SURAT

સુરતમાં ડુંભાલ ટેનામેન્ટનું રિ-ડેવલપમેન્ટ ગુજરાતનો 1000 યુનિટનો પ્રથમ પ્રોજેક્ટ બન્યો

કહે છે કે કોઈપણ વ્યક્તિ માટે જરૂરી છે રોટી, કપડા અને મકાન. તેમાં પણ મહાનગરોમાં એવું છે કે રોટલો મળે પરંતુ ઓટલો નહીં મળે. જો મોટા શહેરોમાં રહેવાનું પોતાનું મકાન મળી જાય તો જિંદગી નીકળી જાય છે. સામાન્ય રીતે પૈસાદાર વ્યક્તિ હોય તો તે પોતાનું મકાન લઈ શકે છે પરંતુ ગરીબો માટે ઘરનું ઘર અઘરૂં હોય છે અને તેમાં પણ આધુનિક સુવિધા સાથેનું ઘર તેમના માટે સપના સમાન જ હોય છે પરંતુ સુરતમાં ગરીબોને પણ પોતાના સપનાનું મકાન મળશે અને તે પણ પોશ એરિયામાં હોય તેવું. સુરતમાં જર્જરીત થઈ ચૂકેલા ડુંભાલ ટેનામેન્ટનું સુરતની જાણીતી કન્સ્ટ્રકશન પેઢી સિદ્ધી કન્સ્ટ્રકશન દ્વારા રિ-ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે.

છેલ્લા ચારેક વર્ષથી જનભાગીદારીના ધોરણે ચાલતી કામગીરી હવે પુરી થઈ ગઈ છે અને સંભવત: નવેમ્બર માસમાં ગરીબોને તેમનું આ ઘરનું ઘર પણ મળી જશે. જ્યારે સુરતમાં અન્ય ટેનામેન્ટના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી ત્યારે જોવા જેવું છે કે, આ સુરતનો પ્રથમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે કે જે ચાર જ વર્ષમાં સાકાર થઈ ગયો છે. જ્યારે આખા ગુજરાતનો પણ આ પ્રથમ એવો રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે કે જેમાં એકસાથે આશરે 1000 જેટલા પરિવારોને પોતાનું ઘર મળ્યું હોય. સુરતમાં વિવિધ જગ્યાએ આવેલા ટેનામેન્ટ જર્જરીત થઈ ગયા હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા તેના રિ-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ માટે મનપાએ કતારગામ, આંજણા, અલથાણ તેમજ ડુંભાલ ટેનામેન્ટના રિ-ડેવલપમેન્ટના ટેન્ડરો બહાર પાડ્યા હતા. તેમાં ડુંભાલ ટેનામેન્ટના રિ-ડેવલપમેન્ટનું ટેન્ડર સૌથી છેલ્લું 2018માં મંજૂર કરવામાં આવ્યું હતું. જોકે, સૌથી ઝડપી જો કોઈ રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ સાકાર થયો હોય તો તે ડુંભાલ ટેનામેન્ટનો પ્રોજેક્ટ છે. જ્યારે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું ત્યારે તેમાં 896 ઘરોમાં પરિવારો રહેતા હતા. જ્યારે 12 દુકાન હતી કે જેમાં ધંધાકીય પ્રવૃત્તિ ચાલતી હતી. આ પ્રોજેક્ટ પર બાંધકામ શરૂ કરવામાં જ દોઢ વર્ષ જેટલો સમય નીકળી ગયો હતો. કારણ કે તેમાં 40થી 50 જેટલી ગેરકાયદે દુકાનો હતી. જેને ખાલી કરાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. પરંતુ તે કરી બતાવવામાં આવ્યું હતું. સુરતની જાણીતી કન્સ્ટ્રકશન પેઢી સિદ્ધી કન્સ્ટ્રકશને જગ્યા ખાલી કરાવવાથી માંડીને કોરોના સહિતની અનેક મુશ્કેલીઓ આવી હોવા છતાં ચાર જ વર્ષમાં પ્રોજેક્ટ સાકાર કરી દીધો # ભૂકંપપ્રુફ બિલ્ડિંગની સાથે સોલાર પાવર સિસ્ટમ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ કેમ્પસમાં જ હશે, જેનું પાણી ટોયલેટમાં વાપરવામાં આવશે

