National

PM મોદીનો તેમના સમર્થકોને મહત્વનો સંદેશ: સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી ‘મોદી કા પરિવાર’ હટાવી લો

લોકસભા ચૂંટણી 2024 બાદ પીએમ મોદીએ પોતાના સમર્થકોને મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ હવે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી ‘મોદી કા પરિવાર’ને હટાવી દે. તેમણે પોતાના સંદેશમાં ‘મોદી કા પરિવાર’ અભિયાનની પ્રશંસા પણ કરી છે.

લોકસભા ચૂંટણી 2024 બાદ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 543માંથી 240 બેઠકો જીતી છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને દેશભરમાં કુલ 293 બેઠકો મળી છે. પીએમ મોદીએ આ જીત માટે ફરી એકવાર જનતા અને તેમના સમર્થકોનો આભાર માન્યો છે. આ સાથે પીએમ મોદીએ તેમના સમર્થકોને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી ‘મોદી કા પરિવાર’ને હટાવવાની અપીલ કરી છે.

‘મોદી કા પરિવાર’ અભિયાનની પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં ‘મોદી કા પરિવાર’ અભિયાનની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતભરના લોકોએ તેમના પ્રત્યેના સ્નેહના પ્રતીક તરીકે તેમના સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર’ ઉમેર્યું. આનાથી મને ઘણી શક્તિ મળી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારતની જનતાએ સતત ત્રીજી વખત એનડીએને બહુમતી આપી છે જે એક પ્રકારનો રેકોર્ડ છે અને અમને દેશની ભલાઈ માટે કામ કરતા રહેવાનો આદેશ આપ્યો છે.

ટ્વિટર પર જાહેર કરાયેલા સંદેશમાં પીએમ મોદીએ કહ્યું કે આપણે બધાએ અસરકારક રીતે એક પરિવાર હોવાનો સંદેશ આપ્યો છે. પીએમએ આ માટે લોકોનો આભાર માન્યો અને વિનંતી કરી કે હવે લોકોએ તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી ‘મોદી કા પરિવાર’ને હટાવવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે ડિસ્પ્લે નામ ભલે બદલાય પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયત્નશીલ પરિવાર તરીકે આપણું બંધન મજબૂત અને અતૂટ છે.

Most Popular

To Top