપોની કબૂલાત કરવા કહે છે, તોરલ કહે છે, ‘તારી બેડલીને બૂડવા નહિ દઉં, ધરમ તારો સંભાળ રે જાડેજા’ જૈન લોકો આલોયણા કરે છે. ખ્રિસ્તી લોકો પાદરી પાસે જઇને કન્ફેશન કરે છે અને આમ કરેલા પાપોમાંથી મુકિત મેળવી લે છે.

શ્રીમદ ભાગવતમાં અજામિલની વાર્તા આવે છે. અજામિલ બધી રીતે પાપી હતો આ પાપ કહેવાય એનો પણ એને ખ્યાલ નહતો. અજામિલ કાન્યકુજ નગરીમાં રહેતો હતો. તેણે એક દાસી સાથે બ્રાહ્મણ હોવા છતાં લગ્ન કર્યા હતા અને દાસીને કારણે તે ભ્રષ્ટ થયો હતો. તે જુગાર રમતો, ચોરી કરતો, કયારેક લૂંટફાટ પણ કરતો. તેને એ દાસીથી દસ પુત્ર થયા. આમ કરતા કરતા તેની ઉંમર 83 વર્ષ થઇ. સૌથી નાના પુત્રનું નામ નારાયણ હતું. માતા-પિતાને તે લાડકો હતો. અજામિલને નારાયણ સિવાય કશું ગમતું ન હતું.

તે બાળકની કાલીબોલી વાતો સાંભળ્યા કરતો, પોતે ખાય ત્યારે ખવડાવતો, પાણી પીવે ત્યારે પાણી પીવડાવતો, આમ કરતા કરતા તેનું મૃત્યુ નજીક આવ્યું. પણ તેને ખ્યાલ ના આવ્યો. એટલામાં તેણે જોયું કે તેને લઇ જવા માટે યમદૂતો આવ્યા છે. તે ગભરાઇ ગયો. યમદૂતોના હાથમાં ફંદો હતો. લાકડીઓ હતી. તે વખતે નારાયણ થોડે દૂર રમી રહ્યો હતો. યમદૂતોને જોઇને અજામિલ ગભરાઇ ગયો. તેણે મોટેથી બૂમ પાડી. નારાયણ, નારાયણ. ભગવાન વિષ્ણુના દૂતોએ સાંભળ્યું કે અજામિલ અંતઘડીએ ભગવાનને યાદ કરી રહ્યો છે એટલે બહુ જલ્દી અજામિલ પાસે પહોંચી ગયા. તેમણે યમદૂતોને અટકાવી દીધા. એટલે યમદૂતોએ તેમને પૂછયું તમે કોણ છો? યમરાજની આજ્ઞાનો વિરોધ કેમ કરો છો? તમે બધા શું દેવતા છો? તમારા શરીરે પિતાંબર છે, માથા પર મુકટ છે. કાનમાં કુંડળ છે. ગળામાં પુષ્પકાર છે. તમારા હાથોમાં અનેક શસ્ત્રો છે, તમે અંધકારનો નાશ કરીને પ્રકાશ ફેલાવો છો.

આ સાંભળી વિષ્ણુદૂતોએ કહ્યું, તો તમે અમને ધર્મ સમજાવો એટલે યમદૂતોએ દરેક માનવીના કર્મ અનુકાર તેમને ફળ ભોગવવા પડે. જે લોકો પાપ કરે છે તેમને શિક્ષા કરવી પડે. જો આમ ન થાય તો ધરતી પર પાપ વધી જાય. આ ધરતી પર સત્વ, રજસ અને તમસ પ્રમાણે લોકોના વર્ગ પડે છે તેમની પ્રકૃતિ પ્રમાણે તેઓ કાર્ય કરે છે. આ અજામિલ મોટો પંડિત હતો. સત્યવચન બોલતો, વિદ્વાનોનો આદર કરતો. તે જરાય અભિમાની નહોતો. એક દિવસ તે વનમાં ગયો. ઘેર પાછાં ફરતી વખતે એક નિર્લજ સ્ત્રી નાચી રહી હતી. તેના કપડાંનું ઠેકાણું ન હતું. અચાનક તેને જોઇને અજામિલ મોહી પડયો. અને તે એ સ્ત્રી સાથે લગ્ન કરી બેઠો. પત્નીને ખુશ કરવા માટે પોતાના પિતાની બધી મિલકત લૂંટાવી દીધી. પોતાની પત્નીને પણ ત્યજી દીધી. આમ જ એણે પોતાનું જીવન વિતાવ્યું. હવે અમે તેને યમરાજ પાસે લઇ જશું. ત્યાં તેને દંડ આપવામાં આવશે અને તેના પાપમાંથી મુકિત મળશે.

આ સાંભળી વિષ્ણુદૂતોએ યમદૂતોને ધર્મનો મહિમા સમજાવ્યો. ભલે તેણે અજાણતાં નારાયણનું નામ લીધું પરંતુ આખરે તો તેણે પોતાના પુત્રના નિમિત્તે ભગવાનનું નામ લીધું. એટલે તેના બધાં પાપ ધોવાઇ ગયા. ગમે તેવો પાપી પણ ભગવાનનું નામ લેવાથી પુણ્યશાળી બની જાય છે.આ કથાને ધ્યાનમાં રાખીને ગુજરાતી કવિ હસમુખ પાઠકે: ‘અંત ઘડીએ અજામિલ’. નામની એક સુંદર કવિતા લખી. આ કવિતાનું રસદર્શન ગુજરાતી વિદ્વાન મનસુખ સલ્લાએ કરાવ્યું. એમાં ભાગવત કરતાં સાવ જુદી રીતે આખી વાત મુકી આપી આમ છતાં આપણો પ્રશ્ન એ છે કે જિંદગીભર જે પાપ કરે છે તે મરવાના સમયે ભગવાનનું નામ લે તો તેના પાપ બળી જાય? તો તો બધા પાપીઓ આવું જ કરે. દુનિયામાં પાપ કરતા કોઇ અટકે નહિ.

Most Popular

To Top