Sports

જ્યારે રવિન્દ્ર જાડેજાને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોનીને કહ્યું, ‘અપના લડકા હૈ..’

મુંબઈ : ગયા વર્ષે 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) વચ્ચે વિવાદ થયો હતો. કેપ્ટન બનાવ્યા બાદ આઈપીએલના (IPL) મધ્યમાં જ રવિન્દ્ર જાડેજા પાસેથી કેપ્ટનશીપ આંચકી લઈ ફરી મહેન્દ્ર સિંહ ધોનીને (MSDhoni) સોંપી દેવાઈ હતી, ત્યાર બાદ જાડેજા તરફથી કેટલાંક ટ્વીટ થયા અને મામલો વણસ્યો હતો, પરંતુ આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફરી રિટેન કર્યો છે, ત્યારે રવિન્દ્ર જાડેજાએ એક ટ્વીટ પોસ્ટ કરતા લખ્યું છે, ‘હવે બધું બરાબર છે..’

આ તરફ ઈજાના લીધે રવિન્દ્ર જાડેજા છેલ્લાં કેટલાંય સમયથી ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) હિસ્સો નથી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ ગયેલા ટી -20 વર્લ્ડકપમાં (T20 World Cup) રવિન્દ્ર જાડેજા ટીમનો હિસ્સો નહોતો અને તેની ખોટ ટીમને વર્તાઈ હતી. જોકે આવતા મહિને બાંગ્લાદેશ (Bangladesh) પ્રવાસ માટે રવિન્દ્ર જાડેજા ટીમમાં પરત ફરે તેવી શક્યતા જોવાઈ રહી છે. છેલ્લાં દોઢ દાયકામાં રવિન્દ્ર જાડેજા એ સ્પીનર ઓલરાઉન્ડર તરીકે ભારત માટે 60 ટેસ્ટ મેચ, 171 વન ડે અને 64 ટી-20 મેચ રમી છે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ભાજપ (BJP) તરફથી ટિકીટ મળી છે. તેઓ જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપ માટે ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) સાથેનો 12 વર્ષ જૂનો એક પ્રસંગ યાદ કર્યો.

રવિન્દ્ર જાડેજાએ કહ્યું- હું 2010માં પીએમ મોદીને પહેલીવાર અમદાવાદમાં મળ્યો હતો. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. અમે મોટેરા સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સાથે મેચ રમી રહ્યાં હતા. તે સમયે માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની) ટીમના કેપ્ટન હતા. ધોનીએ મારો પરિચય તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરાવ્યો હતો. મને જોતાં જ મોદી સાહેબે કહ્યું કે ‘યે અપના લડકા હૈ, ધ્યાન રખના’. જ્યારે આટલી મોટી વ્યક્તિ રૂબરૂમાં આવું કહે ત્યારે તમને સ્પેશ્યિલ હોવાની લાગણી થાય છે. જ્યારે તેમણે કહ્યું ત્યારે મને તે ખરેખર ગમ્યું હતું. તે પ્રસંગ હજુ મને યાદ છે.

તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપનો ચહેરો છે. જાડેજા હવે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી અને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં જોવા મળશે. તે આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ટીમના મુખ્ય ખેલાડીઓમાંથી એક હશે. આ સાથે તે આ વખતે આઈપીએલમાં ચેન્નાઈને ચેમ્પિયન બનાવવાનો પણ પ્રયાસ કરશે. ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. 

Most Popular

To Top