T-20 વર્લ્ડકપમાં (T-20 World Cup) ભારતીય (India) ટીમના ખરાબ પ્રદર્શન બાદ મોટા સમાચાર આવ્યા છે. કોચપદેથી (Coach) રવિ શાસ્ત્રીને (Ravi Shashtri) ખસેડી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને (Rahul Dravid) હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ સપોર્ટ સ્ટાફ પણ બદલી કાઢવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની વરણી કરી દેવામાં આવી છે. સુલક્ષણા નાયક અને આર પી સિંહની ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ સર્વસંમતિથી બુધવારે રાહુલ દ્રવિડને ભારતીય સીનિયર ટીમના મુખ્ય કોચ પદે વરણી કરી હતી. ભારતીય ટીમનો માજી કેપ્ટન ઘરઆંગણે રમાનારી આગામી ન્યુઝીલેન્ડ સામેની સીરિઝથી આ ચાર્જ સંભાળી લેશે.
- સુલક્ષણા નાયક અને આરપી સિંહની ક્રિકેટ એડવાઇઝરી કમિટીએ સર્વસંમતિથી સીનિયર ટીમના મુખ્ય કોચ તરીકે દ્રવિડની વરણી કરી
બીસીસીઆઇએ રવિ શાસ્ત્રીના અનુગામી તરીકે આ પદ માટે 26 ઓક્ટોબરે અરજીઓ મગાવી હતી. શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડકપની સાથે જ પુરો થશે. બીસીસીઆઇની વેબસાઇટ પર મુકાયેલા નિવેદનમાં જણાવાયા અનુસાર બોર્ડે માજી મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડીંગ કોચ આર શ્રીધર અને બેટિંગ કોચ વિક્રમ રાઠોરને તેમના સફળ કાર્યકાળ માટે અભિનંદન આપ્યા છે.
શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે ફિયરલેસ એપ્રોચ અપનાવીને ઘરઆંગણે તેમજ વિદેશમાં સફળતા મેળવી હતી. ભારતીય ટીમ ટેસ્ટ ફોર્મેટમાં ટોચના સ્થાને પહોંચી હતી અને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. આ સાથે જ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતનારી પહેલી એશિયન ટીમ બની હતી.
વિરાટ કોહલીને કપ્તાનપદેથી ખસેડી આ ખેલાડીને જવાબદારી સોંપાય તેવી સંભાવના
હેડ કોચપદેથી રવિ શાસ્ત્રીની હકાલપટ્ટી બાદ હવે ભારતીય ટીમના કેપ્ટન પણ બદલાય તેવી સંભાવના છે. વિરાટ કોહલી વર્લ્ડ્કપ બાદ ટી-20ની કપ્તાની છોડવાની જાહેરાત કરી ચૂક્યો છે. આ સિરીઝ બાદ રોહિત શર્માને ટી-20 ઉપરાંત વન-ડેમાં પણ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાય તેવી શક્યતા છે. જોકે, નિષ્ણાતો રોહિતની ઉંમરને જોતા તેને લાંબાગાળાના કેપ્ટન તરીકે જોઈ રહ્યાં નથી.