Charchapatra

હકિકતમાં બદલાવની જરૂર છે

આપણા પ્રઘાનમંત્રીએ થોડા દિવસ પહેલા એક સમીટમાં જણાવ્યુ કે ભારતના વિકાસના સઘન પ્રયત્નો અને આપણા અભિપ્રાયની આજે દુનિયા નોંઘ લે છે, જે ભૂતકાળમાં કદી બન્યુ નથી એ સાંભળીને કોઇપણ ભારતીયને ગૌરવ થાય. પરંતુ ભારત દેશ જ્યારે મંદી, રોજગારીનો અભાવ, વઘતી જતી વેપાર ખાઘ, સતત ઘસાતો રહેતો રૂપિયો, આવકની વઘતી જતી અસમાનતા વિગેરે પ્રશ્નો જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એવી આકરી પરિસ્થિતિમાં દેશના થોડા પૂંજીપતિઓ સહિત ઘણાં શિક્ષીત લોકો બહેતર જીવન અને સારા સામાજીક વાતાવરણની અપેક્ષા સાથે આપણો દેશ છોડી અન્ય વિકસીત દેશોમાં સ્થાળાંતર કરી રહ્યા હોય જેની લાંબેગાળે માઠી અસર દેશ પર પડી શકવાની શક્યતા હોય, ત્યારે આપણને વિચાર આવે છે કે સમગ્ર દુનિયા આપણા દેશના કયા પ્રકારના વિકાસની નોંઘ લેતી હશે? વિકાસનો દાવો થઇ રહ્યો છે એનો લાભ પૂંજીપતિઓને મળી રહ્યો છે. આપણા જેવા વિકાસશીલ દેશને જરૂર છે ન્યાત–જાતના ભેદભાવ ભુલી દેશના દરેક વર્ગના લોકોના આર્થિક ઉત્થાનની અને સામાજીક સહકારની, જે લોકોને દેશના વિકાસમાં સહભાગી થવાનુ પ્રોત્સાહન પુરૂ પાડે અને લોકોનો પરદેશનો મોહ ઓછો કરી શકે. મોટી મોટી વાતો અને ઉજ્જવલ ભવિષ્યના સ્વપ્નામાં સીમિત થઇ જતા વક્તવ્યો જમીની હકિકતમાં બદલાવ ન લાવી શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ટ્રમ્પના ટેરિફ યુદ્ધથી વિશ્વમાં ગભરાટનો માહોલ
હાલ ટેરિફ યુદ્ધનો પ્રારંભ થઈ ગયો છે. શેરબજારમાં ખૂબ જ ધોવાણ થઈ રહ્યું છે અનેક દેશોના અર્થતંત્ર ટેરિફ યુદ્ધને પરિણામે હચમચી ગયા છે. ટ્રમ્પના એક પછી એક આક્રમક નિવેદનથી ટેરિફનો ટેરર સ્પષ્ટપણે દેખાય છે. તેની અસર આપણા દેશ પર પણ પડી રહી છે, દુનિયાનાં દરેક દેશોના વિકાસ પર એની અવળી અસર પડ્યા વિના રહેવાની નથી. વૈશ્વિક ટેરીફ યુદ્ધને પરિણામે વૈશ્વિક વૃદ્ધિ રૂંધાશે એમાં શંકાને સ્થાન નથી. ગ્લોબલ ટેરીફ વોરથી દુનિયાના અનેક દેશોમાં હલચલ મચી ગઈ છે. આ આર્થિક લડાઈની અસર છેવાડાના માણસ પર પણ પડ્યા વિના રહેવાની નથી. દરેક દેશના અર્થતંત્ર પર વ્યાપક લાંબાગાળાની અસરો ટેરિફ વોરને પરિણામે જોવા મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે તો ટી-20 મેચ રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દુનિયાના દેશોમાં આર્થિક અવ્યવસ્થા સર્જાશે એ નિશ્ચિત છે. ગભરાટને પરિણામે લોકોનો વિશ્વાસ હચમચી ગયો છે. ભારત સરકાર માટે પડકારજનક પરિસ્થિતિનું સર્જન થયું છે. આ સંજોગોમાં સાવચેતીપૂર્વક આગળ વધીને ભારતના વિકાસને ગતિ આપવાનું ચાલુ રાખ્યા વિના છૂટકો નથી.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top