રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કર્યો અને દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. રશિયા – યુક્રેનના યુદ્ધ વિશે ઘણી વાતો સાંભળી પણ શું તમને યુરોપના બીજા નંબરના સૌથી મોટા દેશ યુક્રેન વિશે એવી ખબર છે કે આ દેશ શિક્ષણ અને ટેક્નોલોજીમાં ખૂબ જ એડવાન્સ છે? ચાલો જાણીએ આજે યુક્રેન વિશે… યુક્રેન 6 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. રશિયા પછી યુક્રેન યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે. દેશની રાજધાની કિવ છે, જે અહીંનું સૌથી મોટું શહેર પણ છે. તેની પૂર્વ-ઉત્તરમાં રશિયા, ઉત્તરમાં બેલારુસ, પોલેન્ડ, સ્લોવાકિયા, પશ્ચિમમાં હંગેરી અને દક્ષિણમાં કાળો સમુદ્ર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ યુક્રેન વિશ્વનો 46મો સૌથી મોટો દેશ છે. વસ્તીની ગીચતા વિશે વાત કરીએ તો અહીં પ્રતિ ચોરસ કિલોમીટર 75 લોકો રહે છે. યુક્રેનની વસ્તી 44 મિલિયન છે. યુરોપમાં આઠમો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો દેશ છે. દોનેત્સ્ક ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ રાજધાની કિવમાં રહે છે. યુક્રેનમાં લગભગ 28.96 મિલિયન લોકો શહેરોમાં રહે છે અને 12.63 મિલિયન લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.
યુક્રેનમાં 40 તો ભાષાઓ અને બોલીઓ બોલાય છે! અહીંની રાષ્ટ્રીય ભાષા યુક્રેનિયન છે, સાથે સાથે કેટલીક જગ્યાએ રશિયન ભાષા પણ બોલાય છે. આ ઉપરાંત પૂર્વ યિદ્દિશ, રુસિન, રોમાનિયન, બેલારુસિયન, ક્રિમિઅન તતાર, બલ્ગેરિયન, હંગેરિયન, પોલિશ, આર્મેનિયન અને અન્ય ઘણી ભાષાઓ અને બોલીઓ અહીં સાંભળવા મળે છે. 2001ની વસ્તી ગણતરી મુજબ, યુક્રેનની લગભગ 67% વસ્તી યુક્રેનિયન બોલે છે, જ્યારે 30% વસ્તી રશિયન બોલે છે. ઘણા રશિયન બોલતા નાગરિકો દેશના પૂર્વ ભાગમાં એટલે કે રશિયન સરહદની નજીક રહે છે. રિલિજિયન જોઈએ તો, ખ્રિસ્તીઓ સૌથી વધુ છે, પછી ઇસ્લામમાં માનનારા લોકો છે. હા, અહીંની એક ખાસિયત છે – યુક્રેનમાં નાસ્તિકોની પણ કમી નથી!
યુક્રેનની બહુમતી વસ્તી ખ્રિસ્તી છે. PEW રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, અહીંના 83.9 % લોકો (3.65 કરોડ) ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ કરે છે. 1.2 % (5.22 લાખ) લોકો ઇસ્લામના અનુયાયીઓ છે. યહૂદી ધર્મમાં માનનારા લોકોની સંખ્યા 43 હજાર એટલે કે 0.1 % છે. 14.8 % (64.41 લાખ ) લોકો એવા છે જેઓ કોઈ પણ ધર્મમાં માનતા નથી. આટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રના આંકડા દર્શાવે છે કે યુક્રેનનો સાક્ષરતા દર 99.8 % છે. તે વિશ્વમાં સૌથી વધુ સાક્ષર વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે. UNESCOના 2016ના આંકડા દર્શાવે છે કે યુક્રેનમાં 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના 99.76% લોકો વાંચી અને લખી શકે છે. પુખ્ત પુરુષોમાં સાક્ષરતા દર 99.79 % છે, જ્યારે સ્ત્રીઓમાં તે 99.74 % છે. યુવાનોનો સાક્ષરતા દર 99.76 % છે. અલબત્ત, યુક્રેનનો સાક્ષરતા દર વિશ્વમાં ચોથો શ્રેષ્ઠ છે.
