Gujarat

કોવિડની સારવારમાં રેમડેસિવિર ઇન્જેક્શન એટલું અસરકાર સાબિત થયું નથી : જયંતિ રવિ

રાજ્યમાં કોરોનાના કેસો વધી જતાં ગુરૂવારે ફરીથી રાજ્ય સરકારની કોવિડ ટાસ્ક ફોર્સ દ્વારા ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રેમડિસિવિર ઈન્જેકશન એટલા અસરકારક નહીં હોવાની વિગતો બહાર આવી હતી આ ઉપરાંત કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક એક અમોધ શસ્ત્ર હોવાનો અભિપ્રાય વ્યક્ત્ત કરાયો હતો.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન સમયમાં કોવિડના કેસોમાં વધારો થયો છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ સારવાર માટેના અનેક સૂચનો કર્યા છે. વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે હાલમાં WHO દ્વારા કહેવાયું છે કે કોવિડની સારવારમાં રેમડેસિવિર ઇન્જેક્શન એટલું અસરકાર સાબિત થયું નથી એટલે સારવાર માટે ડૉકટરની સલાહ મુજબ જ દર્દીઓએ ઈન્જેક્શનનો ઉપયોગ કરવો હિતાવહ છે.

યુ.એન.મહેતા ઈન્સ્ટી.ના ડાયરેક્ટર ડૉ.આર.કે. પટેલે જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક જ અમોઘ શસ્ર્ત્ર સાબિત થશે એટલે સૌ નાગરિકો અવશ્ય માસ્ક પહેરે એ જરૂરી છે. સાથે સાથે વેક્સિનેશન પણ અત્યંત અનિવાર્ય છે એટલે સૌ નાગરિકો સત્વરે વેક્સિન લે એ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે ૯૦ % યુવાનોને સંક્રમણ ઝડપથી થતું નથી એટલા માટે યુવાઓ જ્યારે બહારથી ઘરે આવે ત્યારે વડીલોથી દુર રહે અને વડીલોને બને એટલા આઈસોલેશનમાં રાખે કેમ કે કોમોર્બિડ દર્દીઓને સંક્રમણની શકયતા વધુ છે એટલા માટે વયસ્કોને આઈસોલેશનમાં રાખીએ.

ડૉ.પટેલે કહ્યું હતું કે, આપણે સૌએ મેળવડાઓમાં જવાનું ટાળવું જોઈએ સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ માસ્ક પહેરીએ તો જ સંક્રમણથી બચી શકીશું. કોરોનાથી મરી જવાશે એવા માનસિક ડરને મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. તેમણે ઉમેર્યુ કે, આપણે સામાન્ય શરદી, ખાસી કે તાવ લાગે તો ત્વરિત નિદાન કરાવીને એની સારવાર શરૂ કરીને આઈસોલેશનમાં રહીએ. હોસ્પિટલ તરફ ભાગવાની બિલકુલ જરૂર નથી. સારવાર સાથે આરામ કરીશું તો ચોકકસ હોસ્પિટલાઈઝ થવાથી બચી શકીશું.

હળવા લક્ષણોમાં આઇવરમેક્ટિન અને ફેરીપીરાવીર દવાનો ઉપયોગ કરવાની સલાહ : રાઘવેન્દ્ર દીક્ષિત
તબીબી શિક્ષણના અધિક નિયામક રાઘવેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષથી આપણે સૌ કોવિડ સામે ઝઝુમી રહ્યા છીએ. શરૂઆતના તબક્કે ખબર પણ ન હતી કે કયા પ્રોટોકોલ મુજબ સારવાર લેવી, એક વર્ષ બાદ અનેક તજજ્ઞો સાથે ચર્ચા કરાયા બાદ સારવારના પ્રોટોકોલમાં અનેક સૂચનો મળ્યા છે. તે મુજબ સારવારમાં બદલાવ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે એઈમ્સના તજજ્ઞો સાથે થયેલી ચર્ચા અને સારવારની માર્ગદર્શિકા મુજબ કોરોનાના હળવા લક્ષણોમાં આઇવરમેક્ટિન અને ફેરીપીરાવીર દવાનો ઉપયોગ કરવાની સૂચના મળી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ જેવાં રાજ્યોએ આ માર્ગદર્શિકાનો અભ્યાસ કર્યા બાદ સારવારમાં થોડા ફેરફાર કર્યા છે. જેનો રાજ્યભરમાં અમલ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

