શ્મીર ફાઇલ્સ’ ફિલ્મ રિલીઝ થઇ અને ‘પેન્ડોરાઝ બૉક્સ’ ખૂલી ગયું. હિંદુવાદીઓ અને રાષ્ટ્રવાદીઓને ઠેકડા મારવા માટે જૂના મુદ્દા પર નવો તાલ મળ્યો. હિંદુ ધર્મ અને રાષ્ટ્રપ્રેમ બંન્ને આ પેલા ‘વાદ’થી અલગ છે તે સમજવું – ન સમજી શકાય એમ હોય તો શાંત રહેવું. 90ના દાયકાના પૂર્વાર્ધમાં કાશ્મીર ઘાટી પર આતંકવાદે પોતાની પકડ એવી મજબૂત કરી કે કારમા સંજોગો ખડા થયા અને કાશ્મીરી પંડિતોએ હિજરત કરવી પડી પરંતુ આતંકવાદનું પરિણામ માત્ર કાશ્મીરી પંડિતોની હિજરત નહોતી, ઘણાય મુસલમાન રહેવાસીઓના પણ જીવ ગયા અને તેમણે પણ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું. કમનસીબે આટલાં વર્ષે પણ આ લાવા થોભ્યો નથી, તેની ઝાળ લબલબ થયા જ કરે છે અને આતંકવાદ આજે પણ કાશ્મીર ઘાટીમાં ફેલાયેલો છે, સૈન્યની હાજરી હોવા છતા પણ સંજોગો સલામત નથી. ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને કારણે એટલો બધો ઘોંઘાટ વધ્યો કે જાણે ધ્રુવીકરણની ગતિ બમણી થઇ ગઇ. બધાં ‘વાદી’ઓને આંતક ફેલાવીને ‘સામાવાળા’ને ખલાસ જ કરી નાખવા જોઇએનું ઝનૂન ચઢ્યું. જો કે વાત આ આંધળા ઝનૂનની નથી જે ફિલ્મ જોયા પછી પાનને ગલ્લે બે સિગરેટ્સ અને ચાર પાનની પિચકારીઓમાં દેખાયું.
કાશ્મીરી પંડિતોને પુનઃસ્થાપન કરવાની ચર્ચા છેડાઇ. વિસ્થાપિત કાશ્મીરીઓના પુનઃવસન માટે કામગીરી ચાલુ છે તેમ કેન્દ્ર સરકારે જાહેરાત કરી. કાશ્મીર ઘાટીમાં પંડિતોના પરિવારો માટે 1500 ફ્લેટ્સ બન્યા છે અને કુલ 6000 બનવાના છે. એમ નથી કે પહેલી વાર કાશ્મીરી પંડિતો માટે સરકારે કંઇ કર્યું છે, આ પહેલાં કોંગ્રેસની સરકારે પણ તેમના પુનઃસ્થાપન માટે કવાયત કરી છે. દરેક કાશ્મીરી પંડિતની વિતક જુદી છે પણ તેનો સ્થાયી ભાવ પીડા છે. સરકાર તેમની પીડા નથી સમજી શકતી તેવી ફરિયાદ આ વિસ્થાપિતો અનેક વાર કરી ચૂક્યા છે. ભાજપ અને કોંગ્રેસની સરકારે કાશ્મીરી પંડિતોને પુનઃસ્થાપિત કરવા માટે સતત કોઇ ને કોઇ પ્રયાસ કર્યા છે. 2008માં મનમોહન સિંહની સરકારની યોજના લાગુ કરાઇ, ભાજપાએ પણ યોજના ચાલુ રાખી પણ 2017 પછી યોજનાઓનો લાભ લેનારાની સંખ્યા ઘટી. ઘર મળી જવાથી પુનર્વસન નથી થઇ જતું. નોકરી, સલામતી અને વૈમનસ્ય વગરની સ્થિર તથા શાંત સામાજિક, રાજકીય જિંદગી પણ જરૂરી છે. 370ની કલમ હટાવાશે તો કાશ્મીરી પંડિતોની જિંદગી સરળ થઇ જશે એવું કહેવાતું હતું, ભાજપ સરકારે આ કર્યું પણ શું ખરેખર 370ની કલમ અડચણરૂપ હતી? 370 અને 35Aની કલમ હટાવવાથી આખા દેશમાં ઉત્સાહનો હોબાળો થયો. કાશ્મીરી પંડિતોની જિદંગી રાતોરાત બદલાઇ જશેના રાગડા તણાયા. કશું બદલાયું? ના. રાકેશ પંડિતા અને એમ. એલ બિન્દ્રુ જેવા રહેવાસીઓની હત્યા થઇ. 2021માં કાશ્મીરી પંડિતની મિલકતોને લગતા પ્રશ્નોને સ્વીકારનારું એક પોર્ટલ લૉન્ચ થયું. લેફ્ટનન-ગવર્નરે લૉન્ચ કરેલા આ પોર્ટલ પર કાશ્મીરી પંડિતે પોતાની મિલકતો પચાવી લેવાઇ છે, બારોબાર વેચી દેવાઇ છે ની ફરિયાદો કરી. 97ની સાલમાં જે એન્ડ કે સરકારે જમ્મુ એન્ડ કાશ્મીર માઇગ્રન્ટ ઇમુવેબલ પ્રોપર્ટી એક્ટ પસાર કર્યો જેના કારણે સ્થળાંતરિત પંડિતોની સ્થાવર મિલકતોની રક્ષા થઇ શકે. ગયા વર્ષે માર્ચમાં સરકારે લેખિત ફરિયાદોની માંગ દૂર કરી અને નવા પોર્ટલ પર કામગીરી ઝડપી થાય તેવો પ્રયત્ન શરૂ કરાયો. મૂળ માલિકો પાસે મિલક્તોનું પુનઃસ્થાપન એવી પૂર્વ શરત છે જે કાશ્મીરી પંડિતોએ ઘાટીમાં પાછા ફરવા માટે પૂરી કરવી અનિવાર્ય છે. 30 વર્ષ બહુ લાંબો સમય છે અને અવિશ્વાસની ખાઇ ગહેરી જ થઇ છે. કોમવાદ અને આકરી નીતિઓ અવરોધો જ બને છે ઉકેલ નહીં.
‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોનારા બધા જ કાશ્મીરી પંડિતો તેમાં જે દર્શાવાયું છે તેની સાથે પૂરી રીતે સંમત નથી કારણ કે સત્ય 360 ડિગ્રીમાં ન બતાડાય ત્યારે તે અધૂરું જ હોય. BBCના એક અહેવાલ અનુસાર કાશ્મીરી પંડિતોને લાગે છે કે ફિલ્મમાં હિજરત કોના કારણે થઇ તેની સ્પષ્ટતા નથી, જે પંડિત પરિવારો કાશ્મીર છોડીને ગયા નહીં (808 પરિવારો) તેમની જિંદગી શું છે તેની વાત નથી કરાઇ. હાલની સરકારે કાશ્મીરી મુસલમાનોને એમ માનવાનાં પૂરતાં કારણો આપ્યાં છે કે આખી કોમની છાપ ખરડાય તેનું જ અભિયાન ચાલી રહ્યું છે, જે ખરેખર તો એ ષડયંત્રનો હિસ્સો પણ નહોતું જે સરહદ પારથી કાશ્મીરી પંડિતોના વિરોધમાં રચાયું હતું. કાશ્મીરી પંડિતો અને કાશ્મીરી મુસલમાનો વચ્ચે સ્થિતિ તંગ છે અને ખરેખર હિજરત શા માટે થઇ તેના કારણો શોધાવા પર ભાર મુકાશે તો આ બન્ને કોમ વચ્ચે શાંતિ સ્થપાઇ શકશે પણ સત્તાધીશોને રાજકીય મુદ્દો હાથવગો રહે તેમાં વધારે રસ હોય તે સ્વાભાવિક છે.
ધિક્કાર ભૂલીને એકબીજાએ વેઠેલી વેદનાને સમજી શકાય તે સ્તરે કાશ્મીર વેલીના નાગરિકોએ જવું પડશે. તો જ સરકારોને પણ સ્પષ્ટ સવાલ કરી શકાશે. 90ના દાયકાથી અનેક વાર કાયદાકીય મદદ પણ માગવામાં આવી છે જેથી અલગાવવાદી નેતાઓની કાવતરાખોરી બહાર આવે જેના કારણે કાશ્મીરી પંડિતોનાં મોત થયાં, હિજરત થઇ પણ એ દિશામાં નક્કર કામગીરી નથી થઇ. 3 દાયકાથી એકજૂટ થયેલું નેતૃત્વ પણ કાશ્મીર ઘાટીમાં ખડું નથી થયું જેના કારણે એક મજબૂત અવાજ પોતાની માંગને સ્પષ્ટ રીતે રજૂ કરી શકે જે કમનીસીબી છે. કાશ્મીરી પંડિતોના પુનઃસ્થાપનનો મુદ્દો અઘરો છે. તેમાં માત્ર મિલકતોની રક્ષા કે રોજગારીની વાત નથી પણ પાકિસ્તાન સાથે પણ માથાં ફોડવાનાં છે, ખીણ પ્રદેશમાં સતત વૈમનસ્યની આગને હવા આપનારા અલગાવવાદીઓને પણ ઓળખી કાઢવાના છે, વળી આ મુદ્દાને કોટે વળગાડી પોતાની રાજરમત કરનારા રાજકારણીઓના ખેલ પણ સમજવાના છે. મકાનો બાંધવાથી વતન નથી મળી જતું, આ પેચીદો મુદ્દો છે અને સ્વાર્થને નેવે મૂકીને આ દિશામાં કામ થશે તો જ કોઇ હકારાત્મક પરિણામ મળી શકશે.
બાય ધ વેઃ
કોંગ્રેસ અને ભાજપા – બન્ને સરકારોએ આ કરુણ ઘટનાને કોઇ ક્લોઝર આપવાની કે કોઇ અંત આપવાની પહેલ કરી હોય તેવું નથી લાગતું, આ મુદ્દો સળગતો રહે છે અને તેની પર રાજનીતિ ખેલાતી રહે છે. ઇસ્લામોફોબિયા, હેટ પોલિટિક્સ આ બધું આપણા દેશની ફિતરત બને તેની ભીતિ અકળાવી દે તેવી છે. જે દેખાય છે તે પણ ગમે તેવું તો નથી જ. કાશ્મીરી પંડિતોની વાપસી, પુનઃસ્થાપન અને સમાધાન જરૂરી છે પણ આ મુદ્દાઓને તો ફિલ્મમાં પણ મહત્ત્વ નથી અપાયું. વળી એક મીડિયા હાઉસે જ્યારે RTI કરી કે ખરેખર કેટલા કાશ્મીરી પંડિતોનું પુનઃસ્થાપન કરાયું ત્યારે તેના જવાબમાં ઊંડી વેરાન ખીણમાં હોય એવો સન્નાટો જ મળ્યો હતો.