ગાંધીનગર : રાજસ્થાનના જોધપુર પર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, જયારે અરબ સાગર પર એક ચક્રવાતી હવાનું દબાણ સક્રિય છે, જેની અસર હેઠળ ગુજરાતમાં 72 કલાક માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટની નોટિસ જારી કરાઈ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ તા.6ઠ્ઠી સપ્ટેના રોજ 24 કલાકની અંદર ડાંગ , નવસારી , વલસાડ , તાપી , દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે. જયારે તા.7મી સપ્ટે.ના રોજ સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં તથા 8મી સપ્ટે.ના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ રેડ એલર્ટ જારી કરાયુ છે. રાજયના અન્ય જિલ્લાઓમાં ભાર વરસાદનું યલ્લો એલર્ટ જારી કરાયુ છે.
શુક્રવારે રાજ્યના 116 તાલુકામાં વરસાદ પડ્યો
આ અગાઉ ગઈકાલે શુક્રવારે તા. 5 સપ્ટેમ્બરે રાજયમાં સરેરાશ 116 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં અરવલ્લીના ધનસુરામાં 4.37 ઈંચ , મહીસાગરના કડાણામાં 2.68 ઈંચ , જુનાગઢના વિસાવદરમાં 2.4 ઈંચ , ગીર સોમનાથના સુત્રાપાડામાં 2.09 ઈંચ , મહીસાગરના લુણાવાડામાં 2.01 ઈંચ,પાટણ વેરાવળમાં 1.69 ઈંચ , અમરેલીના બગસરામાં 1.42 ઈંચ અને દાહોદમાં 1.3 ઈંચ વરસાદ થયો હતો.
રાજયમાં છેલ્લા 24 કલાકની અંદર 31 જિલ્લાના 195 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પંચમહાલના જાબુંઘોડામાં 7 ઈંચ અને બોડેલીમાં 6.46 ઈંચ ભારે વરસાદ થયો હતો.
સરદાર સરોવર ડેમ 91 ટકા ભરાયો
સરદાર સરોવર નર્મદા ડેમમાં 91.46 ટકા જેટલો જળ સંગ્રહ થયેલો છે. જેમાં ડેમમાં પાણીની આવક 514179.38 કયૂસેક છે , જયારે જાવક 426548 કયૂસેક છે. રાજયમાં 85 ડેમ 100 ટકા છલોછલ ભરાયેલા છે. જયારે 118 ડેમ પર હાઈએ એલર્ટની નોટિસ ઈશ્યુ કરાઈ છે. રાજયમાં ચોમાસાની ખરીફ મોસમમાં 82 લાખ હેકટરમાં એટલે કે 96 ટકા વાવેતર થઈ ચૂકયુ છે. જેમાં મગફળીનું 22 લાખ હેકટર સાથે 125 ટકા અને કપાસનું 20 લાખ હેકટરમાં 82 ટકા વાવેતર થઈ ચૂકયુ છે.