રાજ્યમાં ગઈકાલે કોરોનાના 25 કેસ નોંધાયા હતા. જે ઘટીને આજે 13 થઈ ગયા છે. જેના પગલે ચિંતામાં થોડો ઘટાડો થયો છે. બીજી તરફ સારવાર દરમિયાન એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. આરોગ્ય વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. જેમાં કચ્છમાં 3, સુરત મનપામાં 3, વડોદરા મનપામાં 2, આણંદમાં 1, ભાવનગર મનપામાં 1, ગીર સોમનાથમાં 1, રાજકોટમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલમાં 143 જેટલા દર્દી સારવાર હેઠળ છે. જે પૈકી 3 વેન્ટિલેટર પર છે. જ્યારે 140 દર્દીની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 815490 દર્દીએ કોરોનાને માત આપી છે. જ્યારે 10082 દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
રાજ્યમાં શનિવારે 4.81 લાખનું રસીકરણ કરાયું છે, જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના 52009 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 81738 લોકોને રસીનો બીજો ડોઝ, 18થી 45 વર્ષ સુધીના 141125 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષ સુધીના 200681 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. જેમાં હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરનો સમાવેશ થાય છે.