Charchapatra

નેશનલ ક્રાઇમ રીપોર્ટ વાંચો ને પૂછો આટલા ગુના કેમ?

તાજેતરમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા એનસીઆરબીનો રાષ્ટ્રવ્યાપી ક્રાઇમ રીપોર્ટ 2022-23 રજૂ કરાયો, જેમાં દર્શાવાયેલા આંકડા મુજબ આપણા દેશમાં રોજના 500થી વધુ લોકો આત્મહત્યા કરે છે, જે પ્રમાણ 2014 પહેલાં 314 લોકોનું હતું. દરરોજ જે 500 લોકો આત્મહત્યા કરે છે તેમાં 154 કિસાનો છે, 170 મહિલાઓ છે અને 180થી યુવાનો સિનિયર સિટીઝનો અને અબુધ કિશોરો છે. 2014 પછીના મોદીના શાસનમાં કિસાનોની આત્મહત્યામાં 18 ટકાનો, મહિલાઓમાં 12 ટકાનો અને યુવાનોમાં 14 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. મોદીની ચોકીદારી હેઠળના 9 વર્ષમાં દેશભરમાંથી 1480000 મહિલાઓ ગુમ થઇ ગઇ છે.

એ કયાં અદૃશ્ય થઇ છે? એ કોઇ નથી જાણતું. વળી 2022-23 અનુસાર મહિલાઓ ઉપર બળાત્કારના 28147 મામલા સામે આવ્યા છે. વળી સૌથી વધુ જઘન્ય ગુનાઓ ભાજપ સંચાલિત યા સમર્થિત હિન્દીભાષી રાજયોમાં નોંધાયા છે. દક્ષિણનાં રાજયોમાં ક્રાઇમ રેટ સૌથી ઓછો છે. વળી જે આત્મહત્યાઓ થાય છે તેનાં કારણોની તપાસમાં દર્શાવ્યા મુજબ આત્મહત્યાઓ મુખ્યત્વે સરકારી યોજનાઓના સમજદારી વિનાના ઢંગધડા વગરના અમલના કારણે સૌથી વધુ આત્મહત્યાઓ થઇ રહ્યાનું દર્શાવાયું છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મૃત્યુનું આ કારણ કેટલું યોગ્ય?
વર્તમાનપત્રમાં અવારનવાર આપઘાતના સમાચાર વાંચવા મળે છે. પણ તેમાં એક કારણ એવું હોય છે કે રૂપિયા વ્યાજે લીધેલ હોય છે અને ખબર જ છે કે રૂપિયા પાછા આપવા જ પડશે અને નક્કી કરેલા વ્યાજ સાથે જ આપવાના હોય છે. પરંતુ આ રૂપિયા આપી નહીં શકવાને કારણે આપઘાત કરેલ હોય છે. આ કારણ પોતાની જાતે મુશ્કેલી ઊભી કરી અને સહન ન થતાં મૃત્યુનો રસ્તો શોધવો એ યોગ્ય ન કહેવાય પરંતુ જોવાનું એ છે કે જેણે મદદ કરી વ્યાજની સાથે તમને રૂપિયા આપ્યા. લેનારની સંમતિથી રૂપિયા આપેલ છે. પણ પાછા માંગવા માટે અવારનવાર ફોન કરવા પડે છે. અને રૂપિયા નહીં મળતાં  કડક શબ્દોમાં પણ કહેવું પડતું હોય છે.

આને કારણે લેનાર વ્યક્તિ મૃત્યુ કે આપઘાતનો રસ્તો લઇ લે. તો ગુનેગાર વ્યક્તિ પૈસાની મદદ કરવાવાળો થઈ જાય છે. એટલે શું એવું કે રૂપિયા પણ આપ્યા ને ફરી પાછા માંગવા પણ નહીં. રૂપિયા આપીને ડર અને ટેન્શનમાં આપવાવાળો વ્યક્તિ રહે છે. એના કરતાં તો ચાદર હોય એટલા જ પગ લંબાવવા. આ કહેવત ખોટી નથી. તમારાથી દેવું ભરપાઇ ન થતું હોય તો પૈસા ઉધાર લેવા જ નહિ જોઇએ. આમાં સામેવાળા વ્યક્તિને ગુનેગાર બનાવીને પોતે કુટુંબની જવાબદારીથી વિમુખ થઈ આપઘાતનો રસ્તો લેવો એ તો કાયરતાની નિશાની છે. આવું જ ચાલ્યા કરશે તો વ્યાજના રૂપિયાવાળાની દુકાન ધીરે ધીરે બંધ થઈ જશે.
સુરત     કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top