એક સોળ વર્ષનો કોલેજીયન છોકરો.ઘરમાં ગરીબી.પૈસાની અછતને કારણે માતા પિતાના રોજના ઝઘડા.દાદીની માંદગી.પિતાને માથે કરજ.ચિંતાથી છૂટવા માટે દારૂની આદત.યુવાન ઘરની પરિસ્થિતિથી સાવ નાસીપાસ થઇ ગયો.તેની ઉંમર પણ એવી ન મોટો,ન નાનો.આમ બધું સમજે.દુઃખી થાય, પણ ન કંઈ કરી શકે,ન કોઈને કંઈ કહી શકે.એક બે જગ્યાએ કામ મેળવવાની કોશિશ કરી પણ તે પણ ઉંમર નાની હોવાથી ન મળ્યું.ખૂબ જ દુઃખી અને હતાશ થઇ તે કોલેજના ગાર્ડનની બેંચ પર બેઠો હતો.આજે કોલેજમાં ફી ભરવાનો છેલ્લો દિવસ હતો અને તેની પાસે પૈસા ન હતા.
તે ભણવામાં હોશિયાર હતો અને કામકાજમાં પણ વ્યવસ્થિત એટલે કોલેજમાં બધા પ્રોફેસર તેને ઓળખતા.તેને આવી રીતે હતાશ થઇ બેઠેલો એક પ્રોફેસરે જોયો એટલે તેની પાસે આવી પ્રોફેસરે પૂછ્યું, ‘શું થયું …કોઈ મુશ્કેલી છે?’ યુવાને માથું ધુણાવી ના પાડી અને હસવાની કોશિશ કરી પણ તે તેમ કરી શક્યો નહિ અને રડી પડ્યો.પ્રોફેસરે કહ્યું, ‘ભાઈ જે તકલીફ હોય તે તું મને કહે.’ યુવાને બધી વાત કરી.ફી ના પૈસા નથી.ઘરની પરિસ્થિતિ પણ કહી અને ઉમેર્યું મને થાય છે કે ક્યાંક ભાગી જાઉં.’
પ્રોફેસરે કહ્યું, ‘મારા યુવાન દોસ્ત, તું મારી વાત સાંભળ અને સમજ. જીવનમાં જયારે જ્યારે દુઃખ અને તકલીફ ઘેરી વળે ત્યારે ત્યારે યાદ રાખજે કે ક્યારેય તકલીફોથી ડરવું નહિ અને દૂર ભાગવું નહિ.જીવનમાં મળતી પીડા જ વિકાસની તક આપે છે અને યાદ રાખજે, જીવનમાં કંઈ પણ કાયમી નથી.બધું જ સમય સાથે બદલાય છે. તું ભણવામાં ધ્યાન આપ.સમય જતાં તું મોટો થઈશ, ભણેલો હોઈશ તો સારી નોકરી મળશે અને ઘરમાં મદદરૂપ થઇ શકીશ.તારા મન અને હ્રદય પર આ નાની ઉંમરે જે ઘા પડ્યા છે તેને તારી કમજોરી નહિ શકિત બનાવ.નક્કી કર કે હું જીવનમાં એટલી મહેનત કરીશ કે ક્યારેય મારા કુટુંબીજનોને આવી પરિસ્થિતિ ફરી ન જોવી પડે.યાદ રાખજે, દરેક તકલીફ અને અવરોધ તમારા માટે પ્રગતિ માટેનું પગથિયું બની શકે છે. જો તેનાથી ડર્યા વિના આપણે તેને ઓળંગીને આગળ વધી જઈએ.બીજાની નકારાત્મકતા તારા પર હાવી ન થવા દેવી.
તારા પિતાની દારૂની લત.રોજના ઝઘડામાંથી તું શીખ કે તારે તારા જીવનમાં શું નથી કરવાનું અને છેલ્લી વાત યાદ રાખજે કે જે થવાનું છે તે થઈને જ રહેશે. આપણે બસ, ડર્યા વિના, અટક્યા વિના આગળ વધવાનું છે.’ યુવાનને પ્રોફેસરની વાતમાંથી હિંમત મળી. પ્રોફેસરે તેના હાથમાં ફી ના પૈસા આપતાં કહ્યું, ‘ચાલ ,હતાશા ખંખેરી આગળ વધવાનું શરૂ કર.પહેલાં ફી ભરી દે.કમાતો થાય ત્યારે મને આપજે.હિંમત રાખ.’ છોકરાની આંખમાં હિંમતની ચમક આવી.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.