શહેરમાં બહારથી આવતા લોકોને ફરજિયાત છેલ્લા 48 કલાકમાં કરાવાયેલો આરટીપીસીઆર રિપોર્ટ રજૂ કરવો ફરજિયાત છે, ત્યારે હવે ધીમે ધીમે ધબકતા થયેલા સુરત એરપોર્ટ ઉપર સુરત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એરપોર્ટ ખાતે આવતા મુસાફરો કે જેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ મૂકાવ્યા હશે તેઓને આરટીપીસીઆર રિપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સુરત એરપોર્ટથી ફ્લાઇટ ઓપરેટ કરતી એરલાઇન્સના સ્ટેશન મેનેજર્સ સાથે મીટિંગ થઇ હતી. જેમાં આ મુદ્દે મનપાને રજૂઆત કરવા નકકી કરાયા બાદ રજૂઆત થઇ હતી જેને મનપા કમિશનરે માન્ય રાખી હતી.
અમદાવાદ મનપામાં 6 સહિત રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. નવા કેસમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 6, વડોદરા મનપામાં 5, સુરત ગ્રામ્ય-મનપામાં 3-3, જ્યારે અમદાવાદ ગ્રામ્ય, દાહોદ, ગીર સોમનાથ જામનગર ગ્રામ્ય, નવસારીમાં 1-1 નવો કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાના 27 દર્દીઓ સાજા થતાં, અત્યાર સુધી કુલ 8,14,885 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સાજા થવાનો રીકવરી રેટ 98.76 ટકા રહ્યો છે.
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 178 થઈ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 171 દર્દીઓ સ્ટેબલ છે.શુક્રવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 18-45 વર્ષ સુધીના 3,81,507 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 22,233ને બીજો ડોઝ, તેવી જ રીતે 97 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 4,726 બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 1,27,356 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 61,829ને બીજો ડોઝ મળી કુલ 5,97,748 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,91,88,409 વ્યક્તિને રસી આપવામાં આવી છે.