Charchapatra

ખરો લડવૈયો

આઁગ્લ કવિ અને લેખક રડ્યાર્ડ કિપ્લિંગે અત્યંત પ્રેરક કાવ્ય “If” માં વિજય અને પરાજયને દુષ્ટ કહ્યા છે. ન.મો. સ્ટેડિયમમાં વિશ્વ કપ ફાઇનલ મેચમાં ભારતને મળેલ હારથી સૌ હતપ્રભ થઇ ગયા છે. આપણે સૌ આરંભે શૂરા છીએ. સવારથી જ પ્રજા પર જીતની ભાંગનો નશો છવાયો હતો. તેમાં મિડિયા કર્મીઓ બળતામાં ઘી ઉમેરવાનું કામ કરતાં હતાં. પૂર્વ વિશ્વકપ વિજેતા ટીમના કપ્તાન કપિલદેવને એક હિન્દી સમાચાર શ્રેણીના પત્રકાર બેને અતિ ઉત્સાહથી ભાંગડા કરવા કહ્યું ત્યારે એમણે ઠરેલ જવાબ આપ્યો હતો કે સાંજે વિજય પતાકા લહેરાય પછી બધું. આપણે હરખપદુડા થવામાં વિશ્વમાં પ્રથમ ક્રમ ધરાવીએ છીએ. સફળતા-નિષ્ફળતા સિક્કાની બે બાજુઓ છે. જય માણસને અહંકારના નશામાં ડૂબાડી દે છે ને પરાજય હતાશાના સાગરમાં. આ બંનેને ખાળી શકે તે ખરો લડવૈયો. જીવનમાંય આવું જ છે. એક વાત નિશ્ચિત છે; Man proposes and God disposes, માણસ ધારે શું ને ઈશ્વર કરે શું. નિયતિને સહારે જીવવું છટકબારી કહેવાય. પરિણામ સુધી લડતાં રહ્યા બાદ જે પરિણામ આવે તેને દેવ, પ્રારબ્ધ કે નસીબ માનવું.
બારડોલી          – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવાની તાતી જરૂર
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે. 15 વર્ષથી ઓછી વયનાં બાળકોના પ્રદૂષણને કારણે શારીરિક જ નહીં માનસિક ઘાતક પેઢીની સુખાકારીને લક્ષમાં લઇ પ્રદૂષણ ઘટાડવા માટે કડક નક્કર અને અસરકારક પગલાંઓ લેવાં હવે અનિવાર્ય બન્યાં છે. પ્રદૂષણ ઘટાડવા માટે ઓડ-ઇવન ફોર્મ્યુલા (પ્રથા) 2016થી પડતો નથી. આવા કામચલાઉ પગલાં લેવાને બદલે પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે.

આ કાયમી ઉકેલ શું હોઇ શકે તે અંગે પર્યાવરણવિદો નિષ્ણાતો સાથે ચર્ચા કરી પગલાંઓ લેવાની જરૂર છે. પ્રદૂષણ ઘટાડવા માટે ચીન, આર્જેન્ટિના, બ્રાઝીલ અને મેક્સિકો જેવા દેશોમાં કેટલાંક શહેરોમાં કડક કાયદાઓ અમલમાં મુકાયા છે અને તેના સખતાઇપૂર્વકના અમલને લીધે હકારાત્મક પરિણામનો અભ્યાસ કરીને તેને અમલમાં મૂકવાની જરૂર છે. સાથોસાથ 20 વર્ષથી વધુ જુનાં વાહનોને રસ્તાઓ પરથી હટાવી દેવાની જરૂર છે. આ પગલાંથી વાતાવરણમાં છૂટતા હજારો ટન કાર્બન મોનોક્સાઇડને અટકાવી શકાશે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top