આજે લોન લેવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. કેટલાક લોન કે ધિરાણ લેવાના શોખીન હોય છે, કેટલાક લોકો ધંધાકીય મહત્વાકાંક્ષાથી પ્રેરાઇને લોન લે છે, તો પ્રજાનો ઘણો મોટો વર્ગ લાચારીવશ કોઇને કોઇ પ્રકારનું ધિરાણ લે છે. આજે તો મધ્યમ વર્ગ માટે એવી સ્થિતિ છે કે જો તેમણે સામાન્ય પ્રકારનું મકાન લેવું હોય તો પણ લોન લેવી જ પડે. રોજીંદા વપરાશ માટેનું જરૂરી વાહન ખરીદવા પણ મધ્યમ વર્ગના લોકોએ લોન લેવી પડતી હોય છે. નીચલા મધ્યમ વર્ગના લોકોએ નાનો ધંધો કરવા, રીક્ષા કે ટેમ્પો જેવું કમાણીનું સાધન ખરીદવા માટે લોન લેવી પડતી હોય છે.
બેંકો કે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી ઘણા મોટા પ્રમાણમાં લોકો ધિરાણો લે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા વ્યાજ દરોને કારણે અને બેંકો અને અન્ય ધિરાણકર્તા સંસ્થાઓની કેટલીક નીતિઓને કારણે લોન લેનારાઓ જાત જાતની રીતે હેરાન થઇ રહ્યા હતા ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોન માટેના નવા નિયમો જાહેર કર્યા છે તે ધિરાણ લેનારાઓ કે લેવા ઇચ્છુક લોકો માટે રાહતરૂપ પુરવાર થાય તેવા છે અને આવકાર્ય છે. રિઝર્વ બેન્કે શુક્રવારે આ નવા નિયમો જાહેર કર્યા છે.
બેંકો અને એનબીએફસીઓેને, જેમાં હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓનો પણ સમાવેશ થાય છે તેમને આપેલા એક આદેશમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ જણાવ્યું હતું કે પર્સનલ લોનના ફ્લોટિંગ રેટ પર આધારિત ઇએમઆઇના સંદર્ભમાં લોનનો સમયગાળો લંબાવવા અથવા હપ્તાની રકમમાં વધારા અંગે ઘણી ફરિયાદો ગ્રાહકો તરફથી મળી છે, જે ફેરફારો યોગ્ય સંદેશાવ્યવહાર વિના અથવા ધિરાણ લેનારાઓની સંમતિ વિના કરી દેવામાં આવે છે. ગયા વર્ષના મે મહિનાથી વ્યાજ દરો વધ્યા છે કારણ કે મધ્યસ્થ બેંકે ઉંચો ફુગાવો ડામવા માટે રેપો રેટ અનેક વખત વધાર્યો છે.
મે ૨૦૨૨થી આ વર્ષના ફેબ્રુઆરી સુધીમાં રેપો રેટમાં થયેલા કુલ ૨૫૦ બેઝિસ પોઇન્ટના વધારાના પરિણામે મોટી સંખ્યામાં ધિરાણ લેનારાઓ નકારાત્મક ઋણમુક્તિનો સામનો કરે છે જેમાં ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલેશન(ઇએમઆઇ) અથવા તો હપ્તો વ્યાજની જવાબદારી કરતા ઓછો થાય છે એટલે કે હપ્તા કરતા વ્યાજની રકમ વધી જાય છે જે મુખ્ય રકમમાં વધારામાં પરિણમે છે. આરબીઆઇએ જણાવ્યું છે કે લોન મંજૂર કરતી વખતે જ ગ્રાહકને જણાવી દેવું જોઇએ કે બેન્ચમાર્ક વ્યાજ દરોમાં ફેરફારની અસર હપ્તાઓ અને/અથવા લોનના સમયગાળા પર કે બંને પર થઇ શકે છે. અને હપ્તા કે સમયગાળા કે બંનેમાં જો કોઇ પણ વધારો થાય તો તેની યોગ્ય માધ્યમ વડે ધિરાણ લેનારને જાણ કરવી જોઇએ.
આરબીઆઇએ તેના જાહેરનામામાં જણાવ્યું છે કે વ્યાજ દરો રિસેટ કરતી વખતે બેંકો જેવી ધિરાણકર્તા સંસ્થાઓએ પોતાના બોર્ડ દ્વારા મંજૂર નીતિ અનુસાર લોન લેનારાઓને ફિક્સ રેટ સ્વીકારવાનો વિકલ્પ આપવો જોઇએ. આ નીતિમાં સાથે એ પણ સૂચવવું જોઇએ કે લોનના સમયગાળા દરમ્યાન ગ્રાહક કેટલી વખત વ્યાજ દર સિસ્ટમ બદલી શકે. ધિરાણ લેનારાઓને ફિક્સ વ્યાજ દરનો વિકલ્પ આપવાનું બેંકોને જણાવવામાં આવ્યું તે ખૂબ આવકાર્ય છે. આવો વિકલ્પ સ્વીકારનાર જો ભવિષ્યમાં વ્યાજ દર ઘટે તો તેના લાભથી વંચિત રહી શકે છે પરંતુ અચાનક વધતા વ્યાજ દરના જોખમમાંથી બચી પણ શકે છે. હપ્તો ભરવાનું ચુકી જનારાઓને ઘણી ધિરાણકર્તા સંસ્થાઓ જંગી દંડ ઠોકી દે છે તેવા સંજોગોમાં દંડની બાબતમાં પણ બહાર પડાયેલા નિયમો આવકાર્ય છે.
ધિરાણ લેનારાઓની રાહત માટે આરબીઆઇએ બહાર પાડેલા નવા નિયમો આવકાર્ય છે પરંતુ ધિરાણની બાબતમાં હજી ઘણુ કરવું જરૂરી છે. આજે પણ ઘણા ગરીબ લોકો ધિરાણની પુરતી અને સરળ ઉપલબ્ધતાના અભાવે વ્યાજ ખાઉ શાહુકારોના શરણે જાય છે અને જીવનભર વ્યાજના ચક્કરમાં પીસાતા રહે છે. આવા સંજોગોમાં જો ધિરાણની ઉપલબ્ધતા વધે તેવા પગલા ભરવામાં આવે તો નીચલા મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો ખાનગી શાહુકારોના સકંજામાંથી બચી શકે છે.