ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની રવિવારે રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 69 રને હરાવ્યું હતું. અંતિમ ઓવરોમાં જાડેજાની તોફાની બેટિંગની મદદથી સીએસકેએ 20 ઓવરમાં 4 વિકેટે 191 રન બનાવ્યા હતા, તે પછી જાડેજાએ પોતાની 4 ઓવરમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ ઉપાડવા સાથે એક રનઆઉટ કરવા સાથે આરસીબીને 20 ઓવરમાં 9 વિકેટે 122 રન સુધી જ સિમિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
192 રનના લક્ષ્યાંકની સામે દેવદત્ત પડ્ડીકલ અને વિરાટ કોહલીએ આરસીબીને ઝડપી શરૂઆત અપાવી હતી અને પહેલી ત્રણ ઓવરમાં બોર્ડ પર 44 રન મુકી દીધા હતા. જો કે તે પછી વિરાટ આઉટ થયો અને ત્યાંથી જાણે કે ગેટ ખુલ્યો હોય તેમ એક પછી એક બેટ્સમેન આઉટ થતાં ગયા હતા. જાડેજાએ વોશિંગ્ટન સુંદરને કેચઆઉટ કરાવ્યા પછી આક્રમક બેટિંગ કરતાં મેક્સવેલને બોલ્ડ કર્યો હતો. તે પછી ડેનિ ક્રિશ્ચીયનને રન આઉટ કર્યો હતો અને એબી ડિ વિલિયર્સને પણ બોલ્ડ કરીને આરસીબીની આશાનો આંત આણ્યો હતો અને તેઓ અંતે 9 વિકેટે 122 રન સુધી જ પહોંચી શક્યા હતા.
આ પહેલા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીએસકેને ઋતુરાજ ગાયકવાડ અને ડુ પ્લેસિસે જોરદાર શરૂઆત અપાવી હતી. બોર્ડ પર 74 રન હતા ત્યારે ગાયકવાડ આઉટ થયો હતો અને તે પછી સ્કોર 111 થયો ત્યારે હર્ષલ પટેલની ઓવરમાં રૈના અને ડુ પ્લેસિ આઉટ થયા હતા. હર્ષલે તે પછી અંબાતી રાયડુને આઉટ કર્યો હતો. જો કે મેચની અંતિમ ઓવર ફેંકવા આવેલા હર્ષલ પટેલની આગળની તમામ ઓવરોનો જાણે કે બદલો વાળતો હોય તેમ જાડેજાએ પાંચ છગ્ગા અને એક ચોગ્ગા અને બે રનની સાથે કુલ 37 રન કર્યા હતા અને તેના કારણે સીએસકેનો સ્કોર 191 રન સુધી પહોંચ્યો હતો.