એક મહત્વપૂર્ણ ચુકાદામાં બોમ્બે હાઈકોર્ટે ઠરાવ્યું છે કે જો કોઈ પત્ની તેના પતિને તેના મિત્રોની સામે અપમાનિત કરે છે, તેની સાથે સેકસ કરવાનો ઇનકાર કરે છે અને તેના પર લગ્નેત્તર સંબંધોના પાયાવિહોણા આરોપો લગાવે છે, તો આવું વર્તન “ક્રૂરતા” સમાન છે અને હિન્દુ લગ્ન કાયદા હેઠળ છૂટાછેડા માટે માન્ય આધાર છે.
ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને ન્યાયાધીશ ડૉ. નીલા ગોકલેની ડિવિઝન બેન્ચે ગુરુવારે તા. 17 જુલાઈએ આ ચુકાદો આપ્યો હતો. કોર્ટ એક મહિલા દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેણે પુણે ફેમિલી કોર્ટના નવેમ્બર 2019ના નિર્ણયને પડકાર્યો હતો. તેના નિર્ણયમાં પુણે ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા લેવાની મંજૂરી આપી હતી.
લગ્નના એક વર્ષમાં છૂટાછેડા
આ દંપતીએ ડિસેમ્બર 2013 માં લગ્ન કર્યા હતા પરંતુ પરસ્પર મતભેદોને કારણે એક વર્ષમાં જ અલગ થઈ ગયા હતા. જુલાઈ 2015 માં મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં માનસિક ત્રાસ આપવા, સ્ત્રીધનને રાખવા અને ઘરમાંથી કાઢી મૂકવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જોકે, બાદમાં મહિલાએ ફેમિલી કોર્ટમાં ‘વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના’ માટે અરજી દાખલ કરી, જેમાં જણાવ્યું હતું કે તે લગ્નનો અંત લાવવા માંગતી નથી. તેના બદલે પતિએ ક્રૂરતા અને ત્યાગના આધારે છૂટાછેડા માટે અરજી કરી હતી.
પતિએ લગાવ્યા ગંભીર આરોપ
પતિએ કોર્ટને જણાવ્યું કે પત્નીએ તેની સાથે સેક્સ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેના મિત્રોની સામે તેનું અપમાન પણ કર્યું હતું, તેના પર લગ્નેત્તર સંબંધ હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. પતિએ કોર્ટને જણાવ્યું હતું કે પત્ની તેની અપંગ બહેન સાથે અમાનવીય વર્તન કરતી હતી, જેના કારણે તેનું સ્વાસ્થ્ય બગડતું હતું. એટલું જ નહીં તેણીએ ઓફિસ સ્ટાફ સાથે પણ ગેરવર્તન કર્યું હતું જેના કારણે પતિ માનસિક રીતે પરેશાન હતો.
હાઇકોર્ટે પત્નીની અપીલ ફગાવી દીધી
2019માં પુણે ફેમિલી કોર્ટે પત્નીની અરજી ફગાવી દીધી અને પતિને છૂટાછેડા આપી દીધા. આની સામે મહિલાએ 2021માં બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી અને દર મહિને 10,000 રૂપિયા ભરણપોષણની પણ માંગ કરી. હાઇકોર્ટે મધ્યસ્થી દ્વારા બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા પરંતુ તે સફળ થયું નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બંને વચ્ચે સમાધાનની કોઈ શક્યતા નથી અને કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવાના આધારે પત્નીના આરોપો ખોટા હોવાનું જાણવા મળ્યું.
કોર્ટની ખાસ ટિપ્પણી
કોર્ટે કહ્યું, પતિના કર્મચારીઓ સાથે પત્નીનું વર્તન, તેના મિત્રો સામે પતિનું અપમાન કરવું અને લગ્નેત્તર સંબંધોના ખોટા આરોપો ચોક્કસપણે માનસિક યાતનાનું કારણ બને છે અને ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. પતિ સાથે સેક્સ કરવાનો ઇનકાર કરવો અને અપંગ બહેન પ્રત્યે ઉદાસીનતા પણ માનસિક ત્રાસનું કારણ બને છે. તેથી કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને મહિલાની અપીલ ફગાવી દીધી અને દર મહિને 10,000 રૂપિયા ભરણપોષણની તેની માંગણી પણ ફગાવી દીધી.