નડિયાદ: નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના મોબાઈલ પર છેલ્લાં કેટલાક દિવસોથી એક અજાણ્યો શખ્સ અવારનવાર ફોન કરતો હતો. આ અજાણ્યો ઈસમ તેના પાસપોર્ટનું અટકેલું કામ કઢાવવા માટે પાસપોર્ટ ઓફિસમાં ધારાસભ્ય ભલામણ કરે તેવું ઈચ્છતો હતો. જોકે, ધારાસભ્યએ આવી ખોટી ભલામણ કરવાની સ્પષ્ટ ના પાડી દેતાં, ફોન કરનાર અજાણ્યો શખ્સ એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે જુહાપુરા મુસ્લિમોને એકે-47 રાઈફલ સાથે બોલાવી, જુલુસ કાઢવાની ધારાસભ્યને ટેલિફોનિક ધમકીઓ આપી હતી.
આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ધારાસભ્યને ધમકીઓ આપનાર શખ્સને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યાં અનુસાર, આણંદના સલાટીયા રોડ પર આવેલ હાનીયા પાર્ક સોસાયટીમાં રહેતો વસીમ ઈલ્યાસભાઈ વ્હોરા પાન-મસાલા વેચી ગુજરાન ચલાવે છે. તેના બહેન અને બનેવી સાઉથ આફ્રિકા ખાતે રહેતાં હોવાથી વસીમે પણ ત્યાં જવા તૈયારીઓ શરૂ કરી હતી. જે માટે તેણે પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરી હતી. જોકે, કોઈ કારણોસર તેના પાસપોર્ટની કામગીરી અટકી ગઈ હતી. જેથી વસીમ વ્હોરાએ આ માટે નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની ભલામણ થકી આ કામ ઝડપથી કરાવવાનું નક્કી કર્યું હતું.
જોકે, વસીમ પાસે ધારાસભ્ય પંકજભાઈનો નંબર ન હતો. જેથી તેણે ગુગલ પરથી નંબર મેળવી ધારાસભ્ય પંકજભાઈને ફોન કર્યો હતો. પરંતુ, પંકજભાઈ દેસાઈએ આવી ખોટી ભલામણો કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમછતાં વસીમ અવારનવાર ધારાસભ્ય પંકજભાઈને ફોન કરી પાસપોર્ટ ઓફિસમાં ભલામણ કરવા દબાણ કરતો હતો. જોકે, પંકજભાઈ ટસના મસ થયાં ન હતાં. જેથી રોષે ભરાયેલાં વસીમ વ્હોરાએ ગત તા.૭મી જુલાઇ, 22ના રોજ પંકજભાઈ દેસાઈને ફોન કરી, જુહાપુરાથી એકે-47 રાઈફલ સાથે મુસ્લિમોને બોલાવી, શહેરમાં તેમનું જુલુસ કાઢવાની ધમકીઓ આપી હતી. આ મામલે જૈનિલ પંચાલ દ્વારા નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને ધારાસભ્યને ધમકીભર્યાં ફોન કરનાર વસીમ ઈલ્યાસભાઈ વ્હોરાને ગણતરીના કલાકોમાં જ આણંદ ખાતેથી ઝડપી પાડી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.