Columns

રિલાયન્સ જિઓએ સસ્તો ડેટા વેચીને ભારતીયોને ઇન્ટરનેટના બંધાણી બનાવ્યા છે

ઇ.સ. ૨૦૧૫ માં ભારતમાં ૪જી સેવાનો પ્રારંભ થયો ત્યારે એક જીબી ડેટાની કિંમત આશરે ૨૫૦ રૂપિયા હતી. ૨૦૧૬ ના સપ્ટેમ્બરમાં ભારતમાં રિલાયન્સ જિઓ માર્કેટમાં આવ્યું ત્યારે તેણે મોબાઇલ ડેટાના ક્ષેત્રમાં પ્રાઇસ વોર ચાલુ કરી હતી. એક જીબી ડેટા ૨૫૦ રૂપિયામાં મળતો હતો તેને સ્થાને રિલાયન્સે રોજના બે જીબી ડેટા મહિને ૧૩૩ રૂપિયામાં આપવાનો પ્રારંભ કર્યો. બીજા શબ્દોમાં એક જીબી ડેટાનો ભાવ ૨૫૦ રૂપિયા પરથી ઘટીને બે રૂપિયા પર આવી ગયો. તેને કારણે એક બાજુ કરોડો ગ્રાહકોને સસ્તો ડેટા મળવા લાગતા તેઓ સોશ્યલ મીડિયાનાં બંધાણી બની ગયાં.

બીજી બાજુ મોબાઇલ ડેટાનો ધંધો કરતી વોડાફોન, આઇડિયા, એરટેલ, આર. કોમ., ટાટા ડોકોમો વગેરે કંપનીઓ મુસીબતમાં આવી ગઈ. શરૂઆતમાં તેમણે ડેટાનો ભાવ ઘટાડવાનો ઇનકાર કર્યો, જેને કારણે રિલાયન્સ જિઓના ગ્રાહકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી ગઈ. મોબાઇલ કંપનીઓએ જિઓની હરીફાઇમાં ટકવા માટે પોતાના ભાવો ઘટાડ્યા ત્યારે તેમને સખત નુકસાની સહન કરવી પડી. જિઓને તો તેને પેરેન્ટ કંપની રિલાયન્સ પાસેથી ભંડોળ મળતું હોવાથી તેને વાંધો ન આવ્યો; પણ બાકીની કંપનીઓના બૂરા હાલ થયા. ટાટા ડોકોમો અને આર. કોમ. જેવી કંપનીઓ બંધ થઈ ગઈ.

વોડાફોન અને આઇડિયા જેવી કંપનીઓએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જોડાણ કરવું પડ્યું. વોડાફોન આઇડિયા કંપની હજુ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમી રહી છે. એરટેલ કંપનીએ કોઈ જોડાણ નથી કર્યું પણ તેના માથે બેન્કોનું મોટું દેવું છે. રિલાયન્સ જિઓ કંપની પણ સસ્તો ડેટા વેચીને બહુ ખાટી ગઈ નથી. તેના માથે બેન્કોનું આશરે દોઢ લાખ કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું હતું. તે દેવું ઊતારવા રિલાયન્સને પોતાનો લગભગ ૨૫ ટકા હિસ્સો ગૂગલ અને ફેસબુક જેવી વિદેશી કંપનીઓને વેચવાની ફરજ પડી. પરિણામ એ આવ્યું કે ભારતના અબજો ડોલરના મોબાઇલ ડેટા માર્કેટ ઉપર વિદેશની મલ્ટિનેશનલ કંપનીઓનો અંકુશ પ્રસ્થાપિત થઈ ગયો.

રિલાયન્સ જિઓના સસ્તા ડેટાને કારણે ભારતના કરોડો લોકો ઇન્ટરનેટનો આનંદ લૂંટવા લાગ્યા. ભારતને ઝડપથી ઇન્ટરનેટના યુગમાં લઈ જવાનો યશ કે અપયશ રિલાયન્સને જ આપવો પડે. ભારતનાં લોકો સોશ્યલ મીડિયામાં કલાકોના કલાકો સુધી બંધાઇ રહે છે તેના માટે પણ જિઓ જવાબદાર છે. બાળકો, યુવાનો અને ગૃહિણીઓમાં મોબાઇલનું જે વ્યસન વળગ્યું છે, તેના માટે પણ જિઓ જવાબદાર છે. યુટ્યૂબ પર જે હજારો ચેનલો શરૂ થઈ અને તન, મન, ધનને બરબાદ કરતા વાહિયાત કાર્યક્રમો લોકો જોવા લાગ્યા તે માટે પણ સસ્તો ડેટા જવાબદાર છે. ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોર્નોગ્રાફીનો પ્રચાર વધી ગયો તે માટે પણ સસ્તો ડેટા જવાબદાર છે. સસ્તા ડેટા વગર ભારતમાં ઓટીટી પ્લેટફોર્મનો વિકાસ થવો પણ સંભવિત નહોતો. કોવિડને કારણે લોકો ઘરે રહીને ઓટીટી પર સિરિયલો જોયા કરે છે. સ્કૂલો બંધ રહેતાં સરકારે સ્કૂલનું શિક્ષણ ઓનલાઇન આપવાની નીતિ અપનાવી તેમાં પણ સસ્તો ડેટા જવાબદાર છે. જે માબાપો અગાઉ પોતાનાં બાળકોને મોબાઇલથી દૂર રાખતાં હતાં તેમને હવે ભણવા માટે ફરજિયાત મોબાઇલ આપવાની ફરજ પાડવામાં આવી. તેને કારણે બાળકો ગેમિંગ અને પોર્નોગ્રાફીના રવાડે ચડી ગયાં છે.

