શિક્ષણના નિર્માણના બદલે હાલ રાષ્ટ્રનો વિકાસ શબ્દ વધારે વાપરવામાં આવી રહ્યો છે. ભારત એક વૈશ્વિક તાકાત તરીકે ઉભરી રહ્યું છે. એવી જાહેરાતો સામે જ ટાઇમ્સ હાયર એજયુકેશન 2023ના વિશ્વની ટોપ યુનિવર્સિટીના લિસ્ટમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી. સને 2012 પછી પહેલી વખત એવું થયું કે ભારતની એક પણ સંસ્થા ટોચની 300 શિક્ષણ સંસ્થાઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. 140 કરોડની વસ્તી ધરાવતી સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ માટે આ શરમજનક વાત ન કહેવાય? ગ્લોબલ પ્લેટફોર્મ પર આર્થિક, રાજકીય, ઔદ્યોગિક અને શૈક્ષણિક સ્તરે પાકિસ્તાન નહીં, ચીન આપણું હરીફ છે.
ચીનની 24 યુનિવર્સિટી ટોપ 300 યુનિવર્સિટીમાં સમાવેશ પામી છે. ચીનની અમુક કોલેજોની એડમિશન લેવા માટેની એન્ટ્રન્સ એકઝામ એટલી કઠીન હોય છે કે આજ સુધી એક વિદ્યાર્થી કે પ્રોફેસર પૂરા માર્કસ લાવી શકયા નથી. ચીન પોતાના શિક્ષણ ક્ષેત્રની લશ્કરી શૈલીથી કાયાપલટ કરવામાં સફળ રહ્યું છે. સિલીકોન વેલીની આઇ.ટી. કંપનીઓમાં સૌથી વધુ સંખ્યા ચીની સંશોધકોની છે. જે ત્યાં સંશોધનની ડિમાન્ડ છે, ડિગ્રીની નહિ. ભારતીય શિક્ષણ સંસ્થાઓ અહીં જ ગોથા ખાતી રહે છે. મુંબઇ, દિલ્હી અને ખડગપુરની આઇઆઇટી સંસ્થાઓમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. પરંતુ બધી આઇઆઇટી ટાઇમ્સ હાયર એજયુકેશનની યાદીમાં 401-500ના સ્લોટમાં પહોંચી ગઇ છે.
જો કે ગયા વર્ષે આ સંસ્થાઓ ટોપ 500માં પણ ન હતી. આઇઆઇટી ગાંધીનગર પહેલી વખત ટોપ 600માં સ્થાન મેળવી શકી છે! નવાઇની વાત છે કે થોડા સમય પહેલાં જે યુનિવર્સિટીના અમુક વિદ્યાર્થીઓને દેશદ્રોહીનું લેબલ અમુક એન્કરો લગાવતા હતા એ યુનિવર્સિટી એટલે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી પહેલી વખત ટાઇમ્સની યાદીમાં આવી! આપણું શિક્ષણનું સ્તર ઘટયું છે, પણ જે યુનિવર્સિટીના અમુક વિદ્યાર્થીઓ ઉપર ભારત વિરોધીના નારા લગાવવાનો આરોપ મુકાયો હતો એ યુનિવર્સિટીનું શૈક્ષણિક સ્તર ઉંચું આવ્યું! શિક્ષણ અને આરોગ્ય રાષ્ટ્ર માટે પાયો છે. કથળતું શિક્ષણ એ રાષ્ટ્રના અને સમાજના પતનની શરૂઆત છે.