અહીં અભ્યાસનું વાતાવરણ છે, તેથી જ દર વર્ષે વિશ્વભરમાંથી લાખો વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. અહીં શિક્ષણ પણ સસ્તું છે, જેના કારણે વિદ્યાર્થીઓ આ દેશ તરફ આકર્ષાય છે. યુક્રેનની મહિલાઓ વિશ્વમાં સૌથી સુંદર ગણાય છે. ટ્રાવેલર્સ ડાયજેસ્ટની ટોપ ટેન મોસ્ટ બ્યૂટીફુલ કન્ટ્રીઝની યાદી અનુસાર યુક્રેનને વિશ્વની સૌથી સુંદર મહિલાઓ ધરાવતો દેશ માનવામાં આવે છે. અહીંની મહિલાઓ માત્ર સૌંદર્યમાં જ આગળ નથી પરંતુ પુરુષ સમોવડી છે. પુરુષો સાથે કામ કરવાની તેમની ભાગીદારી માટે જાણીતી છે. અહીં ઘરના કોઈ પણ કામથી લઈને સંસદ સુધી મહિલાઓ પુરુષો સાથે જવાબદારી વહેંચે છે. યુક્રેન ટ્રાવેલની દૃષ્ટિએ પણ ખૂબ સુંદર દેશ છે. ભલે હજુ એટલો ફેમસ નથી પણ અહીં કુદરતી સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયું છે. પહેલાં વાત કરીએ ધ ટનલ ઑફ લવ ક્લેવેનની. ઉત્તર-પશ્ચિમ યુક્રેનમાં એક રેલવેલાઇન છે, જે પૃથ્વી પરના સૌથી રોમેન્ટિક સ્થળ તરીકે ઓળખાય છે. આ કુદરતી રેલ ટનલ બંને બાજુએ વૃક્ષોથી બનેલી લીલી કમાનોથી ઘેરાયેલી છે.
સ્થાનિક દંતકથાઓ અનુસાર, અહીં આવનાર યુગલોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. યુક્રેનમાં વિશ્વનું સૌથી ઊંડું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આર્સેનાલ્ના, કિવની સ્વિયાટોશિન્સકો-બ્રોવર્સ્કા મેટ્રો લાઇન પરનું સ્ટેશન, જમીનથી 105.5 મીટર નીચે આવેલું છે. સ્ટેશન પર જવા માટે એસ્કેલેટર પર પાંચ મિનિટ ઊભા રહેવું પડે છે! યુક્રેનને ઐતિહાસિક વારસાનો દેશ પણ કહેવામાં આવે છે. આ દેશમાં એવાં 7 સ્થળો છે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ લિસ્ટમાં સામેલ છે. આમાં સૌથી પ્રખ્યાત કિવમાં આવેલું સેન્ટ સોફિયાનું કેથેડ્રલ અને લ્વીવનું ઐતિહાસિક કેન્દ્ર છે. યુક્રેન એરોપ્લેન ટેક્નોલોજીમાં ખૂબ આગળ છે. અહીં વિશ્વનું સૌથી મોટું વિમાન બનાવવામાં આવ્યું છે. An-225 એ અત્યાર સુધીનું સૌથી ભારે વિમાન છે, જેનું મહત્તમ ટેક-ઓફ વજન 710 ટન છે. આ વિમાનની પાંખનો વિસ્તાર સૌથી મોટો છે. પહેલો ગેસ લેમ્પ યુક્રેનમાં મળી આવ્યો હતો. તેની શોધ 1853માં ફાર્માસિસ્ટ જાન ઝેહ અને ઇગ્નેસી ઉકાસીવિઝ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વનું સૌથી લાંબું સંગીત વાદ્ય યુક્રેનનું છે. તે પાઇપના ટુકડા જેવું છે, જેને ટ્રેમ્બીટા કહેવામાં આવે છે.
યુક્રેનિયન લોકો આતિથ્ય માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. અહીંના લોકો મહેમાનોનું આતિથ્ય દિલથી કરે છે. અહીંની લોકપ્રિય રમત ફૂટબોલ છે. યુક્રેનનો ઝંડો વાદળી અને પીળો એમ બે રંગોથી બનેલો છે. પીળો અનાજનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે વાદળી આકાશને દર્શાવે છે. અહીંનો રાષ્ટ્રીય પોશાક વૈશ્યવંકા છે. આ પોશાક તેનાં ભરતકામ માટે ખાસ ઓળખ ધરાવે છે. યુક્રેન ખાસ કરીને તેની વિવિધ પ્રકારની બ્રેડ માટે પ્રખ્યાત છે. યુરોપના અન્ય દેશોમાં પણ મોટા પાયે નિકાસ કરે છે. વિશ્વમાં ત્રીજું સૌથી વધુ મુલાકાત લેવાયેલ મેકડોનાલ્ડ્સ કિવના ટ્રેન સ્ટેશનની નજીક છે. આ રેસ્ટોરાં વિશ્વની ટોચની પાંચ સૌથી વધુ ભીડવાળા મેકડોનાલ્ડ્સમાં સામેલ છે. અહીંના ઇસ્ટર એગ્સ ખૂબ જ ખાસ છે. જેના પર રંગબેરંગી કોતરણી હાથથી કરવામાં આવે છે.
શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સંઘે અણુ બોમ્બ અને મિસાઇલો તૈનાત કરી હતી જે તેમને યુક્રેન સુધી લઇ જતી હતી. યુક્રેન તે સમયે તેનો એક ભાગ હતું. સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તે સમયે યુક્રેનમાં લગભગ 5000 પરમાણુ હથિયારો તૈનાત હતાં. 1993 સુધીમાં યુક્રેન પાસે US અને રશિયા પછી સૌથી વધુ પરમાણુ શસ્ત્રો હતાં પરંતુ વધુ સારા સંબંધોની ઇચ્છામાં યુક્રેને પરમાણુ શસ્ત્રોનો તમામ સ્ટોક રશિયાને આપી દીધો હતો. એ વખતે ઘણા નિષ્ણાતોએ કહ્યું હતું કે યુક્રેન ઉતાવળ કરી રહ્યું છે.
1991માં સોવિયત સંઘના વિઘટન પછી પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના સંબંધો સુધરવા લાગ્યા હતા. જે દેશો સોવિયેત યુનિયનના સભ્ય હતા તેઓ આર્થિક રીતે ઘણા નબળા પડી ગયા હતા. તેને પશ્ચિમના આર્થિક અને વ્યાવસાયિક સમર્થનની જરૂર હતી અને તેના બદલામાં તેણે શાંતિ અને લોકશાહીનો માર્ગ પસંદ કરવાનો હતો. રશિયા સહિત મોટા ભાગના દેશો આ માર્ગ પર નીકળ્યા હતા. તે સમયે યુક્રેને પરમાણુ હથિયારોને ખતમ કરવાની તૈયારી શરૂ કરી હતી. કિવ અને મોસ્કો બંનેને આશા હતી કે આ નિર્ણયથી પરસ્પર સંબંધો સારા રહેશે.
યુક્રેનની એક તરફ ખૂબ જ ફળદ્રુપ મેદાની વિસ્તાર છે, તો બીજી તરફ પૂર્વમાં મોટા ઉદ્યોગો આવેલા છે. તેમાં સારી ખેતીલાયક જમીન અને અનુકૂળ આબોહવા છે, જે સારો પાક આપે છે. અહીં અનાજ અને બટાકાનું ઉત્પાદન યુરોપમાં સૌથી વધુ થાય છે. યુક્રેન સૂર્યમુખી તેલના વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. આ સાથે અહીંની કાળી માટી ઘઉં તેમજ અન્ય પાક માટે પણ યોગ્ય છે. યુક્રેન તેના ઘઉંના પાકના ઉત્પાદન માટે ‘યુરોપની બ્રેડ બાસ્કેટ’ તરીકે ઓળખાય છે. તે વિશ્વના ટોચના ઘઉં ઉત્પાદક દેશોમાં સામેલ છે.
સૂર્યમુખીના ઉત્પાદનના સંદર્ભમાં યુક્રેન રશિયાને પાછળ છોડે છે. જો આપણે યુક્રેનના સૂર્યમુખીની ખેતીના કદને કોઈ સાથે સરખાવવું હોય તો તેનો કુલ વિસ્તાર સ્લોવેનિયા જેવા એક દેશ જેટલો થાય છે. સમગ્ર યુરોપમાં યુક્રેન સૌથી ગરીબ દેશ છે. ગરીબી ઉપરાંત ભ્રષ્ટાચાર આ દેશની સૌથી મોટી સમસ્યા છે. તેનું રેન્કિંગ વિકાસશીલ દેશમાં કરવામાં આવે છે. યુક્રેન વિશ્વના સૌથી મોટા અનાજ સપ્લાયર્સમાંનું એક છે. યુક્રેન પાસે યુનાઈટેડ નેશન્સ, કાઉન્સિલ ઓફ યુરોપ જેવી મોટી સંસ્થાઓનું સભ્યપદ છે. માનવ વિકાસ સૂચકાંકમાં યુક્રેન 74મા ક્રમે છે. 2019માં યુક્રેને બંધારણમાં સુધારો કરીને પોતાને યુરોપિયન યુનિયન અને નાટો સૈન્ય સંગઠનનો એક ભાગ હોવાનું જાહેર કર્યું. આનાથી રશિયા વધુ ગુસ્સે થયું હતું. આજની આ લડાઈ આના કારણે જ છે.