નડિયાદ, તા.28
ખેડા જિલ્લાના નડિયાદ પંથકમાંથી યુરીયા ખાતરનો કાળો કારોબારનો વડતાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. ત્યારે વલેટવા ચોકડી સ્થિત આ ગોડાઉન ભાડેથી રાખેલ હોવાની ચોકાવનારી વિગતો પોલીસ સમક્ષ બહાર આવી છે. ખેડૂતોને રાહતદરે આપવામાં આવતા યુરિયા ખાતરનો ગેરકાયદે વેપલાનો પર્દાફાશ થતાં આવા કાળાબજારીઓમા ફફડાટ વ્યાપી ગયો છે. હાલ તો પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.
વડતાલ પોલીસે પાકી બાતમીના આધારે 21મી જાન્યુઆરીના રોજ વલેટવા ચોકડીથી શ્રીજીપુરા જવાના રોડ ઉપર આવેલ સંકલ્પ ગોડાઉનમાં પહોંચી તપાસ આદરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, અહીંયા આ ગોડાઉનમાંથી બીલ કે આધાર પુરાવા વગરની યુરીયા ખાતરની થેલીઓનુ રી-પેકીગ કરવામાં આવી રહ્યું છે. આથી પોલીસે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને સાથે રાખી ગોડાઉન પર છાપો માર્યો હતો.
અહીંયાથી પોલીસે ગોડાઉન પર હાજર સલમાન સલીમ યુસુફ મન્સુરી (વ્હોરા અઠસઠ સમાજ) રહે. 19, જૈનબ ટાઉનશીપ સલાટીયા રોડ, પરિવાર પાર્ટી પ્લોટ પાસે, આણંદને સાથે રાખી ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી યુરીયા ખાતરની કોથળીઓ નંગ-250 કિ.રૂ.66,633/- તથા યુરીયા ખાતરનો પાવડર ભરેલ પ્લા, ની કોથળીઓ નંગ-21 અને ખાલી પ્લા.ની કોથળીઓ નંગ-1,135 તેમજ અન્ય ખાતરની કોથળીઓ મળી આવી હતી પોલીસે આ ખાતર સંબંધી જરૂરી પુરાવા માંગતા સલમાન મન્સૂરી ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.
આથી પોલીસે ખાતર સહિતનો જથ્થો કબજે કરી તેની અટકાયત કરી હતી સાથે ખેતીવાડીના અધિકારીએ ખાતરના નમુના લઇ ચકાસણી અર્થે લેબોટરીમાં મોકલી આપ્યા હતા. બાદ પોલીસે સલમાન મન્સૂરીની હાથ ધરેલ પૂછપરછમાં ગોડાઉન ખાતે ખાતરનો જથ્થો નડિયાદના સલુણ ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ લઈને આવતો હતો.
જેમાં તેને સારા યુરીયા ખાતરની એક ગુણના .રૂ.305 અને જો લાલ કણ વાળુ ખાતર હોય તો એક ગુણના રૂપિયા 290 લેખે ચૂકવવામાં આવતા હતા ગોડાઉનમાં તમામ ખાતર ભેગું કરી હર્ષિલ પટેલ નામના ઈસમ મોબાઈલ પર સંપર્ક કરી ચીખલી ખાતે આવેલ વેસ્ટન કંપનીમાં મોકલવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો છે.
ખાતરના લેવામાં આવેલા નમુના ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા તેના રિપોર્ટમાં ગોડાઉનમાંથી કબ્જે લેવામાં આવેલ તમામ કોથળીઓમા ખેતીવાડી વપરાશ માટેનું સબસીડી યુક્ત નિમ કોટેડ યુરિયા ખાતર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આથી પોલીસે હાથ ધરેલ તપાસમાં સલુણ ગામમાં યુરિયા ખાતરની મંડળી ચલાવતો વિપુલ ચૌહાણ ગોડાઉનમાં ખેતીવાડી વપરાશનું સબસીડી યુક્ત યુરિયા ખાતર આપી જતો હતો આ રાહતદરના ખાતરને ઉંચા ભાવે વેચવાના હેતુસર આણંદનો સલમાન સલીમ યુસુફ મનસુરી ગોડાઉનમાં રી પેકિંગ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આથી પોલીસે આણંદના સલમાન સલીમ મન્સૂરી, સલુણના વિપુલ ચૌહાણ અને હર્ષિલ પટેલ એમ 3 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની તપાસમાં વલેટવા ચોકડી સ્થિતિ જ્યાં આ ગોડાઉનમાં વેપલો થતો હતો તે આરોપીઓએ ભાડેથી રાખેલ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ ખાતર અન્ય કઈ કઈ જગ્યાએ મોકલાવવામાં આવતું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ બનાવમાં એકની ધરપકડ કરી છે જ્યારે બે નાસતા ફરતા હોવાનું જિલ્લા ડીવાયએસપી વી.આર.બાજપાઈએ જણાવ્યું છે.
વલેટવાના ગોડાઉનમાં યુરીયા ખાતરનું રી-પેકીંગ
By
Posted on