પાયામાં લૂણો લાગે તો સમાજ અને દેશની ઇમારત પડી ભાંગે. ભારતની ભાવિ પેઢીઓ મેઘાવી તથા બુધ્ધિ, પ્રભાયુકત શિક્ષણથી વંચિત રહેશે તો દેશનું શું થશે? ભારતે સ્વ અધ્યયન કરવાનું છે કે કયા કારણથી આજની તારીખે એકસફોર્ડ યુનિવર્સિટી ટોચ ઉપર છે? અન્ય દેશો શિક્ષણમાં કેમ મેદાન મારી જાય છે? તક્ષશિલા અને નાલંદા મહાવિદ્યાલયોના ભવ્ય વારસાના માત્ર ગુણગાન ગાવાથી નહીં ચાલે. ભારતીય શિક્ષણને ગ્લોબલ સ્તરે પહોંચાડવાની બધી જ ટ્રેઇનો આપણે ચૂકી ગયા છીએ. પરંતુ દુ:ખની વાત એ છે કે આજકાલ સરકાર અને પક્ષો પ્રચાર રેલીઓને વિક્રમી સફળતા મેળવવામાં વ્યસ્ત છે!
બોટાદ – મનજીભાઇ ડી. ગોહિલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ન ભુલાતો એ હરિપરા-શ્રાવણી મેળો
શ્રાવણ માસમાં સુરતના હાર્દસમા – રૂવાળા ટેકરા – ભવાની રોડ પાસે 8-10 દિવસ સુધી ભરાતો શ્રાવણી મેળાની સ્મૃતિ-યાદો હજી વિસરાય નથી. – ભાગળ શાકમાર્કેટથી પ્રવેશતા જ, વાંસળીવાળાનાં મધુર ગીતો, સરકસનાં જોકરનો પરિવેશ ને બાજુમાં ફોટો સ્ટુડીઓમાં ફેમિલી સાથે, બેકગ્રાઉન્ડમાં સ્કૂટર/મોટર અને મનોરમ્ય દૃશ્યની મઝા કંઈ ઓર જ હતી, જે આજે Instant Mobile / સેલ્ફી ફોટો કરતાં, અનેક ગણો દિલમાં આનંદ આપતા. – રૂવાળા ટેકરા પર સોલાપુરી ચાદર, ચારસા, રંગીન ગોદડાની શ્રેણી ખરીદવાની મઝા આજના Online Shopping જેવી નહિ!!
– સ્ટીલ-પીત્તળનાં વાસણો- રમકડાંની દુકાનો- મનભાવન આઈસક્રીમના સ્ટોલની મુલાકાત અલભ્ય રહી જે આજના Mall Shoppingને પણ ટક્કર મારે એવી હતી, એ સમયે પૈસા ભલે ઓછા હતાં, પણ ખરીદીનો આનંદની સીમા હજુ અકબંધ છે. – ખાણી-પીણીમાં ભેળ-સેવપૂરી-રગડાપેટીસની લિજ્જત અને વિશેષમાં મદ્રાસ કાફેનાં ઈડલી-સંભારની સોડમ, આ હા હા…. લાજવાબ. – ટેકરાની ડાબી તરફ – ચગડોળ મેળો- નાની મોટી ઊંચી નીચીમાં બેસવાનો આનંદ અનેરો હતો ને બાજુમાં મોતના કૂવામાં-જીવસટોસટનાં ખેલ કરતાં- મોટરસાઈકલ વીર-જ્યારે ગોળ ગોળ ફરતો ઉપર આવે ત્યારે તો આખું માળખું હાલે, જે ચિચિયારી પડાવી દેતું હતું! – મારા રાણીતળાવના નિવાસથી, મેળો ખૂબ નજીક, એટલે આખા મેળા દરમ્યાન બે-ત્રણ દિવસ તો દોસ્તો સાથે ફરીએ જ! પણ ખરીદી નહીવત પણ આનંદ-ઉત્સાહ-થોકબંધ!! – આજે પણ વનિતાવિશ્રામ ગ્રાઉન્ડ પર મેળો તો ભરાય છે. પણ કલ્ચર અલગ લાગે છે! ખેર સમયની બલિહારી છે. અસ્તુ!
સુરત – દિપક બી.દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.