જેના અંગે ઘણા લાંબા સમયથી અને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો તે બૈજિંગ વિન્ટર ઓલિમ્પિકનો આરંભ ચોથી ફેબ્રુઆરીથી ચીનના બૈજિંગ શહેર અને તેના આજુબાજુના વિસ્તારોમાં થઇ ગયો છે. આ શિયાળુ વૈશ્વિક રમતોત્સવના આરંભ સાથે તેને લગતા વિવાદો વધી રહ્યા છે અને ચીન તેની રાબેતા મુજબની ટેવ પ્રમાણે એક જીદ્દી અને જક્કી દેશ તરીકેનું વર્તન કરી રહ્યું છે એટલું જ નહીં એથલેટો તરફથી આવેલી ફરિયાદો ચીનને એક ફુવડ રાષ્ટ્ર તરીકે પણ દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે. આમ તો વિન્ટર ઓલિમ્પિક ૨૦૨૨ને ચીનના બૈજિંગ શહેરમાં યોજવા માટેની મંજૂરી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસીએશન દ્વારા ૨૦૧૫માં મલેશિયાના કુઆલાલુમ્પુર ખાતેના આ કાર્યક્રમ વખતે જ આપી દેવાઇ હતી.
પરંતુ બાદમાં ૨૦૧૯માં ચીનથી કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો, વળી શિનજીયાંગ પ્રાંતમાં યુઘુર મુસ્લિમો પર થતા અત્યાચારોની પણ કંપાવનારી વિગતો બહાર આવી, વિશ્વના અનેક દેશો અને પ્રદેશો સાથે ચીનનું માથાભારે પ્રકારનું વર્તન છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધ્યું છે અને આવા માહોલમાં ચીનના બૈજિંગ ખાતે યોજાનાર આ વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાનું અમેરિકા અને અન્ય કેટલાક દેશોએ નક્કી કર્યું અને આ વિન્ટર ઓલિમ્પિક અંગે એક મોટો વિવાદ ઉભો થઇ ગયો. આ શિયાળુ વૈશ્વિક રમતોત્સવ શરૂ થવાના પહેલા જ બૈજીંગ અને તેની આજુબાજુના વિસ્તારોમાં કોવિડના વધેલા કેસો પણ એક મોટી ચિંતાની બાબત બની રહી છે. વર્ષ ૨૦૨૨ની વિન્ટર ઓલિમ્પિક એ ચીનમાં પ્રથમ વિન્ટર ઓલિમ્પિક છે અને કુલ મળીને ત્રીજો ઓલિમ્પિક રમતોત્સવ ચીનમાં યોજાઇ રહ્યો છે. અને આ સતત ત્રીજો ઓલિમ્પિક રમતોત્સવ છે કે જે પૂર્વ એશિયામાં યોજાઇ રહ્યો છે.
આ પહેલા ૨૦૧૮નો વિન્ટર ઓલિમ્પિક રમતોત્સવ દક્ષિણ કોરિયાના પીયોંગચાંગ ખાતે યોજાયો હતો, જેના પછી ૨૦૨૦નો મુખ્ય અથવા તો સમર ઓલિમ્પિક જાપાનના ટોકિયો શહેરમાં યોજાયો હતો. જો કે ટોકિયોના ઓલિમ્પિક અંગે મોટો વિવાદ રોગચાળાની સ્થિતિ અંગે ઉભો થયો હતો. ટોકિયોમાં ઓલિમ્પિકનો સમય આવ્યો ત્યારે કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો આખા વિશ્વમાં જોર પકડી ચુક્યો હતો. સ્થાનિક પ્રજામત વ્યાપકપણ એવો હતો કે આવા રોગચાળાના માહોલમાં ટોકિયો શહેરમાં આ રમતોત્સવ યોજવામાં નહીં આવે અને તે રદ કરવામાં આવે. પરંતુ જંગી સ્ટેડિયમો બાંધવા સહિતની અનેક તૈયારીઓ કરી ચુકેલી જાપાનીઝ સરકાર આ રમતોત્સવ જતો કરવા તૈયાર ન હતી અને છેવટે પ્રેક્ષકોની હાજરી વિના આ રમતોત્સવ યોજવામાં આવ્યો. આ રમતોત્સવ વખતે રોગચાળાને લગતો જેવો વિવાદ હતો તેવો જ વિવાદ હવે બૈજિંગના શિયાળુ ઓલિમ્પિક અંગે પણ ઉભો થયો છે. ચીનની ઝીરો કોવિડ કેસની નીતિ અને તે માટેના ધમપછાડા છતાં પણ કોરોનાવાયરસના ચેપના કેસો તો ચીનમાં અને તે પણ બૈજિંગ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સર્જાયા જ. ચીનની સરકાર ગમે તે ભોગે આ વિન્ટર ઓલિમ્પિક બૈજિંગમાં યોજવા માગતી હતી અને તેને કારણે તેણે રોગચાળાને કાબૂમાં લેવા માટે સ્થાનિક લોકો સાથે તેની ટેવ મુજબ ભારે સખતાઇ કરવા માંડી. રમતોત્સવ યોજાવાનો હતો તેની આજુબાજુના વિસ્તારોમાં ચીને સખત લૉકડાઉન જેવા નિયંત્રણો લાદ્યા અને લોકોને તેમના ઘરોમાં પૂરાઇ રહેવાની ફરજ પાડી. માનવ અધિકારવાદી જૂથોએ ચીનની નીતિની સખત ટીકાઓ કરી. શિનજિયાંગ પ્રાંતમાં યુઘુર મુસ્લિમો પર અત્યાચારના મુદ્દે તો બેજિ઼ગ ઓલિમ્પિકના બહિષ્કારની જાહેરાત અનેક દેશો કરી જ ચુક્યા હતા ત્યાં આ રોગચાળાને લગતા નિયંત્રણોનો પણ વિવાદ ઉભો થયો. ફક્ત માનવ અધિકાર ભંગના જ કિસ્સાઓનો વિવાદ નથી. ચીનને ખરાબ પ્રકાશમાં મૂકતા બીજા પણ વિવાદો આ વિન્ટર ઓલિમ્પિકને લઇને ઉભા થઇ રહ્યા છે.
યુઘુર મુસ્લિમો અંગે પોતાની થતી ટીકાઓનો જવાબ આપવાના દેખીતા પ્રયાસમાં ચીને આ વિન્ટર ઓલિમ્પિકના ઉદઘાટન પ્રસંગે મશાલ એક યુઘુર મહિલા ખેલાડી પાસે પકડાવી પણ અનેક વિશ્લેષકો આને ચીનનો એક દંભ માને છે. આ યુઘુર ખેલાડીને ધાકધમકીથી મશાલ ધારણ કરવાની ફરજ પાડવામાં આવી હોય એમ પણ માનવામાં આવે છે. ચીનની મથરાવટી જ એવી મેલી છે કે તેના પર આવા આક્ષેપો સ્વાભાવિકપણે થાય જ અને કોઇને પણ તે માની લેવાનું મન થાય. વળી, ઓલિમ્પિક વિલેજમાં પીરસાતા ભોજન અંગેનો પણ એક નવો વિવાદ ઉભો થયો છે.
કોવિડ પોઝિટિવ ખેલાડીઓ માટેની આઇસોલેશન વોર્ડમાં મૂકાયેલા ખેલાડીઓને એવો ખોરાક પીરસવામાં આવે છે કે જે ખાઇ પણ ન શકાય તેવો આક્ષેપ ચીનના જ એક સાથી દેશ રશિયાના એક ખેલાડીએ કર્યો છે અને આ સાથે ચીનની છાપ એક ફુવડ રાષ્ટ્ર તરીકેની પણ ઉભી થઇ છે. બળજબરી, ધાકધમકી, સખત અને કઠોર નિયંત્રણો એ બધી બાબતો ચીનના સામ્યવાદી શાસનમાં સામાન્ય છે અને આ ઓલિમ્પિકમાં આવુ ઘણુ થઇ રહ્યું છે. ચીન ભલે પોતાને એક ઉદાર અને પ્રગતિશીલ દેશ તરીકે રજૂ કરવાના પ્રયાસો કરતુ હોય પરંતુ આવા વિવાદોને કારણે તે વધુને વધુ ઉઘાડુ પડતું જાય છે. હજી ૨૦ તારીખ સુધી બૈજિંગમાં આ વિન્ટર ઓલિમ્પક છે અને ત્યાં સુધીમાં નવા અનેક વિવાદો ઉભા થઇ શકે છે.