National

જમ્મુ-કાશ્મીરમાંથી AFSPA હટાવવા અને સિવીલીયન ક્ષેત્રોથી સૈન્યબળ… અમિત શાહે જણાવ્યો આગળનો પ્લાન

નવી દિલ્હી: એક ઈન્ટરવ્યુ (Interview) દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) મોટુ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ (Jammu) અને કાશ્મીરમાંથી (Kashmir) સૈનિકોને હટાવવાની અને અહીંની કાયદો અને વ્યવસ્થા જમ્મુ અને કાશ્મીર પોલીસ પર છોડી દેવાની પણ યોજના બનાવી રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની એક ચેનલ સાથેના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ એટલે કે જમ્મુ-કાશ્મીરમાં લાગુ AFSPA હટાવવા પર વિચાર કરી રહી છે. શાહે કહ્યું છે કે સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી સૈનિકો હટાવીને કાયદો અને વ્યવસ્થા જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. સાથે જ અમિત શાહે એમ પણ કહ્યું કે અમે AFSPA હટાવવા અંગે પણ વિચારીશું.

સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાશે
ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે સપ્ટેમ્બર મહિના પહેલા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહીની સ્થાપના એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વચન છે અને તે પૂરું થશે. કેટલાક પક્ષો પર નિશાન સાધતા શાહે કહ્યું કે હવે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી માત્ર ત્રણ પરિવારો સુધી સીમિત નહીં રહે. આ લોકશાહી હશે.

શાહે અનામત વિષે પણ વાત કરી
જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) ના આરક્ષણ પર ગૃહ પ્રધાન શાહે કહ્યું કે મોદી સરકારે પહેલીવાર જમ્મુ અને કાશ્મીરના OBCને અનામત આપી છે. આ સિવાય મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવી છે. તેમણે કહ્યું કે પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત આપવામાં આવી હતી. અમે SC અને ST માટે જગ્યા બનાવી છે.

ગુર્જરો અને બકરવાલોનો હિસ્સો ઘટાડ્યા વિના પહાડીઓને 10 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી વિસ્થાપિત લોકોને સમાવવા માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ લાભો પાયાના સ્તર સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.

Most Popular

To Top