રિલાયન્સ જિઓનો પ્રારંભ થયો ત્યારે ભારતનાં લોકો મહિને ૨૦ કરોડ જીબી ડેટા વાપરતા હતા. તેના ૬ મહિનામાં ભારતનાં લોકો મહિને ૧૦૦ કરોડ જીબી ડેટા વાપરવા લાગ્યા હતા. આખી દુનિયામાં ભારતમાં જેટલો સસ્તો ડેટા છે તેટલો દુનિયાના કોઈ દેશમાં નથી. ૨૦૧૯ માં ભારતના ૬૨.૭ કરોડ લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા હતા. સરકાર દ્વારા લોકોને વેક્સિન આપવાનું ઝડપી બનાવવામાં આવ્યું તેમાં પણ મોબાઇલ ડેટાની ભૂમિકા હતી. કોઈ પણ વ્યક્તિ વેક્સિન લેવા માગતી હોય તો તેણે કોવિન એપ પર નોંધણી કરાવવી પડે છે, જેના માટે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે. ભારત સરકાર દેશમાં ડિજિટલ આર્થિક વહેવારો લાવવા માગતી હતી. મોબાઇલ ઇન્ટરનેટને કારણે ભીમ જેવી એપના માધ્યમથી પૈસાની લેવડદેવડ સરળ બની ગઈ છે.

ભારતમાં ઝોમેટો, ઓલા, ઉબેર, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓનો ઓનલાઇન બિઝનેસ વધ્યો તે માટે પણ સસ્તો ડેટા જવાબદાર છે. ઓલા અને ઉબેરને કારણે પરંપરાગત ટેક્સી અને રીક્ષા ચલાવતા લાખો ડ્રાઇવરો બેકાર બની ગયા હતા. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મો પર શોપિંગ વધવાને કારણે નાનકડી કરિયાણાની કે કાપડની દુકાનો ધરાવતા કરોડો નાના વેપારીઓ બરબાદ થઈ ગયા હતા. આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કાવતરાંના ભાગ સમાન હતી.

ભારતમાં સોશ્યલ મીડિયાના ગૂગલ, ફેસબુક, યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સ એપ, ટ્વિટર  વગેરે પ્લેટફોર્મો એટલા બધા પાવરફુલ બની ગયા છે કે તેઓ સરકારને પણ ગાંઠતા નથી. અમેરિકાની ચૂંટણી દરમિયાન તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક ટ્વિટ ડિલિટ કરી દેવામાં આવતા હતા. આ બધી વિદેશી કંપનીઓ ભારતનાં કરોડો નાગરિકોની અંગત માહિતીનો સંગ્રહ કરે છે અને તેનો વિવિધ હેતુઓ માટે ઉપયોગ પણ કરે છે. દાખલા તરીકે તમે મુસાફરી દરમિયાન જીપીએસનો ઉપયોગ કરતા હો તો ગૂગલ તમારી દરેક હિલચાલ પર નજર રાખે છે. તમે ક્યા શહેરની, ક્યા રાજ્યની મુલાકાત લીધી, કઈ હોટેલમાં રોકાણ કર્યું, કઈ રેસ્ટોરાંમાં ભોજન કર્યું, કઈ દુકાનમાં શોપિંગ કર્યું તેની તમામ વિગતો ગૂગલ પાસે સંઘરાયેલી હોય છે. વિચાર કરો કે ભારતના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, પ્રધાનમંડળના સભ્યો, સૈન્યની ત્રણેય પાંખના વડાઓ, વિપક્ષી નેતાઓ, ટોચના અમલદારો વગેરેની વિગતો ગૂગલ પાસે જાય તો તેનો કેવો દુરુપયોગ થઈ શકે?

ભારતનાં લોકો સોશ્યલ મીડિયાના બંધાણી બની ગયા છે તેને કારણે સરકારને નાગરિકોની જાસૂસી કરવાની પણ સવલત મળી ગઈ છે. સરકાર જો કોઈ પણ નાગરિક પર નજર રાખવા માગતી હોય તો કાયદાની મદદથી તેનું સોશ્યલ મીડિયા અકાઉન્ટ સરકાર હેક કરી શકે છે. તે માટે પેગાસસ જેવા ઇઝરાયલી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે.  આ સોફ્ટવેરથી જાણીતા પત્રકારો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સુપ્રિમ કોર્ટના કર્મચારીઓ ઉપર પણ જાસૂસી કરવામાં આવતી હતી. સરકાર હવે ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી ચલણમાં લાવવા માગે છે તેમાં પણ સસ્તા ડેટાની જરૂર પડશે. રિલાયન્સ તે માટે ફાઇવ-જી ટેકનોલોજી લાવી રહી છે. ફાઇવ-જી આવ્યા પછી સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કેમેરા વડે તમામ લોકોની જાસૂસી થઈ શકશે.

ફેસ રેકગનિશન ટેકનોલોજી વડે ક્યો માણસ ક્યાં છે? તેની વિગતો સરકાર પાસે સહેલાઈથી આવી જશે. આપણે કદાચ એવા ભ્રમમાં છીએ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, પણ હકીકતમાં ટેકનોલોજીના માધ્યમથી સરકાર આપણો ઉપયોગ કરી રહી છે. તમામ રાજકીય પક્ષો દ્વારા સોશ્યલ મીડિયા પર નિયંત્રણ માટે આઇટી સેલની રચના કરવામાં આવી છે. તેઓ પોતાનો એજન્ડા લોકોના મગજમાં ઊતારીને તેમનું બ્રેઈનવોશિંગ કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે.સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને તેઓ કોમી વૈમનસ્ય પેદા કરે છે અને ચૂંટણીઓ પણ જીતે છે. સોશ્યલ મીડિયાને કારણે દેશની આઝાદી પણ જોખમમાં આવી ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top