Gujarat

રાજ્યની નવી ટેક્સટાઈલ પોલિસી 2024 જાહેર, જાણો પોલિસી વિશે સુરતના વીવર્સે શું કહ્યું…

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001થી રાજ્યનું શાસન દાયિત્વ સંભાળીને નીતિ આધારિત વિકાસનો મજબૂત પાયો નાંખીને ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવ્યું છે. તેમના સફળ સુશાસનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી ‘વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે.

આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત આજે તા. 15 ઓક્ટોબરે ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરી છે.

મુખ્યમંત્રી વિજય મુહૂર્તમાં 12.39 કલાકે નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી છે. 10 વર્ષ બાદ ગુજરાતમાં નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર થઈ છે. આ પોલિસી હેઠળ 10થી 35 ટકા સુધીની કેપિટલ સબસીડીની જોગવાઈ કરાઈ છે. વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં 5થી 6 ટકા હતી તે હવે વધારીને 5થી 7 ટકા કરવામાં આવી છે. પાવર સબસિડી યુનિટ દીઠ 1 રૂપિયો કરાઈ છે. ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે.

ગ્રામીણ મહિલાઓ માટે વધુ લાભ જાહેર કરાયા
આ અગાઉ વર્ષ 2012માં ટેક્સટાઈલ પોલિસી જાહેર થઈ હતી. એક દાયકા બાદ નવી પોલિસી જાહેર થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા 12 વર્ષમાં ગુજરાતમાં 35 હજાર કરોડનું રોકાણ થયું છે. ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી દેશમાં 25 ટકાનો ફાળો આપે છે. નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન અપાયું છે. નવી પોલિસી હેઠળ આગામી વર્ષોમાં 30 હજાર કરોડનું રોકાણ આવે તેવી સંભાવના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી છે. નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બનાવાશે.

ગુજરાત ટેક્ષટાઇલ પોલીસી 2024 ન ભૂતો ન ભવિષ્યતિ સમાન: મયુર ગોળવાલા, વીવર્સ અગ્રણી
સુરતના વીવીંગ ઉદ્યોગના આગેવાન અને સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સેક્રેટરી મયુર ગોળવાલાએ ગુજરાત સરકારની ટેક્ષટાઇલ પોલિસીના પ્રતિસાદમાં જણાવ્યું કે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારે આજે જે ટેક્ષટાઇલ પોલીસી 2024 જાહેર કરી છે એ ન ભૂતો ન ભવિષ્યતિ સમાન છે.

પહેલીવાર વેવિંગ ઉદ્યોગને એક્ટિવિટી બે માં દર્શાવી ગુજરાત સરકારે ગુજરાતમાં ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરનારાઓને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી અલગ અલગ કેટેગરીમાં આપવાનું એલાન કર્યું છે. સાથે ઇલેક્ટ્રીસિટી ટેરીફ સબસિડી પ્રતિ યુનિટ એક રૂપિયો અને ઇન્ટરેસ્ટ સબસિડી પણ ચાલુ રાખી છે.

ટેક્ષટાઇલ ઉદ્યોગકારો માટે આ ગેમચેન્જર પુરવાર થશે. આ પોલીસી ની જાહેરાત થવાથી મહારાષ્ટ્ર નવાપુર તરફ જતા ટેક્સટાઇલ ઉદ્યોગકારો અટકશે. પરંતુ, આ પોલિસીનું અમલીકરણ ઝડપથી થાય તે માટે વહીવટીતંત્રને અપીલ કરું છું. મારી જાણકારી મુજબ હજુ ગઇ ટેક્ષટાઇલ પોલિસીની સેંકડો ફાઇલો મંજૂર થઇને સ્થાનિક ડીઆઇસીમાં પેન્ડીંગ પડી છે, તેના લાભાર્થીઓ ને લાભ વહેલી ટકે મળવો જોઈએ. આથી ગુજરાત સરકારની ઉદ્યોગહિતની પોલિસીની અમલવારી ઝડપથી થાય તેવા પ્રયાસો થવા ખૂબ જરૂરી છે.

વધુમાં 31 ડિસેમ્બર 2023 થી જે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ની પાંચ વર્ષ માટેની સમય મર્યાદા પૂરી થઈ અને છેલ્લા નવ માસનો જે બ્લેક આઉટ પિરિયડ છે તેનું પણ સ્પષ્ટીકરણ હોવું જરૂરી છે.

સુરતના ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાત સરકારનો આભાર માન્યો
ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી અને આ પોલિસી માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહ્યા હતા. ખાસ કરીને ટેક્ષ્ટાઇલની ટફ સબસિડી બંધ હોવાને કારણે ચેમ્બરની માંગ હતી કે રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં અપફ્રન્ટ કેપિટલ સબસિડી આપવામાં આવે.

પીએમ મિત્રા પાર્કને કેટેગરી એકના સમકક્ષ ગણી સૌથી વધુ લાભ આપવામાં આવ્યા છે ત્યારે પીએમ મિત્રા પાર્કમાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને તેનો સૌથી વધુ લાભ મળી રહેશે. ચેમ્બર ઓફ કોમર્સની સતત રજૂઆતને પગલે ફાયબરમાંથી યાર્ન બનાવતા સ્પીનિંગ એકમોને પણ પ્રથમ વખત ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦ર૪માં આવરી લેવામાં આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

Most Popular

To Top