ગરીબ પરિવારોને આ રિ-ડેવલપમેન્ટમાં આધુનિક સુવિધાવાળા ફ્લેટ મળ્યા
• ભૂકંપરહિત બિલ્ડિંગ • સોલાર પાવર સિસ્ટમ • ગટરના પાણીને ફરી ટોયલેટમાં વાપરી શકાય તેવો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ • ડિઝલ જનરેટર સેટ • ખાનગી બિલ્ડિંગમાં ક્યાંય નહીં હોય તેવી દરેક બિલ્ડિંગમાં 8-8 લિફ્ટ • ફાયર ફાઈટિંગ સિસ્ટમ • આધુનિક સુવિધાયુક્ત બાથરૂમ

કોરોનામાં બધા થાકી ગયા, ઈન્વેસ્ટરો જતાં રહ્યાં પરંતુ અમે મક્કમ મનોબળ રાખીને પ્રોજેક્ટ પાર પાડ્યો: દંડવતે બંધુઓ
ડુંભાલ ટેનામેન્ટનો પ્રોજેક્ટ સાકાર કરીને ગુજરાતનો પ્રથમ એવો રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ કરવાનો શ્રેય લેનાર સુરતના સિદ્ધી કન્સ્ટ્રકશન સંચાલક બંધુઓ સાગર દંડવતે અને પ્રશાંત દંડવતેએ જણાવ્યું હતું કે, અમારો જ્યારે આ રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ મંજૂર થયો ત્યારે અમે ભારે ઉત્સાહમાં હતાં. પરંતુ ગેરકાયદે દુકાનો અને મકાનો ખાલી કરાવવામાં જ દોઢ વર્ષનો સમય નીકળી ગયો. જમીન ખાલી થઈ અને જેવું બાંધકામ શરૂ કર્યું કે તુરંત કોરોના આવી ગયો. કોરોનામાં લોકડાઉનને કારણે બધું જ બંધ થઈ ગયું હતું. ત્યાં સુધી કે અમારી સાથે આ પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરનારા ઈન્વેસ્ટરો પણ જતાં રહ્યાં હતાં. પરિસ્થિતિ અતિવિપરિત હતી.

સુરતના તમામ રિ-ડેવલપમેન્ટના પ્રોજેક્ટ થંભી ગયા હતા. તમામે ભાડા પણ બંધ કરી દીધા હતા. કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટના પ્રોજેક્ટમાં તો બિલ્ડર અને ટેનામેન્ટધારકોની માથાકૂટો પણ શરૂ થઈ ગઈ હતી. અમે હિંમત હારી જઈએ તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. દર મહિને ટેનામેન્ટના પરિવારોને રૂપિયા 60 લાખનું ભાડું ચૂકવવું અઘરૂં બની ગયું હતું પરંતુ અમે ગરીબ પરિવારોનો વિચાર કર્યો. અમે વિચાર્યું કે જ્યારે ગરીબ પરિવારોને સારા ઘરમાં લઈ જવાની અમને તક મળી છે ત્યારે આ તક કેમ ચુકાય! સુરતમાં અમારી પેઢીની 30 વર્ષની એક શાખ છે. આ શાખને પણ જાળવી રાખવી જરૂરી હતી અને અમે મનને મક્કમ કર્યું. મનોબળને મજબૂત કર્યું અને ગમે ત્યાંથી વ્યવસ્થા કરીને એક પણ મહિને ભાડું અટકાવ્યું નથી. આખરે અમારી મહેનત અને પરિવારોની ધીરજ ફળી અને હવે તમામને સારા ઘરો મળી જશે.

Most Popular

To Top