હાલમાં પાકિસ્તાનનું અર્થતંત્ર બરબાદીની ખાઈમાં ગરક થયેલું છે. તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું છે. ઉદ્યોગધંધા ખાડે ગયા છે. વિદેશી મુદ્દા ભંડાર માંડ આઠ દિવસ ચાલે એટલી છે. મોંઘવારી ફાટીને ધુમાડે ચડી છે. સરકાર ઇસ્લામી મિત્ર દેશો પાસે ભીખ માંગી ગાડાં ગબડાવે છે. પાકિસ્તાનને બરબાદ થતું કોઇ બચાવી શકે એમ નથી ! પાકિસ્તાનની આવી હાલત કેમ થઇ? ભારતમાં ઘણા મોદીભકતો ફાંકાબાજી કરે છે અને કહે છે જોયું મોદીજીએ કેવું ઠેકાણે પાડી દીધું ! શું આ મોદીજીની કમાલ છે ? ના ભાઇ ના આ તો જેવી દાનત તેવી બરકત. આઝાદીનાં 75 વર્ષ પાકિસ્તાને સતત ભારત વિરુધ્ધ કાવતરાંઓ કરવામાં જ ધ્યાન દીધું. બહારથી મળતી આર્થિક મદદનો ઉપયોગ આતંકવાદી ટ્રેનીંગના અડ્ડા સ્થાપવામાં કર્યો. પોતાના દેશની પ્રગતિ ઉપર ત્યાંના કોઇ નેતાએ ધ્યાન ન આપ્યું.
બધા સતત ભારત વિરુધ્ધ પ્રજાને ભડકાવી સત્તામાં આવતા રહ્યા. ઉન્માદી પ્રજા ધાર્મિક નારાઓ લગાવી તાળીઓ પાડતી રહી. દેશ બરબાદી તરફ ધકેલાતો ગયો, નેતાઓ દેશની તિજોરી લૂંટી લૂંટીને પરિવાર સહિત લંડન-અમેરિકા ભાગતાં રહ્યાં. એ જ કામ વળી લશ્કરી જનરલો અને અન્ય અધિકારીઓએ કર્યું. 75 વર્ષ પાકિસ્તાનની તિજોરી ઇસ્લામના નામે લૂંટાતી રહી. આજે એ જ કામ હિદુસ્તાનમાં હિદુત્વ અને સનાતન ધર્મના નામે થઈ રહ્યું છે. પાકિસ્તાનની બરબાદી ધાર્મિક ઉન્માદથી થઈ છે. ભારત પણ એ જ માર્ગે છે. પ્રજાએ સમજી જવાની જરૂર છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.