Charchapatra

વાંચન, લેખન અને ગણન અભિયાન

કેન્દ્ર સરકારના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ થયેલા ‘પરખ’ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ અનુસાર ગુજરાતનું શિક્ષણ તળિયે જતા હવે વાંચન, લેખન અને ગણન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ આપણા ગુજરાતે દેશના પ્રથમ 10 નબળા રાજ્યની યાદીમાં સ્થાન મેળવતા ગુજરાતના શિક્ષણની પોલ ખુલી ગઈ છે. પરિપત્ર અનુસાર છઠ્ઠી નવેમ્બરથી 14 નવેમ્બર સુધી ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓને માત્ર વાંચન, લેખન અને ગણન કરાવવામાં આવશે. ગુજરાતનું શિક્ષણ ખાડે કેમ ગયું છે? તે સૌ કોઈ જાણે છે.

જો આપણા ગુજરાત રાજ્યના શિક્ષણનું સ્તર સુધારવું હોય તો શિક્ષકોને ફક્ત ભણાવવાની જ જવાબદારી સોંપવી જોઈએ. કેટલીક વખત તો એવું લાગે છે કે આજનો શિક્ષક એ શિક્ષક તરીકે નહીં પરંતુ મજૂર તરીકે કાર્ય કરી રહ્યો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા એજ્યુકેશન પાછળ જે ખર્ચ કરે છે તેનું વળતર તો મળતું જ નથી, ઉલટાનું શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળી રહ્યું છે. વાલીઓ આ બધી જ બાબતોથી વાકેફ છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વાલીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે? ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ શિક્ષકોને ઈતર પ્રવૃત્તિઓમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે પરંતુ સરકારના બહેરા કાને એ અથડાય છે. આ પરિસ્થિતિમાં ક્યાંથી ભણે ગુજરાત?
નવસારી   – ડૉ. જે. એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સંગીતના સાત સૂરોને સાર્થક કરો
સૌ કોઇને સુખમય, નિરામય અને  દીર્ઘાયુ જીવન માણવાની ઇચ્છા રહેતી હોય છે. પરંતુ આજના યુગમાં થોડું મુશ્કેલ બની રહે છે, જેને સરળ બનાવવા સંગીતના સાત સૂરોને જીવનમાં આ રીતે સ્વરબધ્ધ કરીએ તો જીવનરૂપી સંગીત, સૂરમય અને કર્ણપ્રિય રહે. સારા મિત્રો, સારી ટેવો અને સારા વિચારો ખૂબ જ જરૂરી છે. જીવનક્રમમાં નિયમિત રહો. ખાસ કરીને આહાર તથા વિહારમાં. કદી ગમગીની ઉદાસી સ્વભાવ ન રાખો. મળતાપણો સ્વભાવ કેળવો. કોઇના પ્રત્યે દ્વેષ-પૂર્વગ્રહ ન રાખો. પ્રસન્ન રહો. પરિવારને સમય આપો. સાથે બેસી ગીત-સંગીત-રમત રમો. ધમકીભર્યો સ્વભાવ ન રાખો. ધીરજ રાખો. નિશ્ચિત રહો. દરેક કાર્યની શરૂઆતમાં પૂર્ણ વિશ્વાસ રાખો.
રાંદેર રોડ, સુરત  – દીપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top