દાદાનો ૮૦ મો બર્થ ડે હતો. ઘરના સભ્યો, થોડાં મિત્રો અને પાડોશીઓ નાનકડી પાર્ટીમાં ભેગાં થયાં હતાં.દાદા બહુ ખુશ હતા અને પોતાની જાતે પોતાનું બધું કામ કરતાં…રોજ લાકડી લઈને ચાલવા જતા …છાપું વાંચીને અને ન્યુઝ જોઇને એકદમ અપડેટ રહેતા.દાદાએ મોર્ડન જમાના સાથે પણ દોસ્તી કરી લીધી હતી.મોબાઈલ પણ વાપરતાં અને વિડીયો કોલમાં વાત પણ કરતા. આજે દાદાએ પોતાની ૮૦ મી બર્થ ડે કેક મીણબત્તી બુઝાવીને નહિ, પણ ૮૦ દિવસ કર્યા પછી કાપી.
સાથેસાથે મોહનથાળ પણ બનાવડાવ્યો હતો તે પણ બધાને ખવડાવ્યો.પછી દાદા દરેક વૃધ્ધો પોતાના જીવનની જૂની જૂની વાતો યાદ કરે તેમ પોતાના જીવનની વાતો યાદ કરવા લાગ્યા.ઘણી વાતો થઈ. બધા ધ્યાનથી અને પ્રેમથી દાદાની વાતો સાંભળી રહ્યા હતા…દાદાએ પૂછ્યું, ‘હવે તમને મારે એક પ્રશ્ન પૂછવો છે..જવાબ વિચારીને આપજો.’બધાએ દાદાના પ્રશ્નનો જવાબ આપવાની હા પાડી.દાદાએ પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં વાસ્તવિક ધન કોને કહેવાય? અને હા પહેલાં જ કહી દઉં છું તેમાં કોઈ પૈસા ,બેંક બેલેન્સ,હીરા મોતીની વાત નથી.બધા દાદાનો પ્રશ્ન સાંભળીને વિચારમાં પડી ગયા…અને શું જવાબ આવે તે વિચારવા લાગ્યા …
થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહિ.પછી ધીમે ધીમે એક પછી એક જન જવાબ આપવા લાગ્યા. દાદાના મિત્રે કહ્યું .’વાસ્તવિક ધન છે મિત્રતા …’પુત્રે કહ્યું, ‘ખરું ધન છે પિતાની છત્રછાયા.’… પુત્રીએ આલ્બમ હાથમાં લઈને કહ્યું, ‘જીવનનું ધન છે ખાટીમીઠી યાદો…’પૌત્ર બોલ્યો, ‘ખરું ધન છે પોતાનાનો સાથ.’પાડોશી બોલ્યા, ‘જીવનનનું ધન છે મળેલા અનુભવો..’પુત્રવધૂએ કહ્યું, ‘સાચું ધન છે પ્રેમ ….’દાદા બોલ્યા, ‘વાહ વાહ, મેં કહ્યું વિચારીને જવાબ આપજો તો તો તમે બધા ફિલોસોફર થઇ ગયા.સાચે જ તમે બધાએ જે કહ્યું તે જીવનમાં ધન કરતાં પણ વધુ મૂલ્યવાન છે અને નસીબદારને જ મળે છે.
પણ હું એવા વાસ્તવિક ધનની વાત કરું છું, જે આપણા બધા પાસે છે અને તે એકદમ ચોક્કસ રીતે નિશ્ચિત અને સીમિત છે.વળી આ ધન બધા પાસે છે છતાં દરેક માટે અતિ મૂલ્યવાન છે…અને આ ધન તમે તિજોરીમાં સાચવી શકતાં નથી.’દાદા કયા વાસ્તવિક ધનની વાત કરી રહ્યા છે તે જાણવા બધા આતુર બન્યા.પૌત્રી બોલી, ‘દાદા જલ્દી કહો ને તમે એવા ક્યા વાસ્તવિક ધનની વાત કરી રહ્યા છો.દાદા બોલ્યા, ‘આપણા જીવનમાં કેવળ બે જ વાસ્તવિક ધન છે ..તે છે -‘સમય’અને ‘શ્વાસ’…આ બંને ધન બધા પાસે પોતપોતાનાં છે …કોઈ કોઈનું આંચકી શકતું નથી ..કોઈ કોઈને ઉધાર આપી શકતું નથી…આ ધન બધાને નિશ્ચિત માત્રામાં મળેલ છે અને તેની ચોક્કસ મર્યાદા છે, માટે આપણે બધાએ આ ધનનો સમજદારીપૂર્વક ખર્ચ કરવો જોઈએ.આ ધન આપોઆપ વપરાતું રહે છે તેને તિજોરીમાં સાચવી શકાતું નથી.માટે પળ પળનો એક એક શ્વાસનો સદુપયોગ કરવો જોઈએ.’દાદાએ સુંદર સમજ આપી.