
બારડોલી-કડોદ રોડ પર આવેલું મહત્ત્વનું ગામ રાયમ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. બારડોલી અને કડોદ વચ્ચે આવેલા આ ગામ આજુબાજુનાં ગામો માટે વૈકલ્પિક બજાર બની રહ્યું છે. નાનકડા ગામમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાનાપાયે રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ વિકસ્યો છે. જેને કારણે વિકાસની ગાડીને ટોપ ગિયરમાં નાંખી દીધી છે. તાલુકા મથક બારડોલીથી અંદાજિત 8 કિ.મી.ના અંતરે આવેલું રાયમ ગામ બારડોલી-કડોદ-માંડવી રાજ્ય ધોરી માર્ગ નં.88 તેમજ મોતા–ઓરગામ રોડ પર આવેલું હોવાથી અહીં વાહન વ્યવહારની સુવિધા પણ સારી ઉપલબ્ધ છે. રાયમથી ચારેય દિશાઓમાં જઇ શકાય એ રીતે રસ્તાઓનો વિકાસ થયો છે. અહીંથી કડોદ-માંડવી ઉપરાંત મઢી, મોતા, સેવણી, વિહાણ, વાઘેચા, સાંકરી જવા માટે પણ સીધા રસ્તા ઉપલબ્ધ હોવાથી રાયમને એક જંક્શન પોઈન્ટ તરીકે માનવામાં આવે છે. ગામનો કુલ ભૌગોલિક વિસ્તાર 343.18 હેક્ટરમાં ફેલાયેલો છે. ગામની આજુબાજુ સાંકરી, પલસોદ, ખોજ, રૂવા, વરાડ અને પણદા ગામની સીમા લાગે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બારડોલી અને મઢી સુગર ફેક્ટરી નજીક હોવાથી ગામના લોકો ખેતીમાં મોટા ભાગે શેરડીનો પાક લેવાનો આગ્રહ રાખે છે. આ ઉપરાંત સિંચાઇની સગવડ સારી હોવાથી કેટલાક ખેડૂતો ડાંગર અને શાકભાજીની ખેતી પર પણ હાથ અજમાવતા જોવા મળે છે. અહીં અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમાજની વસતી સૌથી વધુ છે, ગામની કુલ વસતીના 62.60 ટકા લોકો આદિવાસી સમાજના છે. ગામમાં હળપતિ, મતિયા પાટીદાર, કોળી પટેલ, માહ્યાવંશી, રાજપૂત, આહીર અને બ્રાહ્મણ સમાજના લોકો હળીમળીને રહે છે અને ગામના વિકાસમાં ફાળો આપે છે. ગામમાં સામાજિક સમરસતાને કારણે વિકાસનાં કામો પણ સરળતાથી થઈ શકે છે. ગામના આગેવાન ભાવેશકુમાર પટેલ જણાવે છે કે, રાયમ ગામમાં તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. તમામ ફળિયાંના વિકાસ માટે સરકારી યોજનાઓ ઉપરાંત એનઆરઆઇઓનો પણ સહયોગ પ્રાપ્ત થતો આવ્યો છે. સરકારી યોજના થકી દરેક ફળિયામાં પાકા રસ્તા, પીવાના પાણીની સુવિધા, આવાસ, ગટર લાઇન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
જિલ્લાની જૂની હાઈસ્કૂલો પૈકીની એક રાયમમાં

રાયમ ગામે આવેલી ધી વરાડ હાઈસ્કૂલ, રાયમ જિલ્લાની જૂની હાઈસ્કૂલોમાં ગણના પામે છે. આ શાળાની સ્થાપનાની કહાની પણ ખૂબ જ રોચક છે. શાળા ભલે રાયમ ગામમાં હોય, પરંતુ તે સ્થાપનાનો શ્રેય વરાડ ગામના વડવાઓને જાય છે. વરાડ ગામના વડવાઓ વર્ષો પહેલા રોજીરોટી માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ગયા હતા. જ્યાં તેઓ કમાણી સાથે વતનનું ઋણ અદા કરવાનું ભૂલ્યા ન હતા. વરાડ અને આજુબાજુના વિસ્તારના લોકોને સારું શિક્ષણ મળી શકે એ માટે વડવાઓએ વર્ષ-1909માં વરાડ ગામમાં ભાડાના મકાનમાં