કોરોનાની દવાઓની આડઅસરો પણ છે : ડૉ. વી. એન શાહ

ડૉ.વી.એન. શાહે જણાવ્યું કે, કોરોના મહામારી એક વિશ્વયુદ્ધ છે જેમાં એક વાયરસ સામે આખી દુનિયા લડી રહી છે. છેલ્લા એક વર્ષમાં મેડિકલ ક્ષેત્રે જે રિસર્ચ થયું છે તે પાછલા વીસ-ત્રીસ વર્ષમાં પણ થયું નથી. કોરોનાને કારણે માત્ર એક વર્ષમાં ૯૦ હજારથી વધુ રિસર્ચ પેપર રજૂ થઇ ચુક્યા છે. ડો.શાહે કહ્યું હતું કે આજે પણ કોરોના વાયરસ સામે કોઈ પ્રસ્થાપિત દવા દુનિયામાં ઉપલબ્ધ નથી.

પહેલા હાઈડ્રોક્લોરોક્સિક્વિનની ખુબ માંગ હતી. ત્યારબાદ ટોસિલિઝુમેબ અને હવે રેમડેસિવિરની માંગ ખુબ વધી છે પણ એ ભૂલવું ન જોઇએ કે આ કોઈ જ કોરોનાની દવા નથી અને તેની ઘણી આડઅસરો પણ છે. રેમડેસિવિર ડ્રગ ઓફ ચોઇસ નથી એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રેન્ડમલી દવાઓ લેવાથી શરીરમાં વધુ નુકસાન થાય છે. દર્દીઓ જાતે કોઇ દવા માટે અને ઓક્સિજન માટે દોડાદોડી કરે પણ સંગ્રહ કરે તે યોગ્ય નથી. માત્ર નિષ્ણાંત તબીબના માર્ગદર્શન સલાહ પ્રમાણે જ દવા ઈલાજ થવો જોઈએ.

ડૉ. વી. એન. શાહે કોરોના દર્દીઓના પાંચ પ્રકાર એસિમ્ટોમેટીક, માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને ક્રિટિકલ જેવાં લક્ષણો વિશે સમજ આપી તેની ઇલાજ-સારવારના આવશ્યક પ્રોટોકોલ જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એસિમ્ટોમેટીક દર્દીને કોઇ જ દવાની જરૂર નથી તે માત્ર આઇસોલેટ થાય. માઇલ્ડ અને મોડરેટ દર્દીને ફેરીપેરાવીર અને આઇવરમેક્ટીન જેવી ટેબલેટ આપી શકાય છે, આ દવાને હાલ કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ પણ પ્રોટોકોલમાં સમાવી છે, ઉપરાંત આવા દર્દીએ વિટામિન સી, ડી, અને ઝિંક લેવાથી ફાયદો થઈ શકે છે. સિવિયર અને ક્રિટીકલ દર્દીને હોસ્પિટલાઇઝેશનની જરૂર રહે છે અને ઓક્સિજન તથા વેન્ટિલેટરની જરૂર રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું

બીજી લહેરમાં કોરોનાની સૌથી વધુ અસર દર્દીઓના ફેફસા પર જોવા મળી રહી છે: ડૉ. તુષાર પટેલ (પલ્મોનોલોજિસ્ટ એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, અમદાવાદ )

ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસની સૌથી વધુ અસર દર્દીઓના ફેફસા પર જોવા મળી રહી છે. આ વાયરસ ઝડપથી નાક વડે – મોઢા વાટે ફેફસામાં પહોંચી જાય છે. આ વાયરસની સૌથી વધુ અસર ફેફસાના પેરિફરી અને લોઅર પાર્ટમાં જોવા મળે છે. જેનાથી દર્દીનું ઓક્સિજન લેવલ ઝડપથી ઘટવા લાગે છે. તેમણે કહ્યું હતું કે, આ પરિસ્થિતિમાં પ્રોન પોઝિશન એટલે કે પેટ તરફ (ઊંધા) સૂવાથી ફેફસાની ઓક્સિજન ગ્રહણ ક્ષમતામાં વાધારો થાય છે જેથી શરીરમાં ઓક્સિજન લેવલ પણ વધે છે. હાલમાં આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓને પણ આ કસરત કરવાનું અમે કહી રહ્યા છીએ. માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર વિશે માર્ગદર્શન આપતા ડો. તુષાર પટેલે જણાવ્યું કે, સામાન્ય રીતે આ વાઇરસની અસર ૧૪ દિવસ સુધી રહેતી હોય છે. માઇલ્ડ લક્ષણો ધરાવતા ૮૦ ટકા દર્દીઓ મોટાભાગે હોમ આઈસોલેશનથી સાજા થઇ રહ્યા છે. આવા દર્દીઓએ ગભરાવવાની કે પછી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી. આવા દર્દીઓ હોમ આઇસોલેશનમાં પેરાસીટામોલ લઇને ઝડપથી રિક્વરી કરી શકે છે. ડો. તુષાર પટેલે સ્ટિરોઇડ દવા અંગે વાત કરતા જણાવ્યું કે, સ્ટિરોઇડ દવા કોરોના દર્દીઓ માટે રામબાણ ઇલાજ સાબિત થઇ રહી છે. આ દવાનો સક્સેસ રેટ પણ વધારે જોવા મળી રહ્યો છે. દર્દીએ ડોક્ટરના માર્ગદર્શન મુજબ જ સ્ટિરોઇડ દવાનો ઉપયોગ કરવો જોઇએ. કોરોનાના સંક્રમિત દર્દીઓ ઉપરાંત જેમને કોરોના નથી થયો તેમણે પણ યોગ અને પ્રાણાયમને પોતાની રોજીંદી જીવનશૈલીમાં વણી લેવા જોઇએ. અનુંલોમ અને વિલોમ પ્રણાયમ આપણા ફેફસાની બ્રિધીંગ કેપિસીટમાં વધારો કરે છે. આ ઉપરાંત તુષાર પટેલે થ્રી-બોલ સ્પાઇરોમિટર દ્વારા થતી બ્રિધિંગ એક્સરસાઇઝનું ડેમોન્સ્ટ્રેશન કરી તેની ઉપયોગીતા સમજાવી હતી.

વૃદ્ધોને કોરોનાથી બચાવવા ઘરમાં જ આઇસોલેટ રાખો : ડૉ. દિલીપ માવળંકર (નિયામક – પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ )

ડૉ.દિલીપ માવળંકરે જણાવ્યું હતું કે SMS-સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક અને સૅનેટાઇઝેશનની સાથે વેન્ટિલેશન મહત્વની બાબત છે. ગરમી વધી રહી છે, ત્યારે ઘરમાં બારી-બારણાં ખુલ્લા રાખવા સાથે હવાની અવર જવર વધુ સારી રીતે થઇ શકે તે ખૂબ જરૂરી છે. ડૉ માવળંકરે કોરોનાના વધતા વ્યાપને લઇ ભીડ ન કરવા ખાસ અપીલ કરી હતી. તેમણે અગાઉ દુકાનો ઉપર ખરીદી વખતે રાઉન્ડ દોરી સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા અને વૃદ્ધો-વધુ વયના વડીલોને પણ ઘરમાં આઇસોલેટ રાખવા પર ખાસ ભાર મુક્યો છે. કોરોનાને હરાવવા વેક્સિનેશન બ્રહ્માસ્ત્ર હોવાનું ગણાવતા ડૉ માવળંકરે જણાવ્યું હતું કે ૧૮થી વધુ વય માટે પ્રધાનમંત્રીએ ૧લી મેથી દેશભરમાં વેક્સિન આપવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પરંતુ ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો ગભરાઈને વેક્સિન લેતા નથી તેવું ધ્યાનમાં આવ્યું છે, ત્યારે તેઓને વેક્સિનની સાચી સમજ આપી વેક્સિન લે તે આજના સમયમા ખૂબ જરૂરી છે.

Most Popular

To Top