રિલાયન્સ ગ્રૂપના (Reliance Group) વડા મુકેશ અંબાણીએ સોમવારે તેમની પુત્રી ઈશાને ગ્રૂપના રિટેલ બિઝનેસના વડા તરીકે રજૂ કર્યા બાદ હવે અનંત અંબાણી (Anant Ambani) વિષે પણ જાહેરાત કરી છે. તેમણે અનંત અંબાણીની ન્યુ એનર્જી હેડ તરીકે નિમણૂંક કરી છે. અંબાણીએ અગાઉ તેમના પુત્ર આકાશને જૂથની ટેલિકોમ શાખા રિલાયન્સ જિયોના ચેરમેન તરીકે જાહેર કર્યા હતા. મુકેશ અંબાણીએ એજીએમમાં અનંત અંબાણીને ન્યુ એનર્જી (New Energy) હેડ તરીકે રજૂ કર્યા હતા. આ સાથે મુકેશ અંબાણીએ (Mukesh Ambani) નવી પેઢીને બિઝનેસ (Business) સોંપવા સાથે જબાવદારીઓની ફાળવણી અંગેની ગૂંચ પણ ઉકેલી કાઢી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની 45મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં 5G સેવાના પ્રારંભની જાહેરાત કરવામાં આવી હતી. મીટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે 5G સર્વિસ મેટ્રો શહેરોમાં દિવાળી સુધી શરૂ થશે. 2023 સુધીમાં સમગ્ર ભારતમાં 5G સેવા ઉપલબ્ધ થશે. સાથે જ તેમણે કહ્યું કે આકાશ અંબાણી Jio, ઈશા અંબાણી રિટેલ અને અનંત અંબાણી ન્યૂ એનર્જી બિઝનેસની જવાબદારી સંભાળશે. રિટેલ બિઝનેસ વિશે માહિતી આપતા ઈશા અંબાણીએ કહ્યું કે Jio Mart દેશના 260 શહેરોમાં પહોંચી ગયું છે. રિલાયન્સ FMCG બિઝનેસ પણ શરૂ કરશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે Jio વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્યતન 5G નેટવર્ક હશે. તે 5G નું નવીનતમ સંસ્કરણ હશે જેને સ્ટેન્ડઅલોન 5G કહેવામાં આવે છે. તે 4G નેટવર્ક પર શૂન્ય નિર્ભરતા ધરાવે છે. સ્ટેન્ડઅલોન 5G સાથે Jio ઓછી લેટન્સી કનેક્ટિવિટી, વિશાળ મશીન-ટુ-મશીન કોમ્યુનિકેશન, 5G વોઇસ અને મેટાવર્સ જેવી નવી અને શક્તિશાળી સેવાઓ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે કંપની 5G સેવા માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા સહિતના અનેક મોટા શહેરોમાં 5G લોન્ચ કરશે. ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં 5G કવરેજ હશે. કંપનીએ માઇક્રોસોફ્ટ, મેટા અને ઇન્ટેલ સાથે પણ ભાગીદારી કરી છે. ક્વાલકોમ (Qualcomm) કંપની સાથે ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે.
અંબાણીની સફળતાની યોજના
મુકેશ અંબાણીએ કહ્યું કે આકાશ અને ઈશાએ Jio અને રિટેલમાં લીડરશીપની ભૂમિકા ભજવી છે. તેઓ શરૂઆતથી જ રિલાયન્સના કન્ઝ્યુમર બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે કહ્યું કે અનંત પણ નવી ઉર્જા વ્યવસાયમાં જોડાયા છે અને તેમનો મોટાભાગનો સમય જામનગરમાં વિતાવે છે. અંબાણીએ કહ્યું કે આ ત્રણેયને અમારા ફાઉંડરની માનસિકતા સંપૂર્ણ રીતે વારસામાં મળી છે. અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમને દરરોજ માર્ગદર્શન આપવામાં આવે છે. માર્ગદર્શકોમાં મારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે.
જાણો કેટલું છે રિલાયન્સનું સામ્રાજ્ય
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ફોર્ચ્યુન 500 કંપની છે અને ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કોર્પોરેશન છે. ટેક્સટાઇલ અને પોલિએસ્ટરથી શરૂ કરીને કંપનીની સફર આજે એનર્જી, મટિરિયલ્સ, રિટેલ, એન્ટરટેઇનમેન્ટ અને ડિજિટલ સર્વિસિસમાં વિસ્તરી છે. રિલાયન્સ પાસે એક જ સ્થળે વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે. રિલાયન્સનું સામ્રાજ્ય આજે 217 બિલિયન ડોલર એટલે કે લગભગ 16 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ન્યુઝીલેન્ડ, ઈરાન, પેરુ, ગ્રીસ, કઝાકિસ્તાન જેવા દેશોના જીડીપી કરતા વધુ છે. રિલાયન્સ પ્રાઈવેટ સેક્ટરમાં કસ્ટમ્સ અને એક્સાઈઝ ડ્યુટીની સૌથી મોટી ચૂકવણી કરનાર છે. લગભગ દરેક ભારતીય રિલાયન્સની કોઈને કોઈ પ્રોડક્ટ અથવા સેવાનો ઉપયોગ કરે છે.