કોઈપણ મંદિરનું નવનિર્માણ સમાજના ઉત્થાન માટે જરૂરી હોય છે. ધર્મ સમુદાય સંગઠનના કારણે સમાજ, સૌ સમુદાય એક તાંતણે બંધાયેલા રહે છે. જેથી ધાર્મિક સંસ્થાઓ સમાજના દરેક નાગરિકના ઉત્થાન માટે જરૂરી હોય છે. પાટીદાર સમાજ દરેક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે, દેશ-દુનિયામાં અત્યારે આગળ વધી રહેલો સમાજ છે, તેવું સોલા ખાતે મા ઉમિયાધામમાં ભૂમિપૂજન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતુ કે સરકાર તરીકે અમારી જવાબદારી નિભાવવા માટે અમારી સંપૂર્ણ ટીમ તૈયાર છીએ. તમામ સમાજની સામાજિક સંસ્થાઓ ખૂબ સારા કામો કરી રહી છે, કોઈપણ સરકાર એકલી વિકાસના કામ કરી શકે નહીં, સમાજનો તેમાં સાથ જરૂરી છે. સરકાર અને સમાજિક સંગઠનોના સહયોગથી રાજ્યની વિકાસની ગતિને વેગ મળે છે અને તેથી સફળતા મેળવી શકાય છે.
દરેક સમાજ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ આણે અને સરકાર તરીકે દરેક યુવાનોને રોજગારી મળે એવા જ પ્રયત્નો છે. ગુજરાતમાં બધા જ સમાજ ખૂબ મોટા વિકાસના પ્રોજેક્ટ પર કાર્ય કરી રહ્યું છે તે બધા જ પ્રોજેક્ટ શરૂ થાય અને તેનો અમલ થાય તો ઘણા બધા લોકોને રોજગારી મળશે. કારીગરો, વેપારી વર્ગ વધશે અને નાણાકીય ક્રાંતિ આવશે જેનાથી રાજય અને દેશને ફાયદો થશે.
ઉંઝા સંસ્થાન દ્વારા અમદાવાદ સ્થિત સોલા કેમ્પસમાં માં ઉમિયાધામ મંદિર ખાતે ૭૪ હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત રૂપિયા ૧૫૦૦ કરોડના ખર્ચે માં ઉમિયાધામનું નિર્માણ થશે. જેમાં શ્રી ઉમિયા માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ સહિત વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ – અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં ૪૦૦થી વધારે રૂમ બનાવાશે જેમાં અંદાજે ૧૨૦૦ થી વધુ ભાઈ-બહેનો રહી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.