શાળાની શરૂઆત કરી હતી. વર્ષ-1937માં દાતાના સહયોગથી વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખી બારડોલી કડોદ રોડ પર રાયમ ગામની સીમમાં મકાન બનાવવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. વર્ષ-2002માં દાતાઓના સહયોગથી શાળામાં વધુ 16 ઓરડા બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2018માં મલ્ટિપર્પઝ હૉલ વિથ કિચનનું પણ નિર્માણ કરી શાળાની સુવિધામાં ઓર વધારો થયો હતો.શાળાના આચાર્ય ગૌરાંગસિંહ ટી.ઠાકોર કહે છે કે, શાળા સંચાલક મંડળ વિદ્યાર્થીઓને અત્યાધુનિક સુવિધા પૂરી પાડવામાં ક્યારેય પીછેહઠ નથી કરતું. ટેકનોલોજી સાથે કદમ મિલાવી અમારી ગ્રામ્ય વિસ્તારની શાળા શહેરી શાળાઓ સાથે ટક્કર ઝીલી શકે છે. શાળાના કેમ્પસમાં જ સરદાર કુમાર છાત્રાલય કાર્યરત છે. સુરત, તાપી, નર્મદા જિલ્લાના 109 જેટલા વિદ્યાર્થી રહીને શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં આજુબાજુના વિસ્તારનાં 18 ગામોના જુનિયર કે.જી.થી ધો.12 સુધીના 928 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વરાડ ગામના હર્ષદભાઈ જીવણભાઈ પટેલ, સ્વ.નારણજીભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, બાબુભાઈ માધવભાઈ પટેલે 8 વીઘાં જમીન દાનમાં આપી હતી. ઉપરાંત સ્વ.નાથુભાઈ કાનજીભાઈ પટેલે પણ એક એકર જમીન દાન કરી હતી. વર્ષ-1987માં શાળાનું સંચાલન અમેરિકા મંડળને સોંપવામાં આવ્યું હતું. બે મંડળ દ્વારા શાળાનું સંચાલન થાય છે. અમેરિકા મંડળમાં પ્રમુખ હર્ષદભાઈ જીવણભાઈ પટેલ, બાલુભાઈ રામાભાઈ પટેલ, હરેશભાઈ જીવણભાઈ પટેલ 32 વર્ષથી કાર્યરત છે અને તેઓ શાળાના વિકાસમાં વિદેશથી મોટા પ્રમાણમાં દાન લાવી શાળાના વિકાસમાં સહાયરૂપ થઈ રહ્યા છે. અમેરિકા મંડળની સાથે સાથે સ્થાનિક મંડળ પણ સાથે કામ કરે છે. સ્થાનિક મંડળના પ્રમુખ તરીકે ગીરીશભાઈ અંબુભાઈ પટેલ (રાજપરા) કાર્યરત છે. શાળામાં અદ્યતન લાઈબ્રેરી, 60 કોમ્પ્યુટર સાથે 2 કોમ્પ્યુટર લેબ તેમજ 9થી 12ના તમામ વર્ગખંડોમાં ઇન્ટરનેટ કનેક્શન સાથે ઇન્ટરએક્ટિવ પેનલ કાર્યરત છે.
ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો
ગામમાં ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો છે. આથી ગામમાં સહકારી ધોરણે દૂધમંડળી પણ કાર્યરત છે. આ મંડળી દ્વારા દૂધ એકત્રિત કરી સીધું સુરતની સુમુલ ડેરીમાં મોકલવામાં આવે છે. જેને કારણે ગામના પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળી રહે છે.
બગીચો લોકોના આકર્ષણનું કેન્દ્ર

ગામમાં આવેલો બગીચો પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. લીલોછમ બગીચો ધગધગતા તાપમાં આંખને રાહત આપે છે. પાછળના પ્રવેશદ્વાર પાસે ગ્રામ પંચાયતની બાજુમાં બનેલો આ બગીચો ગ્રામજનો માટે જાણે હરવા ફરવાનું સ્થાન બની ગયો છે. વિવિધ ફૂલછોડ અને તેની જાળવણીને કારણે તે ગામની શોભા વધારી રહ્યો છે.
