કર્તી કુલ્હારીએ ફિલ્મોમાં જેટલું સફળ થવું હતું તેટલી નથી થઈ પણ હવે એ વિશે તે બહુ ચિંતા નથી કરતી કારણ કે વેબસિરીઝનો વિકલ્પ તેને મળી ગયો છે. કિર્તીનો અભિગમ એવો રહ્યો છે કે ગ્લેમરસ પાત્રોમાં લટકા ઝટકા સાથે દેખાવું તેના કરતાં એવી ફિલ્મોમાં કામ કરવું જેમાં અભિનયની રીતે કશુંક ખાસ કરી શકાય. ‘પિન્કી’, ‘ઈન્દુ સરકાર’, ‘બ્લેક મેલ’ અને ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’માં તેણે એવી જ ભૂમિકા કરી. અલબત્ત, તે બ્યુટીફૂલ છે ને ગ્લેમરસ પાત્રો કરે તો પ્રેક્ષકોને ખુશ કરે તેવી છે પરંતુ કિર્તીની પોતાની પસંદગી છે અને ફિલ્મો ન મળે તો વેબસિરીઝ કરવામાં ક્યાં વાંધો છે? કિર્તીએ છેલ્લા બે વર્ષમાં ત્રણ વેબસિરીઝ કરી છે.
‘ક્રિમીનલ જસ્ટિસ-બિહાઈન્ડ ક્લોઝ ડોર્સ’માં તે અનુરાધા ચન્દ્રા બનેલી, ‘ફોર મોર શોટ્સ પ્લિઝમાં અંજના મેનન અને ‘બોર્ડ ઓફ બ્લડ’માં જન્નત. ‘યુરી:ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને ‘મિશન મંગલ’ની કિર્તી પોતાની રીતે જીવવું પસંદ કરે છે અને એટલે જ હમણાં તે તેના પતિ સાહિલ સંગલથી છૂટી થઈ ગઈ છે. પેપર પર નહીં જિંદગીમાં છૂટા પડવાનો આ નિર્ણય સહેલો નહોતો. 2016માં તેઓ પરણેલા પણ લગ્ન ન ટક્યા તો ન ટક્યા. કિર્તી તેનો અફસોસ નથી કરતી. અત્યારે તેની જેમ પતિથી છૂટી પડેલી અનેક અભીનેત્રીઓ છે. મૂળ રાજસ્થાનની પણ મુંબઈમાં જન્મેલીને મોટી થયેલી કિર્તીને ખોટી રીતે સંબંધ ટકાવવામાં જરાય રસ નથી.
વેબ સિરીઝ અને ફિલ્મો બન્નેમાં તે સક્રીય છે. અત્યારે તે ‘સન75’માં કેકે મેનન સાથે આવી રહી છે. 2015માં આ ફિલ્મનું શૂટિંગ પૂરૂં થયેલું પણ રિલીઝ થઈ નહોતી. આ ઉપરાંત ‘જોગીયા રોક્સ’ અને ‘શાદીસ્થાન’ ફિલ્મો છે. ત્રણે તૈયાર છે પણ રિલીઝ ક્યારે થશે તે ખબર નથી. કિર્તી વિચારે છે કે કોઈ માધ્યમ વચ્ચે ભેદ ન કરવો. એક સમયે નાટકોમાં કામ કરી ચુકેલી કિર્તીને માધ્યમથી વધારે મહત્વ પોતે કેવું કામ કર્યું તેનું છે. પોતાનું મહત્વ ઘટાડીને કામ કરવાનો અર્થ નથી અને હવે કામના વિકલ્પો ઘણા છે તો શું કામ મોટા સ્ટાર્સની પાછળ ભાગવું? કિર્તીએ આત્મ ગૌરવ સાથે કામ કરવાનું શીખી લીધું છે.