નવી દિલ્હી: ભારતીય (Indian) ઓફ સ્પિનર (Off Spinner) રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) ખુલાસો કર્યો છે કે તેણે એક સમયે ક્રિકેટ (Cricket) છોડવાનું મન પણ બનાવી લીધું હતું. અશ્વિનને ન્યુઝીલેન્ડ શ્રેણી અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ વચ્ચે થોડો સમય મળ્યો હોવાથી, ભારતના ઑફ-સ્પિનરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘2018 અને 2020 ની વચ્ચે ઘણી વખત મારા મગજમાં એક વિચાર આવ્યો કે હવે મારે આ રમત છોડી દેવી જોઈએ. મને લાગતું હતું કે હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છું પરંતુ મને પરિણામ નથી મળતું.
ટીમ ઈન્ડિયાના બેસ્ટ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક ઈન્ટરવ્યૂમાં પોતાના કેરિયરના ઉતારચઢાવ વિશે ઘણી વાતો કરી. અશ્વિને કહ્યું કે ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) તેને એકલો પાડી દીધો હતો. શાસ્ત્રીએ જ્યારે એમ કહ્યું કે, કુલદીપ યાદવ (Kuldeep Yadav) નંબર 1 ઓવરસીઝ સ્પિનર છે ત્યારે તે અંદરથી ભાંગી પડ્યો હતો.
તે સમયે ટેસ્ટ સિરીઝમાં મેં પૂરી ક્ષમતાથી બોલિંગ કરી હતી. પહેલી ટેસ્ટ હું ભૂલવા માંગીશ કારણ કે મેં 50થી વધુ ઓવર ફેંકી અને 3 વિકેટ લીધી હતી. પરંતુ મને ત્યારે એ જ સાંભળવા મળ્યું કે નાથને 6 વિકેટ લીધી અને અશ્વિન માત્ર 3 જ વિકેટ લઈ શકયો. ઓફ સ્પિનર અશ્વિને કહ્યું કે, રવિ ભાઈની વાતોથી હું તૂટી ગયો હતો. હું એવા ઘણા લોકોને ઓળખું છું જે નાની નાની વાતોને મન પર લઈ લે છે. હું તેવો નથી. મારું માનવું છે કે, દરેક મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. લોકોનો વ્યવહાર બદલી શકાય છે. જે આજે તમારા માટે ખરાબ છે તે કાલે સારા થઈ શકે છે.
અશ્વિને કહ્યું કે, હું રવિ શાસ્ત્રીનું ખૂબ સન્માન કરું છું. હું કુલદીપ માટે ખુશ હતો, જે હું કરી નહોતો શક્યો તે તેણે કરી બતાવ્યું હતું. પરંતુ ત્યારે મને એવું લાગ્યું કે મને એકલો છોડી દેવાયો છે. તેણે આગળ કહ્યું, ‘તમે મને જે પણ કહી શકો છો, તમે મને ટીમમાંથી બહાર કરી શકો છો. ઠીક છે, પણ મારા ઈરાદા પર કે મારા પ્રયાસ પર શંકા કરવી એ મને સૌથી વધુ દુઃખી કરે છે. 2018માં ઈંગ્લેન્ડ સિરીઝ પછી અને તે જ વર્ષે ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ પહેલા અને એડિલેડ ટેસ્ટ પછી ફરીથી નિવૃત્તિનો વિચાર મારા મગજમાં આવ્યો. હું જેની સાથે વાત કરતો હતો તે મારી પત્ની હતી. પરંતુ મારા પિતાને મારામાં ઘણો વિશ્વાસ હતો, તેઓ કહેતા હતા કે તું મર્યાદિત ઓવરની ક્રિકેટમાં પાછી આવીશ. તેમના આ શબ્દોએ મને પ્રેરણા આપી અને મેં મારો વિચાર બદલી નાખ્યો.
તમને જણાવી દઈએ કે રવિચંદ્રન અશ્વિને પાછલા એક વર્ષમાં શાનદાર રમત બતાવી છે. 2021માં અશ્વિને 8 ટેસ્ટ મેચમાં 52 વિકેટ લીધી છે. ટી-20માં તેને કમબેકની તક મળી છે. તે ટી-20 વર્લ્ડકપ રમ્યો છે.