અમુકતમુક નેતાના ભાષણને અતિશય ભડકાવનારું યા બંધારણના આત્મા વિરુધ્ધ ગણાવીને એમની તુલના સમગ્ર દેશને હેરાનપરેશાન કરનાર શનિ સાથે કરવી, પહેલાંના રાજાની રાણી બહેરી/બોબડી યા લૂલી/લંગડી હોય એની કૂખેથી જે દીકરો પેદા થતો તે રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી બને છે એવી છેડેચોક જીભ ચલાવવી, ઘમંડી નેતાઓ પહેલાં સમાજ, જ્ઞાતિ, ધર્મ વિશે વાણીવિલાસ કરે ત્યાર બાદ માફી માગે છે એવા વાણીશૂરાઓને જડબાંફાડ જવાબ આપવા, ભ્રષ્ટાચારીના જપ્ત કરેલા રૂપિયા તથા કલ્યાણકારી યોજનાઓના લાભ વચેટિયા વિના અને લાંચ રૂશ્વત આપ્યા વિના હકદારોને જરૂર અપાવીશું એવું સંબોધન ચૂંટણી સભામાં કરવું, અસંતુષ્ટોનો વિરોધ વંટોળ અને આક્રમકતા થાળે પાડવા એમના મનામણાં માટે બંધારણે બેઠકો યોજવી અથવા ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવવી વિગેરે અધમાચાર, બખડજંતર, ખટપટખોરી, ચાળાચટકા સાંપ્રત રાજનીતિમાં સ્પષ્ટ જણાય છે.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ ડોક્ટરો ઘણા છે
‘ગુજરાતમિત્ર’માં સુરત ગ્રામ્ય વિસ્તારમાં બોગસ તબીબોને ચુંગાલમાં લેવા સર્ચ ઓપરેશન હાથ ધરાશે એવા સમાચાર પ્રકાશિત થયા તે આવકારદાયક છે. ઘણાં વર્ષોથી આ સમગ્ર જિલ્લામાં ફેલાયેલું છે. શિક્ષાત્મક કાર્યવાહીના અભાવે ગ્રામ્ય સ્તરે વ્યાપક દૂષણ જોવા મળે છે. કોઈ પણ પ્રકારની મેડિકલ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરી આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. સઘન તપાસ જિલ્લા આરોગ્ય કરે તો અધિકૃત કરતાં બિનઅધિકૃત ડોક્ટરો વધારે છે. આશા રાખીએ યોગ્ય કાર્યવાહી થશે?
બારડોલી – જય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.