Charchapatra

સ્થળાંતર અને સીરિયાના ડોમ

એક દેશથી બીજા દેશમાં માણસોનું સ્થળાંતર થતું જ રહે છે. એનાં કારણો વિવિધ હોય છે. પરંતુ સ્થળાંતર જાણે માણસોને લમણે જ લખાયેલું છે. દેશ દેશ વચ્ચેની સરહદ અને નકશાઓ તો પછીથી બન્યાં. માણસો એ પહેલાંથી જ વસે છે. જીવવા માટે, વિકસવા માટે, ટકવા માટે, મોતને હાથતાળી આપવા માટે સ્થળાંતરો થતાં રહ્યાં છે. સ્થળાંતરોથી માણસોનો વસવાટ ફેલાતો રહ્યો છે.  સીરિયામાં એક સમુદાય છે જેને ડોમ કહેવામાં આવે છે. આ લોકો સદીઓ પહેલા ભારતમાંથી સ્થળાંતર કરીને મધ્ય પૂર્વ એશિયાઈ દેશોમાં સ્થાયી થયા હતા. તેઓ એકબીજામાં ડોમરી ભાષા બોલે છે, જે મારવાડી ભાષા જેવી જ છે. પરંતુ સમય જતાં ડોમરીમાં ફારસી અને કુર્દિશ ભાષાના ઘણા શબ્દો ઉમેરાઈ ગયા. ડોમ્સ બધા જ આરબ દેશોમાં જોવા મળે છે. પરંતુ તેમની સંખ્યા સીરિયામાં વધુ છે. ભારતમાંથી કેટલાક લોકો એક સમયે આરબ દેશોમાં ગયા હતા. તેઓ પોતાને નેવાર, ગુજર, જાટ અને ડોમ જાતિના કહેતા હતા. વારાણસીમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાવનાર જાતિ પણ ‘ડોમ’ કહેવાય છે. સીરિયાના ડોમ લોકોએ પછીથી અરબની આદિવાસી સભ્યતાથી પ્રભાવિત થઈને એક જાતિ બનાવી જેને નૂર જાતિ કહેવામાં આવે છે.
નર્મદાનગર, ભરૂચ      – રમણીક અગ્રાવત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top